સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) નેક ઇન્સ્પેકશનનો (Inspection) પ્રારંભ પહેલા તડામાર તૈયારી હાથ ધરાઇ રહી છે. લીલીછમ્મ હરિયાળીથી યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં બ્યુટીફિકેશન કરવા સાથે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બનાવવા દાખલારૂપ પહેલા ભરાઇ રહી છે.
- ૭૫ આચાર્યો સાથેની બેઠકમાં પર્યાવરણ પર ભાર મુકવાનો નિર્ણય,
- ગ્રીન કન્સેપ્ટ પર યુનિવર્સિટી કેમ્પસ બનશે
આગામી તા.૨૬મી સપ્મટેમ્બરથી ૨૮મી સપ્ટેમ્બર દરમિયાન નેકની ટીમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડેરાતંબુ તાણી દેશે. ગત વખતની જેમ આ વખતે પણ નેકમાં એ પ્લસ પ્લસ મેળવવા માટે યુનિવર્સિટી તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે. યુનિવર્સિટી કેમ્પસને બ્યુટીફિકેશન સાથે ગ્રીન કેમ્પસ બનાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. નેક અંગે વિચાર મંથન કરવા માટે આજે કુલપતિ ડો.કે.એન.ચાવડાની અધ્યક્ષતામાં ૭૫ જેટલી કોલેજના આચાર્યો સાથેની એક બેઠક મળી હતી. બેઠકમાં કુલપતિ ડો.ચાવડાએ તમામ આચાર્યો પાસેથી સુચનો માંગ્યા હતા. ઘણા આચાર્યોએ નેક વખતેના પોતાના અનુભવો શેર કર્યા હતા અને પર્યાવરણ પર ભારત મુક્તા કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવા પર ભાર મુક્યા હતો. આ માટે યુનિવર્સિટીએ ગ્રીન ઓડિટ પણ કરાવી લીધુ છે. ચર્ચા બાદ હવે કેમ્પસને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હવેથી કેમ્પસમાં પ્લાસ્ટિકના ઉપયાગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલુ જ નહીં કચેરી અને કાર્યક્રમમાં પ્લાસ્ટિકની પાણીની બોટલનો પણ ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સત્તાધીશોએ ડિપાર્ટમેન્ટ હેડ, ડીન, ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને યુનિવર્સિટીની ફરિયાદ અને સૂચનો માંગ્યા હતા.
સેનેટ સભ્ય ભાવેશ રબારીની રજૂઆત રંગ લાવી, એલએલએમની ગ્રાન્ટેડ બેઠકોમાં વધારો કરાયો
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એલએલએમની બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં જે મુજબ બેઠકો હતી, તે મુજબ બેઠકો ફાળવવા સેનેટ સભ્ય ડૉ. ભાવેશ રબારી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે એલએલએમની બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા પહેલા ગ્રાન્ટેડ બેઠકો ૫૦ રેગ્યુલર અને ૫ હાયર પેમેન્ટની મળી કુલ ૫૫ બેઠકો જાહેર કરી હતી. પરંતુ અગાઉના વર્ષોમાં ગ્રાન્ટેડ બેઠકો ૬૦ રેગ્યુલર અને ૧૦ હાયર પેમેન્ટની મળી કુલ ૭૦ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરવામાં આવી હતી. જેને પગલે લો વિદ્યાશાખાના સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારી દ્વારા અગાઉના વર્ષો મુજબ ગ્રાન્ટેડ બેઠકો ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા ડૉ. ભાવેશ રબારીની રજૂઆતના અનુસંધાને ગ્રાન્ટેડ બેઠકો વધારવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે વી.ટી ચોકસી લો કોલેજ સુરત, ભરૂચ લો કોલેજ અને વલસાડ લો કોલેજની ગ્રાન્ટેડ બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડની રેગ્યુલર ૬૦ બેઠકો અને ૧૦ હાયર પેમેન્ટની બેઠકો મળી કુલ ૭૦ બેઠકો રહેશે.