સુરત: પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના વધતા ભાવો સાથે મોંઘવારી બેકાબુ બની છે. ઉનાળામાં લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા સામાન્ય ગરીબ, મધ્યમવર્ગનું જીવન દુષ્કર બન્યું છે. કેટલીક શાકભાજીના કિલો દીઠ છૂટક ભાવ બમણા થઈ જતાં આ શાકભાજી ગૃહિણીઓની ખરીદ શકિત બહાર પહોંચી છે. લીંબુ,મરચા, આદુ,તુવેર,ભીંડાના ભાવો બમણા થયાં છે. છૂટક માર્કેટમાં કિલો લીંબુનો ભાવ 100 થી 130 રૂપિયા નોંધાયો છે. ગત ફેબ્રુઆરીમાં મણ લીંબુનો ભાવ 700 થી 800 રૂપિયા હતા જે વધીને 2000 થી 2200 થયાં છે.
સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખે જણાવ્યું છે કે, ઉનાળામાં ગરમીને કારણે લીંબુના ઉત્પાદન સામે વપરાશ વધુ રહેતો હોય છે. દર વર્ષે ડિમાન્ડ સામે શોર્ટ સપ્લાય ઉભી થતાં ભાવો રિટેઈલમાં કિલોએ છેલ્લા 3 વર્ષથી 100 રૂપિયા સુધી જાય છે. જોકે ડુંગળી અને બટાકાના ભાવો નિયંત્રણમાં છે. ઉનાળું સિઝનમાં લીંબુ શરબત, લીંબુ પાણી, શેરડીના રસમાં લીંબુનો વપરાશ વધે છે. જે વપરાશ સામાન્ય દિવસમાં થતો નથી. સુરત એપીએમસીમાં શહેરમાં લીંબુ તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટકથી આવે છે. ત્યાંની માર્કેટમાં જ ભાવ 20 કિલોના 1800થી 2000 ચાલી રહ્યાં છે. સામાન્ય દિવસોમાં માર્કેટ યાર્ડમાં જ્યાં રોજ 7 થી 10 અને ઉનાળામાં 30 થી 40 ટ્રક ભરી માલ આવતો હતો. જે આ વર્ષે કમોસમી વરસાદને લીધે ઓછો પાક ઉતારતાં માંડ 4 – 5 ટ્રક ભરી માલ આવી રહ્યો છે. જોકે ગુવારના ભાવૉ ઘટ્યા છે.
ફેબ્રુઆરી કરતા માર્ચમાં શાકભાજીના ભાવો ખૂબ વધ્યા
આજે પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો
એક દિવસની રાહત બાદ એક સપ્તાહમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારે ઓઈલ કંપનીએ ફરી પેટ્રોલના ભાવમાં 80 પૈસા અને ડીઝલના ભાવમાં 75 પૈસાનો વધારો કર્યો છે. દેશભરમાં મંગળવારે અને બુધવારે સતત બે દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મંગળવારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, બુધવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આજથી જ નવા ભાવ લાગું થઈ ગયા છે. જેથી હવે અમદાવાદમાં પેટ્રોલ 97.52 રૂપિયા/લિટર અને ડીઝલ 91.61 રૂપિયા/લિટર થયું છે. હાલના વધારા બાદ ડીઝલ-પેટ્રોલ ચાર દિવસમાં 2 રૂપિયા 40 પૈસા મોંઘુ થયું છે.