જીવનના આટાપાટા ખૂબ છે અને તે સમજવામાં જન્મારોય ઓછો પડે. મહદંશે લોકોનું જીવન આ બધી ઘટમાળ સમજાય તે પહેલાં જ પૂરું થઈ જાય છે. જીવનની આ અજ્ઞાત અને ગૂઢ બાજુને જૂજ લોકો જ સમજી શકે છે અને અન્યોને સમજાવી શકે છે તે તો ગણ્યાગાંઠ્યા. આવાં કેટલાંક ગણ્યાગાંઠ્યાના માર્ગે પછી સમૂહ દોરવાઈને આગળ વધે છે. જોકે આ અજ્ઞાતને સમજનારાઓ તેને શબ્દબદ્ધ કરી જાય તે ઘટના તો ભાગ્યે જ બને છે. આપણી ભાષામાં ઉમદા જીવનચિંતન ઓછું લખાયું છે. આવું ચિંતન કરનારામાં એક નામ પ્રબોધ ચોક્સીનું છે અને તેમના પુસ્તક ‘અજ્ઞાતના ઓવારા’માં તેમણે જીવનના અઘરા પ્રશ્નોનો ઉત્તર મેળવવાનો પ્રયાસ કર્યો છે.
આ પુસ્તક ત્રણ દાયકા પૂર્વે ‘યજ્ઞ પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થયું છે અને તે પુસ્તકનું સંપાદન-સંકલન કાન્તિ શાહે કર્યું છે. આ પુસ્તકના આરંભે સ્વર્ગસ્થ ગાંધીયન નારાયણ દેસાઈનું લખાણ છે અને તેમાં તેમણે પ્રબોધ ચોક્સીની ઓળખ આપતાં લખ્યું છે : “સ્વરાજ્ય આવ્યું, ત્યારે 1947માં પ્રબોધભાઈની ઉંમર વીસ વરસની હતી. ઘટમાં થનગનતાં ઘોડાઓ લઈને તેમણે આઝાદી વિશે મીટ માંડી હતી. એમનું શેષ જીવન મનોરથના એ ઘોડલાઓ દોડાવવામાં વીત્યું. એ માર્ગે પથરા મળ્યા હશે, પણ તેથી તેઓ અટક્યા નહીં; સીધાં ચઢાણ આવ્યાં હશે, પણ તેથી તેમના અશ્વો હાંફ્યા નહીં, ઊંડી ઊંડી ખીણો આવી હશે, પણ ત્યારે તેમણે લગામ ઘડીક ભલે ખેંચી હોય ઘોડાને કદી અટકાવ્યા નહીં. આઝાદી મળી ત્યારે જે લોકો જુવાન હતા તેમની હોંશ, તેમના મનોરથો, તેમના અજંપાના પ્રબોધભાઈ પ્રતીક હતા.”
આ પછી પણ નારાયણભાઈએ તેમના જીવનના બધા જ પડાવ આલેખ્યા છે. જેમાં તેઓ કાલિકટમાં વેપારમાં સહભાગી થયા તે વાત છે, તે પછી તેઓ ગાંધી સ્મારક નિધિમાં જોડાયા. ત્યાર બાદ નવો વળાંક લઈને તેઓએ વિનોબા ભાવેથી પ્રભાવિત થઈને ભૂમિદાન યજ્ઞમાં ઝંપલાવ્યું, અને તે પછી ‘ભૂમિપુત્ર’ સામયિકને વિકસાવ્યું. આ પૂરી સફરમાં તેમના દ્વારા જે લખાણ લખાયું તેને ગ્રંથસ્થ કરીને આ પુસ્તક તૈયાર થયું છે. આ લેખોમાં સંપાદક કાન્તિ શાહ લખે છે તેમ તેઓ મુખ્યત્વે ‘અજ્ઞાત, અગોચર સૃષ્ટિ અંગે ચાલી રહેલ વિવિધ જાગતિક સંશોધનો વિશે તેમજ આ સંદર્ભની પ્રાચીન પરંપરાઓ વિશે બહુ વિસ્તારથી અને ઊંડાણથી છણાવટ કરતા રહ્યા.’ પુસ્તકનો પ્રથમ લેખ છે તે ‘વિજ્ઞાન એક નવા યુગને ઉંબરે’.
અહીં શરૂઆતમાં પ્રબોધ ચોક્સી લખે છે : “અજ્ઞાતનું મનુષ્યને અદમ્ય આકર્ષણ સદાકાળથી રહેતું આવ્યું છે. રહસ્યનો રસ માનવજીવનમાં રતિના રસ કરતાં પણ વધુ ભાગ ભજવતો રહ્યો છે. જે અજ્ઞાત છે, તે આકર્ષક છે. જે ગૂઢ છે, તે મનુષ્યને પડકારે છે. જે ઢાંકેલું છે, તેને ખોલીને જોયા વિના મનુષ્યથી રહેવાતું નથી. જિજ્ઞાસા માતા છે, જ્ઞાનવિજ્ઞાન સંતાન છે.” આ વાતના આધાર માટે આઈન્સ્ટાઈનના ‘લિવિંગ ફિલોસોફીઝ’ માંથી તેઓ ટાંકીને લખે છે : “સુંદરમાં સુંદર જો કોઈ અનુભવ હોય, તો તે રહસ્યમયના, ગૂઢના સાક્ષાત્કારનો છે.
સફળ સાચી કળા અને વિજ્ઞાનની ગંગોત્રી રહસ્યમયના અનુભવમાં પડેલી છે. જે મનુષ્ય રહસ્યની ઝંકૃતિ હૃદયમાં અનુભવી શકતો નથી, જે મનુષ્ય પળવાર સ્તબ્ધ થઈ જઈને વિસ્મયમાં ગરકાવ થઈ એકાગ્ર અહોભાવ અનુભવી શકતો નથી, તેની આંખો બંધ છે, તે લગભગ શબ સમાન છે.” આ રહસ્યની અનુભૂતિમાં ડૂબકી આઈન્સ્ટાઈને લગાવી હતી અને તે અગાઉ ભારતમાં યોગીઓ આ અનુભવ કરી જાણતાં તેમ પ્રબોધભાઈ લખે છે, પણ આ રહસ્યોને ઉકેલવાના બાહ્ય કારણોમાં તેઓ ભૌતિક વિજ્ઞાનને મૂકે છે અને તે વિજ્ઞાનથી મનુષ્ય ચંદ્ર ઉપર ચરણ ચાંપી આવ્યો છે, સમુદ્રનાં અતલ ઊંડાણ માપી ચૂક્યો છે.
આ વિશે લેખક આગળ લખે છે : “વિજ્ઞાનયુગ નવો નવો શરૂ થયો અને તેણે પોતાની બાહ્ય સિધ્ધિઓથી માણસને આંજી નાખ્યો, ત્યારે તેના ઘમંડમાં આ યોગ વગેરે અનેક વાતોને તુચ્છકારથી હસી કાઢવામાં આવી. પરંતુ હવે વિજ્ઞાનીઓ એ દિશામાં જાતજાતના પ્રયોગો કરી જુએ છે, તો તેમને તેમાં કાંઈ તથ્ય છે એમ લાગે છે. …વિજ્ઞાન નવું હતું, ત્યારે તેને તેવો ઘમંડ હતો પણ હવે અદ્યતન વિજ્ઞાનમાં એવો ઘમંડ રહ્યો નથી.
યુરોપમાં, અમેરિકામાં તેમજ રશિયા વગેરે સામ્યવાદી દેશોમાં પણ વિજ્ઞાનીઓ હવે રહસ્યમય અનુભવોને વહેમ કહીને ઉડાવી દેવાને બદલે તેનાં અધ્યયન કરવા મંડ્યા છે.” આ પુસ્તકને સમય વીતી ચૂક્યો હોવા છતાં તેમાંથી કેટલાંક બાબતો ઠોસ રીતે રજૂ થઈ છે. જેમ કે ‘જીવનનો ઉદ્ભવ માત્ર એક અકસ્માત?’એ વિશે પ્રબોધ ચોક્સી લખે છે : “વિજ્ઞાનના તર્કવાદે આ આત્માને પરમાત્મા વિશે વિચારવાનો જ ઇન્કાર કરી દીધો. એને કોઈ પ્રયોગશાળામાં સાબિત કરી શકાય નહીં. એટલે એ વિજ્ઞાનના ક્ષેત્રમાં ન આવે. તેમાંના કેટલાંકે તો વળી એવી ગાંઠ વાળી નાખી કે ઈશ્વરની જરૂર જ શી છે?
ભૌતિક વિજ્ઞાનવેત્તાઓમાં એક મત એવો જામવા માંડ્યો કે આ અનંત બ્રહ્માંડ જડ તત્ત્વોનું બનેલું છે અને તેમાં અતિશય અલ્પ પ્રમાણમાં જીવનો સંચાર થઈને સજીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, તે માત્ર અકસ્માતોને કારણે જ હોઈ શકે, તેમાં કોઈ યોજના કે ઈશ્વર ન હોઈ શકે. ચાન્સ કે અકસ્માતથી જ જીવન ઉત્પન્ન થયો અને ફક્ત ચાન્સ કે અકસ્માતથી જ જીવસૃષ્ટિના કરોડો સ્વરૂપો વિકસ્યાં, વિણાયાં અને ફક્ત ચાન્સથી જ તેની હસ્તી ટકી રહી છે, એવો જડવાદી જીવનશાસ્ત્રીઓનો એક મત રૂઢ થયો.”
પરંતુ જ્યારે આ વાત જોરશોરથી કહેવાતી હતી તે વખતે જનનશાસ્ત્રી વાડિંગ્ટને ‘ધ સ્ટ્રેટેજી ઑફ જેનેસ’માં આની સામે પોતાની વાત મૂકી હતી. તે વાત અહીં લેખકે ટાંકી છે, તેની રજૂઆત આમ છે : “આ તો કોના જેવી વાત થઈ? ઇંટોના, ગંજના ગંજ ખડકેલા છે, ચૂનો, સિમેન્ટ, રંગ, બારી, બારણાં વગેરે વિવિધ સરંજામના ખડકલા પડ્યા છે. એ પછી એક ધરતીકંપ થયો કે વંટોળ આવ્યો કે બીજો કોઈ અકસ્માત થયો, અને ઇંટો એક ઉપર એક ગોઠવાઈ ગઈ, ચૂનો-સિમેન્ટ-રંગ લાગી ગયાં, બારી બારણાં જડાઈ ગયાં, અને આપોઆપ એક મઝાનો મહેલ ઊભો થઈ ગયો!”જડવાદી જીવનશાસ્ત્રીઓના મતને ખંડન કરતી આઈન્સ્ટાઈનની વાત પણ પુસ્તકમાં ટાંકી છે.
તેમાં લખ્યું છે કે, “માણસ જુગારનાં પાસાં ફેંકે તેમાં અકસ્માત પાસાં પોબાર પડે ને માણસ જીતી જાય, તેવી રીતનો ચાન્સનો જુગાર કોઈ ઈશ્વર રમવા બેઠો હોય અને તેમાં અકસ્માત જ અમુક તત્ત્વો ભેગાં થઈ ગયાં, કેટલાંક સંયોગો અણધાર્યા એકઠા થઈ ગયા અને તેને પરિણામે નિયમબદ્ધ ચાલતી સૂર્યમાળાઓ પેદા થઈ ગઈ અને તેના પૃથ્વી જેવા ઉપગ્રહમાંથી કશી યોજના વગર જ જડમાંથી જીવ પેદા થઈ ગયો, એવું હું માની શકતો નથી.”
આવી અસંખ્ય બાબતો તેમણે ટાંકીને એવું સમજાવ્યું છે કે બ્રહ્માંડની રચનામાં કશુંક ડિઝાઈન છે. તે માટે તેઓ વિજ્ઞાની ગ્રેવોલ્ટરનું ‘ઘ લિવિંગ બ્રેઇન’નામના પુસ્તકની વિગત ટાંકે છે : “વેરવિખેર ઝાંખરા કે કાટમાળના ઢગલા ઉપર કરોળિયો જાળું રચે છે. એ જાળું અષ્ટકોણી સુંદર આકૃતિવાળું હોય છે. એના તાંતણા એકધારા સુંદર સમાંતર રેખામાં જતા હોય છે. કરોળિયો અવ્યવસ્થાની અંધાધૂંધી વચ્ચે પોતાના મગજમાં કે જીવાણુમાં પડેલી માહિતીને આધારે અમુક ખાસ આકૃતિ અને રચનાવાળું જાળું બનાવે છે. દ્વારકાના દરિયા કિનારે અમુક ખાસ જાતના શંખ અને ચક્ર મળી આવે છે. જગન્નાથપુરી પાસે વળી જુદાં ઘાટઘૂટવાળા શંખલા મળે છે.
પરવાળાનાં જીવડાં કેવી સરસ ગૂંથણી કરે છે! સુઘરી કેવો માળો બાંધે છે!”આવા અસંખ્ય આધાર મૂકીને અંતે તેઓ લખે છે : “આટલી જટિલ અને બુદ્ધિયુક્ત રચનાવાળા અને બુદ્ધિને પ્રગટ કરનારી સૃષ્ટિ અને તેની અંદરનું ચેતન યોગાનુયોગ કે અકસ્માત ‘કાગનું બેસવું અને ડાળનું પડવું’એ ન્યાયે રચાઈ ગઈ, એમ માનવા માટે તર્ક અને બુદ્ધિ પણ હવે ના પાડે છે. આ બ્રહ્માંડ રહસ્યમય છે, ઝટ સમજાય એવું નથી, એ ખરું, પરંતુ એ સગડ વગરનુંયે નથી. એ સગડ તો એવા મળે છે કે આખાયે બ્રહ્માંડમાં એક સુનિશ્ચિત વ્યવસ્થા છે.”
આ બધા જ રહસ્યોના પડ ખોલવા ઉપરાંત પ્રબોધ ચોક્સી સાંપ્રદાયિકતાના સડાને દૂર કરવાની વાત પણ કરે છે. તેઓ લખે છે : “ભૌતિક વિજ્ઞાનનો ત્રણસો વરસ પર આરંભ થયો, ત્યારથી ધર્મની કેટલીક સાંપ્રદાયિક માન્યતાઓ અને પરંપરાઓમાં રહેલી અવૈજ્ઞાનિકતા પ્રગટ થવા માંડી. સંગઠિત અને સંસ્થાકીય ધર્મ-સંપ્રદાય વિજ્ઞાનનો વિરોધ પણ કર્યો, જેમ કે ખ્રિસ્તી ચર્ચે અને પોપે ગેલિલિયોને કચડ્યો, સાંપ્રદાયિક ઝનૂને બ્રૂનોને જીવતો સળગાવી મૂક્યો અને સ્પિનોઝાને બેસુમાર સતાવ્યો. આ રીતે ધાર્મિકતામાં સાંપ્રદાયિક સડો પેસી ગયો. માર્ક્સે કહ્યું કે ધર્મ જનસમુદાયને ઘેનમાં નાખનારું અફીણ છે.” આ પુસ્તક આ રીતે અનેક રહસ્યોને છતું કરી આપે છે.