Vadodara

ટ્રાફિક સ્ટાફ અપૂરતો: સિગ્નલો બીમાર, સમસ્યા પારાવાર

વડોદરા: સ્માર્ટ સીટી નું નામ આપી દેવાથી સિટીની સમસ્યાઓ આપોઆપ હલ નથી થઈ જતી. તંત્રએ સતર્કતા પૂર્વક ધ્યાન રાખીએ તમામ સમસ્યાઓનું નિવારણ લાવવું જોઈએ. નપાણીયા અને ભ્રષ્ટાચારી શાસકો ના પાપે એક બ્રીજ બનતા વર્ષો લાગે છે. બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોની ગોકળગાયની ગતિએ ચાલતી કામગિરી બાબતે ઍક નેતા હરફ સુદ્ધાં ઉચ્ચારવા તૈયાર નથી. અત્યંત બિસ્માર સર્વિસ રોડ ના કારણે રોજ નાનાંમોટાં અકસ્માત સર્જાય છે. પણ તંત્ર ના પેટનું તો પાણી સુદ્ધાં હલતું નથી. રાત્રી બજાર પાસે એલ એન્ડ ટી સર્કલ પર એટલી ટ્રાફીક વ્યવસ્થા રોજ સવાર સાંજ ખોરવાઈ જાય છે. ટ્રાફિક સિગ્નલો ના ઠેકાણા નથી બીજી તરફ અપૂરતો ટ્રાફિક સ્ટાફના કારણે વાહનચાલકો અટવાઇ છે લોકોના મોંઘાદાટ ઈંધણનો વેડફાટ થાય છે.રિંગરોડ પરની ધોરી નસ સમાન જાહેર માર્ગ ઉપરના સર્કલ પાસે ૨૪ કલાક ટ્રાફિક ધમધમતો હોય છે તમામ ભારદારી વાહન પણ પસાર થતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો રોજિંદા કાર્યક્રમ જેવા બની ગયા છે.

સિંગલ બંધ થાય તેની ગણતરીની પળોમાં તો વાહનોની અડધો કિ.મી લાંબી કતારો પણ લાગી જાય છે. કેટલીકવાર રજાના દિવસે તેમજ તહેવારોમાં તો બે વાર સિગ્નલ છૂટયા પછી વાહનોને પસાર થવું પડે તેવો ટ્રાફિક હોય છે.સરકારી વાહનોમાં અનેક વખત પોલીસ તેમજ નેતાઓ અટવાયા હોવા છતાં ગંભીર સમસ્યા નું નિરાકરણ લાવવા ક્યારેય ધ્યાન આપતા જ નથી.મફતમાં મળતી એસી ગાડીઓના કાચ ઉતારી ને બહાર નજર કરવાની તસ્દી સુધ્ધા લેતા નથી નગરજનોની વિકટ પરિસ્થિતિને ધ્યાને લેવા જેટલી તો આવડત નથી તેવા શાસકો  સત્તાની લગામ પકડીને સેવા ના નામે મેવા જ ખાય છે. પ્રજાના પૈસે તાગડધિન્ના કરવા એજ જીવન મંત્ર બનાવીને ટર્મ પૂરી કરે છે.

જ્યારે જુઓ ત્યારે પાણી રોડ રસ્તા ડ્રેનેજ ની પારાવાર સમસ્યાઓ વધતી જાય છે દીર્ઘદ્રષ્ટા સયાજીરાવની નગરીનું નખોદ વાળવા શાસકો એકજૂથ થઈને ભ્રષ્ટાચારનું જ શાસન કરે છે.જે ટ્રાફીક જામના દ્રશ્યો ખોડીયાર નગર ચાર રસ્તે જૉવા મળે છે તેના કરતા બમણા દ્રશ્યો એલ એન્ડ ટી સર્કલ પર સવાર સાંજ જોવા મળતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ટ્રાફિક પોલીસ યેનકેન પ્રકારે વાહનચાલકો પાસેથી મોટી રકમની દંડની વસૂલાત કરતી હોવા છતાં ટ્રાફીક વ્યવસ્થા પ્રત્યે દુર્લક્ષ જ કેમ શેવાય છે? પોલીસે લાખો રૂપિયા ના ખર્ચે લગાવેલા તેમના જ કેમેરામાં ક્યારે ય જાહેર માર્ગ પરના ટ્રાફિકજામના દ્રશ્યો દેખાતા જ નથી? માત્ર ને માત્ર સીટ બેંલ્ટ ના પહેર્યો હોય કે ફોન પર વાત કરતા હોય તેને જ કેમેરા શોધી સકે છે? પોલીસ તંત્ર તાત્કાલિક શહેરના તમામ જાહેર માર્ગ ના ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા પ્રત્યે લક્ષ આપીને ટ્રાફિક ભારણ હળવું કરવાના પગલાં લેવા જોઈએ.

Most Popular

To Top