ભાજપના પ્રદેશ પ્રમુખની મુલાકાત પહેલાં રાજકોટમાં મોટી ઘટના બની છે. અહીં જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે લગાવાયેલા બેનરો પૈકી એક બેનર પર વડાપ્રધાન મોદીના ફોટા પર અજાણ્યા ટીખળખોરોએ સ્યાહી ફેંકી હતી. બહુમાળી ચોક નજીકના બેનર પર પીએમ મોદીના ચહેરાને કાળું કરી દેવાયું હોવાનું ધ્યાન પર આવતા રાજકોટ મહાનગર પાલિકામાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે બેનર દૂર કરી દેવાયું હતું. જોકે, આ મામલે કોઈ ફરિયાદ પોલીસને કરવામાં આવી નથી.
મળતી માહિતી અનુસાર ભાજપના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બુધવારે તા. 15 ઓક્ટોબરના રોજ રાજકોટની મુલાકાતે છે. તેઓ રાજકોટના રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓને સંબોધવાના છે. પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે રાજકોટની ગ્રીનલેન્ડ ચોક્ડીથી રેસકોર્સ સુધી વિશાળ બેનરો લગાવાયા છે. તે પૈકી બહુમાળી ચોક નજીકના એક બેનર પર વડાપ્રધાન મોદીના ફોટામાં મોંઢા ઉપર અજાણ્યા ઈસમોએ કાળી સ્યાહી લગાવી છે. આ ઘટનાને પગલે રાજકારણ ગરમાયું છે.
બીજી તરફ રાજકોટ મનપાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બેનર દૂર કર્યું હતું.
આ મામલે રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર.વસાવાએ જણાવ્યું હતું કે, હાલમાં તત્કાલ અસરથી આ બોર્ડ જે તે જવાબદાર વ્યક્તિ દ્વારા હટાવડાવી દેવામાં આવ્યું છે. કોઈ ફરિયાદ મળી નથી. જો આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કાર્યકરો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન
પ્રદેશ પ્રમુખને આવકારવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. જગદીશ વિશ્વકર્મા હિરાસર એરપોર્ટ પહોંચશે. આ પછી ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ શહેરના કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5:30 વાગ્યાથી સભા યોજવામાં આવનાર છે.