Editorial

ઇન્ટરનેટ પર વધુ પડતી આધારિત થઇ ગયેલી વ્યવસ્થાઓ ગમે ત્યારે ખોટકાઇ શકે છે

હાલ કેટલાક સપ્તાહો પહેલા અમેરિકાના પૂર્વીય ભાગના રાજ્યોમાં અચાનક પેટ્રોલ, ગેસ વગેરેનો પુરવઠો ખોરવાઇ ગયો અને ત્યાં ગેસ સ્ટેશનના નામે ઓળખાતા પેટ્રોલ પમ્પો પર વાહનોની લાઇનો લાગી ગઇ. કારણ? કારણ એ હતું કે અમેરિકાના પૂર્વીય રાજ્યોમાં તેલ, ગેસનો પુરવઠો પહોંચાડતી પાઇપલાઇન કંપની કોલોનિયલ પાઇપલાઇનની કોમ્પ્યુટર સિસ્ટમ પર કેટલાક હેકરોએ હુમલો કર્યો હતો અને આ સિસ્ટમ ખોરવી નાખી હતી, પરિણામે કોલોનિયલ પાઇપલાઇને પોતાનો તેલ-ગેસનો પુરવઠો પણ બંધ કરી દેવો પડ્યો, કારણ કે લગભગ સંપૂર્ણપણે કોમ્પ્યુટર પર આધારિત આ પાઇપલાઇન સિસ્ટમનું સંચાલન કોમ્પ્યુટર વ્યવસ્થા ખોરવાતા મુશ્કેલ બની ગયું હતું. દિવસો સુધી પૂર્વીય અમેરિકાના રાજ્યોમાં ગેસોલીન એટલે કે પેટ્રોલ અને બીજા ઇંધણો, ગેસનો પુરવઠો ખોરવાયેલો રહ્યો.

છેવટે કંપનીએ અંદરખાનેથી હેકરોને ખંડણી ચુકવી પછી તેમણે લોક કરેલા કેટલાક કોમ્પ્યુટરો ખોલ્યા, કોમ્પ્યુટર સિસ્ટમ ફરી સ્થાપિત થઇ અને ધીમે ધીમે ઇંધણોનો પુરવઠો ફરી શરૂ થયો, પણ આ ઘટના સૂચવે છે કે કોમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટ પર વધુ પડતી આધારિત થઇ ગયેલી આપણી વિવિધ સેવાઓ કોમ્પ્યુટર નેટકર્વ કે ઇન્ટરનેટના માળખામાં જરા ભંગાણ સર્જાતા જ ભયંકર રીતે ખોરવાઇ શકે છે. અને ઇન્ટરનેટ વડે એક બીજા સાથે હવે મોટા ભાગની મોટી કંપનીઓ, સંસ્થાઓ, સરકારી તંત્રો વગેરેના કોમ્પ્યુટર નેટવર્કો જોડાયેલા હોય છે અને આ ઇન્ટરનેટ નેટવર્ક હજી પણ ખૂબ બટકણુ જ રહ્યું છે. હેકીંગ કે પછી કોઇ ટેકનીકલ ગરબડને કારણે ઇન્ટરનેટ ખોરવવાનું જોખમ કાયમ તોળાતું રહે છે.

આ સપ્તાહની શરૂઆતમાં વિશ્વભરમાં અનેક મોટી વેબસાઇટો જેમાં યુકે સરકારની વેબસાઇટનો પણ સમાવેશ થાય છે તે ગ્લોબલ વેબસાઇટ સર્વિસ ફાસ્ટલી ખોટકાઇ જતા કેટલાક સમય માટે ભાંગી પડી હતી. અસરગ્રસ્ત વેબસાઇટોમાં ફાયનાન્શ્યલ ટાઇમ્સ અને ગાર્ડિયન જેવા મીડિયા સંગઠનોની વેબસાઇટનો પણ સમાવેશ થતો હતો. તેઓ પ૦૩ સર્વિસ અનઅવેઇલેબલનો મેસેજ દર્શાવતી હતી. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફાસ્ટલી એ વૈશ્વિક કન્ટેન્ટ ડીલિવરી નેટવર્ક (સીડીએન) છે, તેણે પોતાના નેટવર્કમાં આઉટેજનો અહેવાલ આપ્યો હતો જેનાથી તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરતી સાઇટોને અસર થઇ હતી. બીબીસીના જણાવ્યા પ્રમાણે આઉટેજને લગતી સમસ્યાઓ સ્થાનિક પ્રકારની હતી, જેનાથી યુરોપ અને અમેરિકાના ચોકકસ લોકેશનોને અસર થઇ હતી. સીએનએન અને ન્યૂયોર્ક ટાઇમ્સ જેવી મીડિયા વેબસાઇટોને પણ અસર થઇ હતી.

ફાસ્ટલી એ ટ્વીચ, પિન્ટરેસ્ટ, હુલુ, રેડિટ, સ્પોટીફાય તથા અન્ય સેવાઓને પણ કન્ટેન્ટ ડિલિવરી આપે છે. પ્રાથમિકપણે આવું ટેકનીકલ ગરબડને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. જો કે સમસ્યા ઝડપથી ઉકેલી નાખવામાં આવી હતી. સમસ્યા ઉકેલાયા પછી લગભગ ૪૫ મિનિટ પછી વેબસાઇટો શરૂ થવા માંડી હતી. આ વર્ષનું આ સૌથી મોટું ઇન્ટરનેટ આઉટેજ છે, કેમ કે આ વર્ષે આ પહેલા એક સાથે આટલી બધી વેબસાઇટો ક્રેશ થઇ ન હતી. એમ માનવામાં આવે છે કે ગ્લોબલ આઉટેજની અસર ઓછામાં ઓછી ૧૦૦ વેબસાઇટને થઇ હતી. એમેઝોનની સાઇટ પણ ડાઉન થઇ હતી, જો કે ભારતમાં તે બરાબર ચાલી રહી હતી. ભારત સહિતના એશિયન દેશોમાં કોઇ વેબસાઇટ આના કારણે ક્રેશ થઇ હોવાના અહેવાલ ન હતા.

ઇન્ટરનેટના કારણે આખું વિશ્વ ખૂબ નાનુ થઇ ગયું છે, ઘણી બધી કામગીરી ખૂબ સરળ થઇ ગઇ છે, પરંતુ તે સાથે એ પણ એક કઠોર વાસ્તવિકતા છે કે કોમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટ પર વધારે પડતી આધારિત થઇ ગયેલી વ્યવસ્થાઓ જાણે સૂતરના કાચા તાંતણે લટકી રહી હોય તેમ લાગે છે. કોઇ ટેકનીકલ ખામી કે પછી હેકિંગ જેવી ઘટનાને કારણે અમુક નેટવર્ક ખોરવાય ત્યારે કેવી અંધાધૂંધી સર્જાય છે તે આપણે નજીકના ભૂતકાળમાં જ અનેક વખત જોઇ ચુક્યા છીએ. કોઇ એરલાઇન્સની કોમ્પ્યુટર સિસ્ટમ ખોરવાતા એરપોર્ટો પર અનેક મુસાફરો રઝળી પડ્યા હોય તેવી ઘટનાઓ અનેક વખત સર્જાઇ છે. કેટલાક સમય પહેલા તો હેકીંગની જ એક ઘટનાને કારણે બ્રિટનની હેલ્થ સિસ્ટમનું કોમ્પ્યુટર નેટવર્ક ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. હવે કોમ્પ્યુટર નેટવર્ક કે ઇન્ટરનેટ પરનું અવલંબન ઘટાડવું તો લગભગ અશક્ય છે ત્યારે આ સિસ્ટમો અને નેટવર્કને વધુ સુરક્ષિત અને ફૂલ પ્રૂફ બનાવવાની દિશામાં તજજ્ઞો કામ કરે તે જરૂરી છે.

Most Popular

To Top