દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યું સ્થીગત કરી દેવામાં આવતાં તબીબોએ આજરોજ દાહોદની રેલ્વે હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. ઈન્ટરવ્યું આપવા આવેલ તબીબોના જણાવ્યાં અનુસાર, રાજકીય ઈશારે આ ઈન્ટરવ્યું સ્થીગત કરી તેમના મળતીયાઓને બારોબાર ભરતી કરી દીધી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં. દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં તબીબોનો ઘસારો જાેવા મળ્યો હતો અને તબીબોએ એકાએક હોબાળો મચાવતાં હોસ્પિટલ સંકુલમાં સ્તબ્ધતાનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યાં અનુસાર, દાહોદની રેલ્વે હોસ્પિટલમાં ફીઝીયોથેરાપીસ્ટની પોસ્ટ માટે વોક ઈન ઈન્ટરવ્યું રાખવામાં આવ્યું હતું.
કોઈક કારણોસર આ ઈન્ટરવ્યું સ્થગીત કરી દેવામાં આવ્યું છે.તેઓના જણાવ્યાં અનુસાર, રાજકીય ઈશારે ફીઝીયોથેરાપીસ્ટની જગ્યામાં સગા વ્હાલાઓ અને તેમના મળતીયાઓની અગાઉથીજ ભરતી કરી દેવામાં આવી છે. આ હોબાળાને પગલે આરપીએફ પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. સમગ્ર મામલે સંબંધિતો દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બહાર આવે તેમ છે. આક્ષેપોમાં તથ્ય કેટલું જે જાણવું પણ જરૂરી બની રહ્યું છે.