પુણાગામમાં વિમેન્સ ફેસ્ટમાં 300 મહિલાઓનો ઉત્સાહભર્યો ઉમટ્યો જામાવડો
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પુણાગામ ખાતે શણગાર ફાર્મમાં “ધમાલ મસ્તી સાથે પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટ”નું અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું. વાટલીયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળની મહિલાઓને મનોરંજન અને રમતોના માધ્યમથી સંગઠિત કરવાની દિશામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લગભગ 300 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આધુનિક સમયમાં ઘર અને પરિવારની જવાબદારીઓ વચ્ચે વ્યસ્ત રહેતી મહિલાઓને થોડો સમય હાસ્ય, આનંદ અને મનોરંજન સાથે પસાર કરવાની તક મળે તેમજ મહિલા સંગઠન અને સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. “મહિલા સંગઠનનું નિર્માણ”, “આપણી દીકરી આપણા સમાજમાં”, “દીકરો-દીકરી એક સમાન” અને “આર્થિક સ્વાવલંબન થકી આત્મનિર્ભર નારી” જેવી વિચારધારાને જીવંત બનાવવાનો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમને સફળ બનાવવા રચાયેલી 15 સભ્યોની મહિલા આયોજક કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમ દરમિયાન લીંબુ-ચમચી, ત્રિપગી દોડ, કોથળા દોડ, સિક્કા શોધ, દોરડા ખેંચ, સંગીત ખુરશી, ફુગ્ગા દોડ સહિત કુલ 11 રમતો યોજાઈ હતી. વિજેતા મહિલાઓને ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી. અંતે રાસ રમઝટ સાથે કાર્યક્રમ યાદગાર બન્યો હતો, અને મહિલાઓએ આવી ઉજવણી નિયમિતપણે યોજવાની માંગ પણ વ્યક્ત કરી હતી.