અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થવાના બે દિવસ પહેલાની વાત છે. વિરાટ કોહલી નેટ પ્રેક્ટિસ માટે મેદાનમાં પ્રવેશી રહ્યો હતો અને કેટલાક પત્રકારો દૂરથી કોહલી પર નજર રાખી રહ્યા હતા..એક છેડેથી બીજા છેડે જતા કોહલીના ચહેરાના હાવભાવ વાંચવાના તેને જાણતા પત્રકારો પ્રયાસ કરી રહ્યા હતા. કોહલીએ ગોગલ્સ પહેર્યા હોવાથી તે કઇ તરફ જોઇ રહ્યો છે તે સમજવું મુશ્કેલ હતું. જો કે તેને જોતા એવું લાગતું હતું કે તે પોતાની જાત પર સંપૂર્ણપણે ફોકસ છે અને આ ટેસ્ટમાં તે્ કંઇ નવાજૂની કરીને જ રહેશે. વિરાટ કોહલીએ અમદાવાદ ટેસ્ટમાં જોરદાર સદી ફટકારી હતી. પોતાની આ શતકીય ઇનિંગમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. તે 364 બોલની મેરેથોન ઇનિંગ્સમાં 186 રન બનાવીને આઉટ થયો હતો.
ટેસ્ટ મેચ શરૂ થતા પહેલા કોહલીના વર્તનથી ઘણાંને નવાઇ લાગી હતી.
અમદવાદ ટેસ્ટના આગલા દિવસે નેટ પ્રેક્ટિસ પર જતાં પહેલા વિરાટ કોહલીએ સામેના છેડેથી ત્યાં ઊભા રહેલા કેટલાક પત્રકારો પાસે પહોંચીને અચાનક પુછ્યું હતું કે તમે બધા કેમ છો.? તમને ટેસ્ટ ક્રિકેટ માટે મેદાન પર જોઈને આનંદ થયો. પત્રકારોએ નેટમાં બેટીંગ કરવા જતી વખતે કોહલી હાય-હેલો કરે તેવી અપેક્ષા નહોતી રાખી.
કેપ્ટન્સી છોડ્યા પછી કોહલીમાં ઘણો બદલાવ આવી ગયો
કોહલી માટે ક્રિકેટ હવે જાણે તેની દિનચર્યાનો એક ભાગ બની ગયું છે. ભલે તે નેટ્સ પર બેટિંગ કરવા જાય કે મેદાનમાં તે હોય, પ્રથમ બોલ પહેલા તેનું ધ્યાન માત્ર ક્રિકેટ પર જ હોય છે. ઘણાંને એમ લાગતું હતું કે કદાચ 42 ઇનિંગ્સનો દુષ્કાળ પડ્યો હોવાથી તે બધાથી વધુ અલગ રહેવા માગતો હશે. પરંતુ, કોહલી તાજેતરના મહિનાઓમાં સંપૂર્ણપણે અલગ વ્યક્તિ તરીકે ઉભરી રહ્યો છે. તેની વાતમાં ગંભીરતા છે, તે જ્યારે મળે છે ત્યારે મજાક પણ કરે છે, અને હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કેપ્ટન્સી છોડ્યા બાદ તે એકદમ હળવાશ પણ અનુભવે છે. ઘણીવાર મેદાન પર તે ઝૂમતો હોય તેવા દૃશ્યો મેચ દરમિયાન ઘણીવાર કેમેરાએ બધાને બતાવ્યા જ છે.
કોહલીમાં આવેલો આ બદલાવ તેને કોહલી 2.0 બનાવે છે
ટેસ્ટની કેપ્ટનશીપ છોડતી વખતે કદાચ કોહલીએ આવું વિચાર્યું નહીં હોય, પરંતુ ખરેખર તેને છેલ્લા 1 વર્ષમાં વિશ્વના અલગ-અલગ મેદાનોમાં રમતા જોઈને બધાને તેનામાં કોહલી 2.0 દેખાય છે. એક એવો લિજન્ડ્સ જે એ પણ સમજે છે કે ક્રિકેટના મેદાનમાં પણ નશ્વરતા અનિવાર્ય છે. ભલે તમે વર્તમાન યુગના સૌથી સફળ બેટ્સમેન કેમ ન હોવ, પરંતુ જો તમે ટેસ્ટ ક્રિકેટ જોવા માટે અમદાવાદ આવ્યા હોવ તો મેદાનની બહાર તમને એવું નહીં લાગે કે કોહલીનો ટેસ્ટ ક્લાસ પૂરો થઈ ગયો છે.
કોહલી કંઇ એમ જ સૌથી મોટો સુપરસ્ટાર નથી કહેવાતો
અમદાવાદ ટેસ્ટ દરમિયાન એક ખાસ વાત એ જોવા મળી કે ભારતના દાવ વખતે મેદાનમાં પ્રેક્ષકોની સંખ્યા વધી ગઇ હતી. મોટાભાગના પ્રેક્ષકોનું મેદાન પર આવવાનું કારણ કોહલીને ટેસ્ટ સદી ફટકારતા જોવાની ઈચ્છા હતી. મેદાનની બહાર જર્સીના ચાલી રહેલા વેચાણ દરમિયાન વેચાયેલી જર્સીઓમાંથી 70 ટકા હજુ પણ કોહલીની જર્સી હતી. ધોની સંન્યાસ લઈ ચૂક્યો છે અને તેની જર્સીની હજુ પણ ડિમાન્ડ છે, રોહિત શર્માના ફેન્સ ઓછા નથી અને તેની જર્સી પણ ખૂબ વેચાઈ રહી છે, પરંતુ જો આપણે માત્ર અને માત્ર લાલ બોલમાં સફેદ જર્સીની વાત કરીએ તો કોહલી ચોક્કસપણે ટોચ પર છે. અમદાવાદમાં કોહલીની 28મી સદીએ કદાચ તેની ટેસ્ટ કારકિર્દીને નવું જીવન આપ્યો હશે. હાલમાં તો તે સચિન તેંદુલકરની 51 ટેસ્ટ સદીને સ્પર્શવી અત્યારે મુશ્કેલ લાગી શકે છે પરંતુ એ ન ભૂલવું જોઈએ કે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 75 સદી ફટકારી છે અને તેંદુલકરની 100મી સદીનું લક્ષ્ય હજુ પણ તેનાથી દૂર તો નથી જ.