Sports

ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે! ICC એ જાહેર કર્યો કાર્યક્રમ

ICC દ્વારા આગામી તબક્કામાં રમાનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શિડ્યુલ (International Cricket Schedule) બુધવારે 17 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું છે. 2023-2027 દરમિયાન પાંચ વર્ષનો FTP (ફ્યુચર ટૂર પ્રોગ્રામ) જાહેર કરાયો છે. આ દરમ્યાન વિશ્વની ટોચની 12 ટીમો વચ્ચે કુલ 777 મેચો રમાશે. જ્યારે આ સમયગાળા દરમિયાન કુલ પાંચ મોટી આઈસીસી (ICC) ટૂર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે. ICC ટૂર્નામેન્ટની શરૂઆત આવતા વર્ષે ભારતમાં 2023માં વન ડે ઇન્ટરનેશનલ (ODI) વર્લ્ડ કપ સાથે થશે. આ ચાર વર્ષ દરમિયાન કુલ બે ODI વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને વધુ એક ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે.

  • 2023માં ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે
  • પાકિસ્તાને ICC સાથે વિઝાને લઈને ચર્ચા કરી
  • પાકિસ્તાન 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે
  • ભારત પાકિસ્તાનમાં રમવા જશે ચેમ્પિયન્સ ટ્રોફી

પહેલા પાકિસ્તાનની ટીમ ભારત આવશે
025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનની ટીમને ભારત આવવું પડશે. ભારત 2023માં ODI વર્લ્ડ કપની યજમાની કરશે. તેથી પાકિસ્તાને અહીં પ્રવાસ કરવો પડશે. જોકે હજી તે સ્પષ્ટ નથી કે આગામી આઈસીસી ટૂર્નામેન્ટમાં બંને દેશોની ટીમ એકબીજાના દેશોમાં ક્રિકેટ રમવા જશે કે નહીં. જોકે પાકિસ્તાને ICC સાથે વિઝાને લઈને ચર્ચા કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે
ICC દ્વારા આજે એટલે કે બુધવારે જારી કરવામાં આવેલ FTP મુજબ આઠ વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. આ ICC ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 2025માં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કરવો પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ દ્વિપક્ષીય શ્રેણીની મેચ રમાઈ નથી. એટલું જ નહીં લાંબા સમયથી બંને ટીમો એકબીજાના પ્રવાસે પણ ગઈ નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી આઈસીસી ટૂર્નામેન્ટ માટે બંને દેશો એકબીજાની મુલાકાત લે છે કે નહીં.

  • ICC દ્વારા જાહેર કરાયેલ પાંચ વર્ષનો કાર્યક્રમ
  • 2023: ODI વર્લ્ડ કપ, (ભારત)
  • 2024: T20 વર્લ્ડ કપ, (વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ)
  • 2025: ચેમ્પિયન્સ ટ્રોફી, (પાકિસ્તાન)
  • 2026: T20 વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકા)
  • 2027: ODI વર્લ્ડ કપ (ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા અને નામિબિયા)

ભારત બે વાર ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી ચુક્યું છે
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધીમાં આઠ સીઝન થઈ ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ભારત બે વખત ટાઈટલ જીતી ચુક્યા છે. ભારતે 2013માં ધોનીની કપ્તાનીમાં જીત મેળવી હતી જ્યારે 2002-03માં તેને શ્રીલંકા સામે ટ્રોફી શેર કરવાની હતી.

Most Popular

To Top