Columns

‘ડેક્સ્ટર’ સિરિયલથી પ્રેરાઈને ભૂતકાળમાં અનેક હત્યાઓ થઈ છે

આજની યુવા પેઢી ઉપર ફિલ્મોનો અને ટી.વી. સિરિયલોનો ભારે પ્રભાવ હોય છે. કમલા હસન અને રતિ અગ્નિહોત્રીની ફિલ્મ ‘એક દૂજે કે લિયે’જોયા પછી ભારતભરમાં અનેક પ્રેમીપંખીડાંઓએ આપઘાત કર્યા હતા. દિલ્હીમાં નિર્ભયા ગેન્ગરેપના આરોપીએ કબૂલાત કરી હતી કે મોબાઈલમાં પોર્નોગ્રાફિક ફિલ્મો જોઈને તેને રેપ કરવાની ઇચ્છા પેદા થઈ હતી. તેવી જ રીતે દિલ્હીના મહેરૌલીમાં રહેતા આફતાબ પૂનાવાલાએ કબૂલ કર્યું છે કે તેણે પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરીને તેની લાશનો નિકાલ કરવા માટે અમેરિકન ક્રાઇમ સિરિયલ ડેક્સ્ટર પરથી પ્રેરણા લીધી હતી. આફતાબે પોલીસને જણાવ્યું છે કે તે શ્રદ્ધાની હત્યા કરવા માગતો નહોતો પણ તેનું મોંઢું બંધ કરવા માગતો હતો. આમ કરવા જતાં શ્રદ્ધાનું મરણ થઈ ગયું તે પછી તેણે કસાઈની છરી વડે શ્રદ્ધાના મૃતદેહના ૩૫ ટુકડા કર્યા હતા અને તેને ફ્રીઝમાં છૂપાવી દીધા હતા. ડેક્સ્ટર મોર્ગન પણ આ રીતે પોતાના શિકારની હત્યા કરીને તેના શબના ભાગો પ્લાસ્ટિકની કાળી બેગમાં ભરી દેતો હતો.

અમેરિકાની એવોર્ડ જીતનારી ટી.વી. સિરિયલનો હીરો ડેક્સ્ટર મિયામી મેટ્રો પોલીસ સ્ટેશનમાં ફોરેન્સિક ટેક્નિશિયન તરીકે કામ કરે છે. તેની જિંદગી ડબલ રોલ જેવી છે. સવારે તે લેબમાં જઈને ગુનાને ઉકેલવામાં મદદ કરે છે, પણ રાતે તે હત્યારો બની જાય છે. જે હત્યારાઓ કાનૂનના પંજામાંથી છટકી ગયા હોય તેમનો ડેક્સ્ટર પીછો પકડે છે અને ચૂપચાપ તેમની હત્યા કરી નાખે છે. તેની કામ કરવાની પદ્ધતિ એવી હોય છે કે હત્યા કર્યા પછી તે લાશના ટુકડા કરીને તેને કાળી પોલિબેગમાં ભરે છે. આ ટુકડાઓ તે પોતાની મોટર કારમાં ભરીને પ્રાઇવેટ બોટમાં લઈ જાય છે. બોટમાં બેસીને તે દરિયાની સફરે નીકળી પડે છે. પોલિબેગમાં પથરાઓ ભરીને તે દરિયામાં એવી જગ્યાએ પધરાવી દે છે, જ્યાં સમુદ્રના તળિયામાં ખાડા હોય છે. આ રીતે લાશોને ઠેકાણે પાડવાને કારણે સિરિયલ કીલર ડેક્સ્ટર પકડાતો નથી પણ તેની ચર્ચા શહેરમાં ચારે કોર ચાલતી હોય છે.

પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરનારા આફતાબે પોલીસને જણાવ્યું હતું કે શ્રદ્ધાની હત્યા કર્યા પછી તેના મૃતદેહને સંતાડવા માટે તે ૩૦૦ લિટરનું નવું નક્કોર ફ્રીઝ લઈ આવ્યો હતો. ડેક્સ્ટર પરથી પ્રેરણા લઈને તેણે શ્રદ્ધાના શબના ટુકડાઓ પ્લાસ્ટિકની કાળી બેગમાં ભરીને ફ્રીઝમાં છૂપાવી રાખ્યા હતા. તે દરરોજ સાંજે મહેરૌલી નજીક આવેલા જંગલમાં ચાલવા જતો અને પોતાની સાથે એકાદ ટુકડો લઈ જતો. આ ટુકડો જ્યાં જંગલી કૂતરાંઓ હોય ત્યાં નાખી દેતો. આ રીતે બે-ત્રણ મહિનામાં તેણે શ્રદ્ધાના મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે મૃતદેહના આંતરડાનો પહેલાં નિકાલ કર્યો હતો, કારણ કે આંતરડાં જલદીથી સડી જતાં હોય છે.

મહેરૌલી પોલીસે જંગલમાંથી ૧૦-૧૨ હાડકાંઓ શોધી કાઢ્યાં છે, પણ તે શ્રદ્ધાનાં હતાં કે નહીં? તે નક્કી કરવા માટે તેની ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવશે. શક્ય છે કે જો આ હાડકાં શ્રદ્ધાનાં ન હોય તો તેમાંથી બીજી કોઈ હત્યાનો ભેદ પણ ખૂલી શકે છે. મહેરૌલી પોલીસને હજુ શ્રદ્ધાની ખોપડી મળી આવી નથી. આફતાબે કરેલી કબૂલાત મુજબ તેણે લોહીથી ખરડાયેલાં કપડાં રસ્તા પર ચાલતી કચરાની ગાડીમાં ફેંકી દીધાં હતાં. શક્ય છે કે તેણે શ્રદ્ધાની ખોપડી પણ તેની સાથે ફેંકી હોય. આ કચરાની ગાડી પોલીસે શોધી કાઢી છે. શ્રદ્ધાની હત્યા કરતાં પહેલાં આફતાબ તેને ઉત્તરાખંડની અને હિમાચલ પ્રદેશની યાત્રા કરવા લઈ ગયો હતો. પોલીસ ત્યાં પણ તપાસ કરવા જવાની છે.

ડેક્સ્ટર સિરિયલ જોઈને કોઈને હત્યા કરવાની પ્રેરણા થઈ હોય તેવો આ પહેલો કિસ્સો નથી. ૨૦૧૧માં કેનેડાના ફિલ્મમેકર માર્ક એન્ડ્રુ ટ્વિટચેલે ડેક્સ્ટર સિરિયલ પરથી પ્રેરણા લઈને ૩૮ વર્ષના પુરુષની હત્યા કરી નાખી હતી. તેણે પોતાના શિકારને લલચાવીને ગેરેજમાં બોલાવ્યો હતો, મારી નાખ્યો હતો અને તેના શરીરના કટકે કટકા કરી નાખ્યા હતા. તેમાંના કેટલાક ટુકડાઓ તેણે બાળી નાખ્યા હતા. બાકીના કચરાની થેલીમાં ભરીને ગટરમાં નાખી દીધા હતા. જ્યારે તેનો ખટલો ચાલ્યો ત્યારે માર્કે કબૂલ કર્યું હતું કે ડેક્સ્ટર સિરિયલ પરથી પ્રેરણા લઈને તેણે હત્યા કરી હતી.

ડેક્સ્ટર મોર્ગને પોતાના ઘરમાં એક મિની લેબોરેટરી બનાવી હતી, જેનો ઉપયોગ હત્યા કર્યા પછી તે પુરાવાનો નાશ કરવા માટે કરતો હતો. ડેક્સ્ટર પોતે ટેક્નિશિયન હોવાથી ફોરેન્સિક પુરાવાનો નાશ કરવાની કળા તે જાણતો હતો. ડેક્સ્ટર પરથી પ્રેરણા લઈને માર્કે પણ પોતાના ગેરેજમાં કીલ રૂમ બનાવ્યો હતો, જેનો ઉપયોગ તેણે પુરાવાઓના નાશ માટે કર્યો હતો. માર્કના કબૂલાતનામાને પગલે કેનેડાનાં પ્રસાર માધ્યમો તેને ડેક્સ્ટર કીલર તરીકે સંબોધન કરવા લાગ્યા હતા.

આજકાલ દુનિયાના એક ભાગમાં નિર્મિત ટી.વી. સિરિયલો યુ-ટ્યૂબ જેવાં માધ્યમોથી દુનિયાના બીજા ભાગમાં પહોંચી જતી હોય છે અને વિનાશ વેરતી હોય છે. ૨૦૧૧માં અમેરિકાની ડેક્સ્ટર સિરિયલ પરથી પ્રેરણા લઈને યુરોપના નોર્વેમાં એક હત્યા થઈ ગઈ હતી. નોર્વેમાં રહેતાં શામરેઝ ખાને પોતાની પાર્ટનર પાકિસ્તાની મહિલા ફૈઝાની હત્યા કરવા માટે હાવર્ડ નયફ્લોટ નામના ભાડૂતી હત્યારાને રોક્યો હતો. હાવર્ડે ફૈઝાની હત્યા કરી તે પછી તેને શામરેઝ પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે શામરેઝની પણ હત્યા કરી નાખી હતી. તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે તેણે ડેક્સ્ટર ટી.વી. સિરિયલ પરથી પ્રેરણા લઈને શામરેઝને સજા કરવા તેની હત્યા કરી નાખી હતી. ૨૦૧૪માં અમેરિકાના ૧૮ વર્ષના યુવકે પોતાની ૧૭ વર્ષની ગર્લફ્રેન્ડની હત્યા કરી નાખી હતી. તેણે પણ ડેક્સ્ટર પરથી પ્રેરણા લઈને ગર્લફ્રેન્ડની લાશના ટુકડે ટુકડા કરી કાઢ્યા હતા. તેને ૨૫ વર્ષની જેલની સજા થઈ હતી. અમેરિકાના મીડિયામાં આ કિસ્સાની ભારે ચર્ચા ચાલી હતી.

૨૦૧૩માં અમેરિકાના વિખ્યાત જર્નલ પેડિયાટ્રિક્સમાં એક સંશોધન પત્ર પ્રકાશિત થયું હતું, જે મુજબ અમેરિકાનાં બાળકોમાં વધી રહેલી આક્રમકતા અને તેમની સમાજવિરોધી વર્તણૂક માટે ટી.વી. સિરિયલો જવાબદાર હતી. ૨૦૨૧માં પ્રકાશિત સંશોધન પત્રમાં પણ તારણ કાઢવામાં આવ્યું હતું કે યુવાનો ટી.વી. ઉપર જેટલી વધુ હિંસા જુએ છે તેટલા તેઓ સંવેદનાહીન બની જાય છે. પછી અસલ જિંદગીમાં હિંસા કરવાના પ્રસંગો આવે તો તેમનું રૂંવાડું પણ ફરકતું નથી. તેને કારણે તેમના મગજ ઉપર પણ અસર થાય છે. આજકાલ ઓનલાઈન રમવામાં આવતી કેટલીક વીડિયો ગેમમાં પોઇન્ટ સ્કોર કરવા માટે હત્યાઓ કરવી જ પડતી હોય છે. આ રીતે કલ્પનાની દુનિયામાં આડેધડ હત્યા કરતાં બાળકો યુવાન થાય ત્યારે જરૂર પડે હત્યા કરવામાં સંકોચ અનુભવતા નથી.

આફતાબ અને શ્રદ્ધાના કિસ્સાને કારણે આપણા સમાજની ઘણી બધી ફોલ્ટ લાઈનો પ્રકાશમાં આવી ગઈ છે. પહેલી ફોલ્ટ લાઇન લવ જિહાદ છે. આફતાબ પારસી છે, તેવું બતાડવા કેટલાક લોકો પ્રયાસો કરી રહ્યા છે, પણ તેની પોતાની કબૂલાત મુજબ તે મુસ્લિમ છે. હિન્દુ કન્યાના મુસ્લિમ મૂરતિયા સાથેનાં લગ્નો મોટા ભાગે નિષ્ફળ જતાં હોય છે. બીજી ફોલ્ટ લાઈન લિવ-ઇન રિલેશનશિપ છે, જે ભાગ્યે જ સફળ થાય છે. લિવ-ઇનમાં નારીનું શોષણ થયા વિના રહેતું નથી. ત્રીજી ફોલ્ટ લાઈન મીડિયાનો પ્રભાવ છે. આજની નવી પેઢી આ દુષ્પ્રભાવ હેઠળ મોટી થઈ રહી છે. મીડિયા પર સેન્સરશિપ નહીં ફરમાવવામાં આવે તો નવી પેઢીનો સર્વનાશ થયા વિના રહેશે નહીં.

Most Popular

To Top