Top News

ગુપ્તચર એજન્સીઓનો ડેટા ગેમ: ખામેનેઈ સુધી પહોંચવાની આખી પ્રક્રિયા શું હતી?

મિડલ ઇસ્ટમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ અને એમાંય આ યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના હવાઈ હુમલામાં મોત થયાની માહિતી સામે આવતાં જ દુનિયાભરમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. 1989થી ઈરાનની સર્વોચ્ચ સત્તા સંભાળનાર ખામેનેઈ 36 વર્ષ સુધી દેશની નીતિ-નિર્ણય પ્રક્રિયાના કેન્દ્રમાં રહ્યા. પ્રશ્ન હવે એ ઊભો થયો છે કે કડક સુરક્ષાના આવરણો વચ્ચે રહેલા આવા ઉચ્ચપ્રોફાઇલ નેતાનું ચોક્કસ લોકેશન કેવી રીતે શોધાયું? એ કયા પરિબળો રહ્યા જેના કારણે આયતુલ્લાહ અલી ખામેનેઈના લોકેશન પર યુદ્ધના બીજા દિવસે જ મિસાઇલ નાખી એમને અને એમના પરિવારને નેસ્તાનાબૂદ કરાયા? આ હુમલો ખામેનેઈ અને IRGCના અધિકારીઓને નિશાન બનાવવા માટે કરાયો હતો.

કહેવાય છે કે આની પાછળ સેટેલાઈટથી લઈને ટ્રાફિક કેમેરા, સાયબર હેકિંગથી લઈને માનવ સ્ત્રોત સુધી, આ ઓપરેશન પાછળ વર્ષોથી ચાલતી બહુસ્તરીય ઇન્ટેલિજન્સ મશીનરી કામ કરતી હતી. આની પાછળ આધુનિક યુદ્ધમાં હાઈ-રિઝોલ્યુશન ઇમેજિંગ સેટેલાઈટ્સ સૌથી પહેલું અને મજબૂત હથિયાર માનવામાં આવે છે. વાહનોની મૂવમેન્ટ, સુરક્ષા કાફલાના પેટર્ન અને ખાસ ઇમારતોની આસપાસની ગતિવિધિઓ સતત મોનિટરિંગથી રેકોર્ડ થાય છે. લાંબા સમય સુધી એક જ વિસ્તાર પર નજર રાખવાથી “મૂવમેન્ટ પેટર્ન” સમજાય છે. મોટા નેતાઓ સુરક્ષાના કારણોસર અવારનવાર લોકેશન બદલતા રહે છે, પરંતુ દરેક મૂવમેન્ટ એક પેટર્ન બનાવે છે, અને ડેટા એનાલિસિસ તથા AI સિસ્ટમ આ પેટર્નને પકડી શકે છે.એક માહિતી અનુસાર મોસાદએ ખામેનેઈના પેટર્નને મહિનાઓથી ટ્રેક કર્યા અને તેહરાનમાં તેમની લોકેશન પિનપોઇન્ટ કરી. ખામેનેઈના તેહરાન સ્થિત પાશ્ચર સ્ટ્રીટ નજીકના કમ્પાઉન્ડમાં કોણ આવે છે અને કોણ જાય છે, કયા દિવસોમાં મીટિંગ વધુ હોય છે. એવો ડેટા મહિનાઓ સુધી ભેગો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. એક અહેવાલ મુજબ તેહરાનના કેટલાક ટ્રાફિક કેમેરા વર્ષોથી હેક કરવામાં આવ્યા હતા. ખાસ કરીને એક ચોક્કસ કેમેરાનો ખૂણો એટલો ઉપયોગી સાબિત થયો કે તેનાથી ઉચ્ચ અધિકારીઓ કયા પાર્કિંગ સ્પોટ પસંદ કરે છે અને તેમની દૈનિક રૂટિન શું છે, એવો એક ઢાંચો તૈયાર કરવામાં આવ્યો હતો. એટલે આયતુલ્લાહ અલી ખામેનેઈની સંપૂર્ણ ગતિવિધિઓ પર યુદ્ધ શરૂ થવા પહેલાંથી જ બાજ નજર રાખવામાં આવી હશે.

બીજો મહત્વનો પાયો છે સિગ્નલ ઇન્ટેલિજન્સ. CIA, Mossad અને National Security Agency જેવી એજન્સીઓ ફોન કોલ, રેડિયો સિગ્નલ, ઇન્ટરનેટ ટ્રાફિક અને મેટાડેટા પર નજર રાખે છે. કયું ડિવાઈસ ક્યારે એક્ટિવ થયું, કયા વિસ્તારમાં અચાનક નેટવર્ક સિલેન્સ છે, કોની વચ્ચે વારંવાર સંપર્ક થાય છે. આ બધી વિગતોમાંથી મીટિંગ શેડ્યૂલ અને હાજરીનો અંદાજ લગાડવામાં આવે છે. આધુનિક યુદ્ધમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. વિશાળ પ્રમાણમાં મળતી સેટેલાઈટ તસવીરો, કોલ રેકોર્ડ્સ અને અન્ય ડિજિટલ ડેટાને સૌથી પહેલા અદ્યતન અલ્ગોરિધમ્સ સ્કેન કરે છે. સંભવિત શંકાસ્પદ મૂવમેન્ટ અથવા પેટર્ન ઓળખાયા બાદ માહિતી ઇન્ટેલિજન્સ એજન્સીઓના એનાલિસ્ટ્સ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાં વધુ માનવીય વિશ્લેષણ થાય છે.

સૌથી જૂની રીત છે હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે જમીન પર હાજર સ્ત્રોત. કોઈ વ્યક્તિ દુશ્મનની ટીમમાં સામેલ થઈ તેની રણનીતિઓ પહોંચાડે છે. ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઘણીવાર મળીને જ સચોટ માહિતી આપે છે. એક્સ પરના પોસ્ટ્સ મુજબ અંદરના સૂત્રોએ મહિનાઓના નિરીક્ષણમાં મદદ કરી હતી. બેઠકનો સમય કે સુરક્ષા બદલાવ જેવી જાણકારી અંદરનો માણસ આપી શકે છે, અને આવી માહિતી ટેક્નિકલ ડેટા સાથે મળે તો ખાતરી વધે છે. ખામેનેઈ જેવા મોટા નેતા પર હુમલો કરવા પહેલાં 100% ખાતરી જરૂરી હોય છે. કહેવાય છે કે બે અલગ અધિકારીઓએ તેમની હાજરીની પુષ્ટિ કરી હતી. આ પ્રક્રિયામાં ઇઝરાયેલની Unit 8200ની પણ ભૂમિકા રહી હતી, જે સિગ્નલ ઇન્ટેલિજન્સમાં નિષ્ણાત માનવામાં આવે છે. ઉપરાંત લાંબા અંતરનું નિરીક્ષણ કરનારા ડ્રોન્સ સતત વિસ્તારની ઉપર ચક્કર લગાવતા રહે છે. થર્મલ કેમેરા, નાઈટ વિઝન અને રડાર સિસ્ટમથી મૂવમેન્ટ પકડાઈ જાય છે. એનબીસી અને અન્ય સ્ત્રોતોમાં જણાવાયું છે કે ઇઝરાયેલના ડ્રોન્સે તેહરાનમાં ખામેનેઈના કાર્યાલયને ટાર્ગેટ કર્યું હતું. હુમલા પહેલાં સાયબર હુમલો કરીને ઈરાનની નજર અને સંચાર પ્રણાલીને ખલેલ પહોંચાડવામાં આવી, ત્યારબાદ ચોક્કસ સમયે હવાઈ હુમલો કરવામાં આવ્યો. સમયનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું જેથી સુરક્ષા દળો પ્રતિક્રિયા આપી ન શકે. શું આ માત્ર ટેક્નોલોજીનો મુદ્દો હતો? ના. ઘણા વિશ્લેષકો માને છે કે આ રાજકીય નિર્ણય પણ હતો. કેમ કે ખુલ્લેઆમ યુદ્ધ શરૂ થઈ જાય પછી મોટા નેતાઓ ભૂગર્ભ બંકરમાં છુપાઈ જાય છે, તેથી યોગ્ય સમય પસંદ કરવો જરૂરી હતો. અને આટલી સચોટ માહિતી લાંબા સમયના પ્રયોજન વિના શક્ય ના જ બની શકે.

Most Popular

To Top