Gujarat

IOCL ર૪000 કરોડના રોકાણ સાથે ૬ નવા પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે

ગુજરાતમાં ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રૂ. ર૪ હજાર કરોડના રોકાણ સાથે ૬ નવા પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. આ સંદર્ભમાં સોમવારે આઈઓસી અને રાજ્ય સરકાર વચ્ચે સીએમ વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ-કુદરતી ગેસ-સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેકટના પરિણામે વડોદરા અને આસપાસના વિસ્તારો સહિતના અંદાજે રપ હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગાર અવસર પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર વતી આ MoU પર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ દ્વારા અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વતી ચેરમેન એસ. એમ. વૈદ્ય દ્વારા હસ્તાક્ષર કરીને MoUનું પરસ્પર આદાન-પ્રદાન થયું હતું.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, આ પ્રોજેકટસના ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવનારા દિવસોમાં ત્વરાએ સંપન્ન કરાવીને પ્રોજેકટસ સમયસર પૂર્ણ કરાશે. દુનિયાના સૌથી સ્વચ્છ ઈંધણ તરીકે હાઈડ્રોજનને માન્યતા પ્રાપ્ત થઈ છે. વડોદરા રીફાઈનરીમાં હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. વિશ્વ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ કેવડિયા, વડોદરા, ગાંધીનગર, કર્ણવતી, ગાંધીધામમાં રાજ્ય નિગમ અને IOCLના સંયુક્ત પ્રયત્નોથી હાઈડ્રોજનથી સંચાલિત બસો ગુજરાતમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવશે.

ગુજરાત રિફાઈનરી ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરશે: એસ.એમ. વૈદ્ય
ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન એસ.એમ. વૈદ્યે કહ્યું હતું ક્લીન એનર્જી પહેલના ભાગરૂપે ગુજરાત રિફાઈનરી ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એક નવું પ્રકરણ ઉમેરતા ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઈનરીએ પોતાની ઉત્પાદનક્ષમતા 18 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ લઈ જવાનું નક્કી કર્યું છે.

અહીંના નવા ઉદ્યોગ એકમો પોલીપ્રોપેલીન, બ્યુટાઇલ એક્રીલેટ અને લુબ્રિકન્ટ જેવા ઔદ્યોગિક વપરાશના અગત્યના કાચા માલનું ઉત્પાદન કરશે. કોટીંગ-રંગકામ, એડહેસીવ- ગુંદર, ટેક્સટાઇલ અને અન્ય રસાયણો જે હાલ આયાત કરવામાં આવે છે તેના ઉત્પાદન માટે અતિ મહત્વનું બ્યુટાઇલ એક્રીલેટ અહીં ઉત્પાદિત થશે અને આપણો દેશ આવા મહત્વના ઔદ્યોગીક રસાયણો માટે આત્મનિર્ભર બનશે એમ તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top