Dakshin Gujarat

સુરત શહેરના 7 બ્રિજમાં વધુ તપાસ કરવી પડશે, 121 બ્રિજનો ફિઝિકલ સરવેનો રિપોર્ટ રજૂ

સુરત: તાજેતરમાં વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવાના મુખ્યમંત્રીના આદેશ બાદ સુરત શહેર અને જિલ્લામાં આવેલા તમામ બ્રિજોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી અને સરકારના આદેશ અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા તેના કાર્યક્ષેત્રમાં આવતા તમામ બ્રિજનો ફિઝિકલ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ અંગે ડિવિઝનલ હેડ અને ઝોનલ ચીફ અધિકારીઓએ શુક્રવારે 94 બ્રિજનો રિપોર્ટ રજૂ કર્યો હતો, અને શનિવારે કુલ 121 કાર્યરત બ્રિજનો વ્યાપક રિપોર્ટ બ્રિજ સેલને સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સાત બ્રિજની સ્થિતિ અંગે વધુ વિગતવાર તપાસની જરૂરિયાત દર્શાવવામાં આવી છે, જેના આધારે આગામી નિર્ણયો લેવામાં આવશે.

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે એલર્ટ મોડ અપનાવ્યો છે. ઉચ્ચસ્તરીય બેઠકમાં સુરત મહાનગરપાલિકા, નેશનલ હાઇવે ઓથોરિટી, સુડા, રેલ્વે અને માર્ગ મકાન વિભાગને એક દિવસીય ડ્રાઇવ દ્વારા બ્રિજની વર્તમાન સ્થિતિનો સરવે કરવા આદેશ આપવામાં આવ્યા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલે ચાર બ્રિજની વ્યક્તિગત મુલાકાત લઈ તપાસ કરી હતી. સરવેના રિપોર્ટના આધારે સાત બ્રિજની સ્થિતિનું વધુ ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવશે, અને તેના પરિણામોના આધારે રિપેર, જાળવણી અથવા અન્ય જરૂરી પગલાં નક્કી કરવામાં આવશે.

Most Popular

To Top