Columns

આ અદૃશ્ય વસ્તુનું પણ જીવનમાં ખુબ મહત્વ છે

આશ્રમમાં ગુરુજીએ આજે પ્રાર્થના બાદ ઉખાણાંઓ પૂછવા માટે ખાસ એક કલાક રાખ્યો હતો.ગુરુજીએ એક પછી એક ઉખાણાંઓ પૂછવાની શરૂઆત કરી.જે સાચો જવાબ આપે તેને એક ઇનામ આપવામાં આવતું હતું.ઘણાં ઉખાણાંઓ પૂછી લીધા બાદ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, હવે હું તમને એવા પ્રશ્ન પૂછવાનો છું જેના જવાબ છે..મહત્ત્વના છે…પણ દેખાતા નથી.આને મારા સવાલ ધ્યાનથી સાંભળજો અને જે અદૃશ્ય વસ્તુઓ તેના જવાબ છે તે વિષે બરાબર સમજશો તો માત્ર આજે જ ઇનામ મેળવશો તેમ નહિ પણ જીવનમાં પણ સદા સફળ રહેશો એટલા મહત્ત્વના છે મારા પ્રશ્નોના જવાબ.’

બધા શિષ્યો ધ્યાનથી ગુરુજીના પ્રશ્નો સાંભળવા તૈયાર થઇ ગયા.ગુરુજીએ કહ્યું, ‘મારો પહેલો પ્રશ્ન છે કે એવું કયું કવચ છે, જે હંમેશા તમારી રક્ષા કરે છે અને દેખાતું નથી અને તમે માંગો ન માંગો તે હંમેશા તમારી સાથે રહે છે?’ બધા શિષ્યો વિચારમાં પડયા; કોઈને જવાબ ન આવડ્યો…ગુરુજીએ જવાબ આપ્યો, ‘ન દેખાતું છતાં હંમેશા રક્ષા કરતું કવચ છે માતા-પિતાના આશીર્વાદ.’ ગુરુજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘એવું એક શસ્ત્ર છે જે દેખાતું નથી પણ જો તે તમારી સાથે હોય તો તમે જીવનમાં કોઈ પણ લડાઈ જીતી શકો છો.કોઈ પણ મુસીબતનો સામનો કરી શકો છો?’ બહુ વિચારવા છતાં આ પ્રશ્નનો જવાબ પણ કોઈને ન આવડ્યો.ગુરુજીએ જવાબ આપતાં કહ્યું, ‘ન દેખાતું અદૃશ્ય શસ્ત્ર છે ‘આત્મવિશ્વાસ.’

જો તમારી પાસે આ શસ્ત્ર હશે અને તેનાથી લડશો તો દરેક સંઘર્ષ જીતી જશો.’ ગુરુજીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ‘એક એવો આધાર છે, જે દેખાતો નથી, પણ તેના દ્વારા તમે ભવિષ્યનાં સપનાં જોઈ આગળ વધી શકો છો?’ શિષ્યો કંઈ જવાબ આપી શક્યા નહિ.ગુરુજી બોલ્યા, ‘સાંભળો, જીવનમાં ક્યારેય ન દેખાતો પણ ભવિષ્યનાં સપનાં જોઈ આગળ વધવાનો આધાર છે ‘મનની આશા.’ આશા તમને શક્તિ અને આધાર આપે છે, જેના દ્વારા તમે સોનેરી આવતી કાલનાં સપનાં જોઈ શકો છો.’ શિષ્યોને ગુરુજીના આ અઘરા પ્રશ્નોના જવાબ આવડતા ન હતા, છતાં તેઓ ચોથો પ્રશ્ન સાંભળવા આતુર હતા. ગુરુજીએ ચોથો પ્રશ્ન પૂછ્યો, ‘એવું તે કયું ફળ છે, જે દેખાતું નથી અને ખાઈ શકાતું નથી અને ખરીદી પણ શકાતું છતાં તેનો સ્વાદ ચાખવા મળે છે.

’ શિષ્યો કંઈ બોલ્યા નહિ. ગુરુજીએ જવાબ આપ્યો, ‘ન દેખાતું અદૃશ્ય ફળ છે ‘કર્મફળ’ જે દેખાતું નથી અને ખરીદી શકાતું નથી પરંતુ તમે જેવાં કર્મ કર્યાં હશે તે રીતનો સ્વાદ ચાખવા જરૂર મળે છે.શિષ્યો આ ચાર પ્રશ્નો તમને ન સમજયા અને અઘરા લાગ્યા જેથી તમે કોઈ જવાબ આપી ન શક્યા. વાંધો નહિ, પરંતુ હવે આ ચાર અદૃશ્ય વસ્તુની મહત્તા સમજી હંમેશા તેને ધ્યાનમાં રાખી એક એક પગલું ભરજો, તો જીવન જીતી જશો.’

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top