Editorial

ફુગાવો પૂરો કાબૂમાં આવતો નથી: આરબીઆઇ સાવધાનીથી વર્તી રહી છે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ વખતે પણ અપેક્ષા મુજબ જ તેનો બેન્ચમાર્ક વ્યાજ દર બદલ્યો ન હતો અને સતત નવમી પોલિસી બેઠકમાં પોતાનો અભિગમ યથાવત રાખ્યો હતો, જેણે કહ્યું હતું કે તે હાલમાં પ્રવર્તતા ખોરાકી ફુગાવાના ઉંચા દરની ઉપેક્ષા કરી શકે તેમ નથી અને તેણે તેને વધુ ફેલાતો અટકાવવા માટે સાવધ રહેવાનું છે. રિઝર્વ બેન્ક જે દરે બેન્કોને જામીનગીરીઓની સામે ધિરાણો આપે તેને રેપો રેટ કહે છે. આ દરમાં જો ઘટાડો કરવામાં આવે તો બેન્કોને સસ્તુ ધિરાણ મળી શકે છે અને તેથી તે લોકોને સસ્તુ ધિરાણ આપી શકે છે આથી બજારમાં નાણા પ્રવાહ વધે છે પરંતુ ફુગાવામાં નાણા પ્રવાહ વધે તે જોખમી પુરવાર થાય છે તેથી રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડવાનું ટાળે છે, અને વધુ પ્રમાણમાં ફુગાવો હોય તો રેપો રેટ વધારે પણ છે. સહ્ય પ્રમાણમાં ઉંચો ફુગાવો હોય તો દર યથાવત રાખવામાં આવે છે. સતત દસમી વખત આરબીઆઇએ આ સાવધાનીભર્યો અભિગમ અપનાવ્યો છે.

ફુગાવા પર પોતાનું ખાસ ધ્યાન આપવાનું ચાલુ રાખતા મોનેટરી પોલિસી કમિટિ(એમપીસી)એ ગુરુવારે તેનો બેન્ચમાર્ક પરચેઝ અથવા રેપો રેટ ૬.પ૦ ટકા પર યથાવત રાખ્યો હતો. એમપીસીના છ સભ્યોમાંથી ચાર સભ્યોએ દર નહીં બદલવાના નિર્ણયની તરફેણમાં મત આપ્યો હતો. એમપીસીમાં ત્રણ સભ્યો રિઝર્વ બેન્કના અને ત્રણ બાહ્ય સભ્યો હોય છે. આ સમિતિની ચાર વર્ષની ટર્મ ઓકટોબરમાં પુરી થઇ રહી છે. તેણે આજે ફુગાવાને તેના ચાર ટકાના લક્ષ્ય તરફ લાવવાના અભિગમને મદદ કરવા માટે સાનુકૂળતાઓ પાછી ખેંચી લેવા માટેના નીતિ અભિગમને જાળવી રાખવાનો પણ નિર્ણય કર્યો હતો. ફુગાવો જૂનમાં વધીને પ.૦૮ ટકાથઇ ગયો હતો, જે પ્રાથમિકપણે ખોરાકી ક્ષેત્રથી દોરવાયો હતો.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતુ઼ં કે ખોરાકી ફુગાવો જડ રીતે ઉંચો રહ્યો છે. કિંમત સ્થિરતા વિના ઉંચો વિકાસદર જાળવી શકાય નહીં એમ તેમણે જણાવતા જણાવતા ઉમેર્યું હતું કે નાણાકીય નીતિ ફુગાવારોધી જ હોવી જોઇએ. હાલમાં ઉનાળામાં સખત ગરમી અને હવે અનેક વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે શાકભાજીઓ વગેરેના ભાવ ઘણા ઉંચા રહ્યા છે અને તેથી સ્વાભાવિક ખોરાકી ફુગાવો ઉંચો રહ્યો છે.

મોંઘી ખોરાકી વસ્તુઓની અસર અન્ય વસ્તુઓના ભાવો પર પણ થઇ શકે છે અને તેથી ઓવરઓલ ફુગાવો વધી શકે છે અને દેખીતી રીતે તેથી જ આરબીઆઇ સાવધાનીભર્યો અભિગમ અપનાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ છેલ્લે ફેબ્રુઆરી, ૨૦૨૩માં પોતાનો બેન્ચમાર્ક વ્યાજ દર બદલ્યો હતો, જ્યારે તે વધારીને ૬.પ ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે આ સતત નવમી નીતિ બેઠકમાં આરબીઆઇએ પોતાનો રેપો રેટ કે બેન્ચમાર્ક વ્યાજ દર બદલ્યો નથી.

વૈશ્વિક પ્રવાહો પણ હાલ કઠણ છે. હાલમાં ભૂરાજકીય તનાવનો માહોલ તો હતો જ, ત્યાં અમેરીકા મંદી તરફ સરકી રહ્યું હોવાના હેવાલોએ ગભરાટ ફેલાવ્યો. વિશ્વના જુદા જુદા દેશો પોત પોતાની આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. વ્યાજ દર યથાવત રાખવાનો આરબીઆઇનો આ નિર્ણય વિશ્વની જુદી જુદી મધ્યસ્થ બેંકોના જુદા જુદા નિર્ણયો વચ્ચે આવ્યો છે જેમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે ગયા સપ્તાહે તેનો વ્યાજ દર ઘટાડ્યો હતો, જ્યારે બેંક ઓફ જાપાને તેના દરો ૨૦૦૮ પછીના સૌથી ઉંચા દર સુધી વધાર્યા છે, જ્યારે અમેરિકી ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરમાં કાપ મૂકવાનું દબાણ છે.

આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી વિકાસદરનો અંદાજ ૭.૨ ટકા પર જાળવી રાખ્યો છે જ્યારે હેડલાઇન ફુગાવો ૪.પ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. તેણે એપ્રિલ-જુન જીડીપી વિકાસદરની આગાહી અગાઉના ૭.૩ ટકા પરથી સુધારીને ૭.૧ કરી છે જ્યારે બીજા ક્વાર્ટરનો ફુગાવા દરનો અંદાજ ૩.૮ ટકા પરથી સુધારીને ૪.૪ ટકા કર્યો છે. વિકાસ દરનો તરતનો અંદાજ ઘટ્યો છે જ્યારે ફુગાવાનો અંદાજ વધ્યો છે જે થોડા કઠણ સંજોગો સૂચવે છે અને તેથી જ આરબીઆઇ સાવધાનીભર્યો અભિગમ અપનાવી રહી છે.

Most Popular

To Top