Columns

અમેરિકામાં દાયકાઓ પછી ફુગાવો ચિંતાજનક હદે વધી રહ્યો છે

અમેરિકાના નસીબદાર રહેવાસીઓ વર્ષોથી મોંઘવારીના મારથી બચતા આવ્યા છે. ભારત અને પાકિસ્તાન જેવા ગરીબ દેશોમાં ફુગાવો જ્યારે ડબલ ડિજિટની નજીક સરકી રહ્યો હતો ત્યારે અમેરિકાનું ફેડરલ રિઝર્વ તેને બે ટકાની અંદરમાં રાખવામાં સફળ થયું હતું. ફેડરલ રિઝર્વ ફુગાવા બાબતમાં એટલું નિશ્ચિંત થઈ ગયું હતું કે તે માનવા લાગ્યું હતું કે અમેરિકામાં ફુગાવો ક્યારેય ચિંતાજનક હદે વધશે જ નહીં. આ ધારણા સાથે ફેડરલ રિઝર્વ દ્વારા બે વર્ષમાં આશરે ૫,૮૦૦ અબજ ડોલર છાપીને અમેરિકાના અર્થતંત્રમાં ઠાલવવામાં આવ્યા છે.

તેનો પરચો મળવાનો ચાલુ થઈ ગયો છે. માર્ચ મહિનામાં અમેરિકાના કોન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ૮.૫ ટકાનો તોતિંગ વધારો થયો છે. ચાર દાયકામાં જોવા મળેલો આ સૌથી વધુ ફુગાવો છે. ફેડરલ રિઝર્વે કબૂલ કર્યું છે કે આવતાં ત્રણ વર્ષ સુધી તે ફુગાવાને કાબૂમાં લાવી શકે તેવી કોઈ સંભાવના નથી. ફુગાવાને કાબૂમાં લાવવા ફેડરલ રિઝર્વ પાસે વ્યાજના દરો વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો વ્યાજના દરો વધારવામાં આવશે તો ધિરાણ મોંઘું થશે અને અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ જઈ શકે છે.

કોરોના સામે લડી રહેલા અમેરિકાના લોકો ઇંધણ, અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ અને નવી મોટર કારની ખરીદીમાં મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. અમેરિકાની સરકારે ડોલર છાપીને લોકોનાં ખાતાંમાં નાંખ્યા, પણ ઉત્પાદન વધારવા તરફ ધ્યાન આપ્યું નહીં, જેને કારણે પૈસાની કિંમત ઘટી ગઈ છે અને આવશ્યક ચીજોના દામો વધી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે અમેરિકાનાં કરોડો નાગરિકો ગરીબી રેખાની હેઠળ સરકી જવાનો ભય પેદા થયો છે. ફેડરલ રિઝર્વે ચેતવણી આપી છે કે ૨૦૨૨ દરમિયાન વ્યાજના દરમાં બે ટકાનો વધારો કરવાની ફરજ પડશે. જો લોન ઉપરનું વ્યાજ વધશે તો કરોડો અમેરિકનો હોમ લોનના હપ્તાઓ ચૂકવી શકશે નહીં.

ફેડરલ રિઝર્વે આગાહી કરી છે કે ૨૦૦૭ પછી પહેલી વખત ૨૦૨૨ માં ફુગાવાનો દર ત્રણ ટકાથી વધુ રહેશે.  હકીકતમાં ફેડની આગાહી મુજબ ૨૦૨૨ માં કોન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ૪.૩ ટકાનો વધારો જોવા મળશે. હજુ ચાર મહિના પહેલાં તેણે ૨.૬ ટકાના વધારાની અને એક વર્ષ પહેલાં તેણે ૧.૯ ટકાના વધારાની આગાહી કરી હતી. ફેડ તેની ગણતરીમાં સદંતર ખોટું પુરવાર થયું છે. જે ફેડરલ રિઝર્વ તેની આગાહીમાં ભાગ્યે જ ખોટું પડતું હોય છે, તેના માટે આટલી મોટી ભૂલ અમેરિકાના રહેવાસીઓ માટે ધરતીકંપના આંચકા સમાન છે. આ કારણે ફેડરલ રિઝર્વે ચાર વર્ષ પછી પહેલી વખત ટૂંકા ગાળાના ધિરાણના વ્યાજ દરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો.

અમેરિકામાં એક બાજુ કોરોનાનો ડર થોડો ઓછો થયો અને બીજી બાજુ લોકો પોતાના ઘરની બહાર નીકળવા લાગ્યાં, તેને કારણે લોકો દ્વારા થતી ખરીદીમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ સરકાર દ્વારા ચલણમાં ચિક્કાર ડોલર ઠાલવવામાં આવ્યા હોવાથી લોકોની ખરીદશક્તિમાં પ્રચંડ વૃદ્ધિ જોવા મળી રહી છે. લોકોની ખરીદશક્તિ જે ઝડપે વધી રહી છે તે ઝડપે ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો નથી. વળી ચીન જેવા દેશમાં કોરોનાનું ચોથું મોજું ચાલી રહ્યું હોવાથી ચીનથી જે માલસામાનની આયાત કરવામાં આવે છે, તેનો પુરવઠો ખોરવાઈ ગયો છે. બહુ બધા ડોલર સામે માલની અછત હોવાથી સ્વાભાવિક રીતે ભાવો વધી રહ્યા છે. એક બાજુ મોંઘવારી વધી રહી છે તો બીજી બાજુ મજૂરોના પગાર પણ વધી રહ્યા છે.

તેને કારણે વસ્તુઓની ઉત્પાદન કિંમત વધતાં મોંઘવારીનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત થઈ
રહી છે. ફુગાવાને નિયંત્રણમાં રાખવાની બાબતમાં ફેડરલ રિઝર્વે પોતાના હાથ ઊંચા કરી દીધા છે. તેના જણાવ્યા મુજબ ૨૦૨૩ માં ફુગાવો ૨.૭ ટકા જેટલો રહેશે, ૨૦૨૪ માં ઘટીને ૨.૩ ટકા પર પહોંચશે અને ૨૦૨૫ માં બે ટકાની અંદર આવશે. ટૂંકમાં ફુગાવો ત્રણ વર્ષ સુધી કાબૂમાં આવશે નહીં. ફેડરલ રિઝર્વે ગયા વર્ષે ફુગાવો બે ટકાની અંદર આવી જવાની આગાહી કરી હતી, પણ તે ખોટી પુરવાર થઈ હતી. હવે ફેડરલ કહે છે કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે અછત વધતાં મોંઘવારી પણ વધી શકે છે. રશિયા અને યુક્રેન ઘઉંના મોટા ઉત્પાદકો છે. યુરોપના દેશો પોતાની જરૂરિયાતના ૨૫ ટકા ઇંધણની રશિયાથી આયાત કરે છે. જો રશિયા તેમને ઇંધણ આપવાનું બંધ કરી દે તો તેમણે અમેરિકા પાસેથી શેલ ઓઇલ ખરીદવું પડે તો તેના ભાવો પણ વધી જશે. તેમાં પણ જો દુનિયાના બજારમાં ડોલરના ભાવો ઘટી જાય તો અમેરિકામાં મોંઘવારી આસમાને પહોંચી જાય તેમ છે.

ફેડરલ રિઝર્વે જાહેર કર્યું છે કે ૨૦૨૨ દરમિયાન તે વ્યાજના દરમાં ચાર વખત વધારો કરશે. મતલબ કે વ્યાજના દરમાં બે ટકા જેટલો વધારો થશે. અમેરિકાનું ફેડરલ રિઝર્વ વ્યાજના દરોમાં વધારો કરે તેની અસર આખી દુનિયાના અર્થતંત્ર પર થતી હોય છે. વ્યાજના દરમાં વધારાને કારણે ડોલર મજબૂત થાય તો ભારત જેવા દેશોમાં આયાતનો ખર્ચ વધતાં મોંઘવારી વધશે. જો મોંઘવારી વધે તો સરકારને વ્યાજના દરો વધારવાની ફરજ પડે. જો વ્યાજના દરો ન વધે તો વિદેશી સંસ્થાઓ ભારતમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લે તો શેર બજારમાં કડાકો બોલી જાય તેમ છે.

આ રીતે ફેડરલ રિઝર્વ વ્યાજનો દર વધારે તો આખી દુનિયામાં ૨૦૦૮ જેવી મંદી પાછી આવી શકે છે. જો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજનો દર વધારવામાં આવે તો મોટી કંપનીઓએ બેન્કો પાસેથી જે લોન લીધી હોય તેનું તેમણે વધારે વ્યાજ ચૂકવવું પડશે, જેને કારણે તેમની ઉત્પાદન કિંમત વધી જશે. વર્તમાનમાં અમેરિકાનો ડેટ-સર્વિસ ગુણોત્તર ૧૩.૭ ટકા છે. બે વર્ષમાં તે વધીને ૧૭.૮ ટકા પર પહોંચી જશે. આ ગુણોત્તર ૨૦૦૮ ની આર્થિક કટોકટી પહેલાં જોવા મળ્યો હતો. ત્યારે પણ ફેડરલ રિઝર્વે ડોલર છાપીને મંદીનો મુકાબલો કર્યો હતો. હવે મંદી આવે તો ફેડરલ રિઝર્વ પણ કેટલા અબજ ડોલર છાપી શકશે, તે શંકાસ્પદ છે, કારણ કે તે ચિક્કાર ડોલર છાપી ચૂક્યું છે. જો અમેરિકામાં ડેટ-સર્વિસ ગુણોત્તર વધે તો દુનિયાના લગભગ બધા દેશોમાં તેનો પ્રભાવ પડ્યા વિના રહે નહીં. ભારત જેવા દેશોમાં અનેક કંપનીઓ ઊઠી જવાની તૈયારીમાં છે. સરકારે તેમને લોનના હપ્તા ચૂકવવામાંથી મુક્તિ આપીને ટકાવી રાખી છે. જો હપ્તા વધે તો આ કંપનીઓને દેવાળું જ ફૂંકવું પડશે.

અમેરિકાની તાકાતનું મુખ્ય કારણ ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન છે. જો ફેડરલ રિઝર્વ દ્વારા અમર્યાદ સંખ્યામાં ડોલર છાપવામાં આવશે તો ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન ભયમાં મૂકાઈ જશે. રશિયા અને ચીન મળીને ડોલરને રિઝર્વ કરન્સી તરીકે રદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. રશિયાએ યુરોપના દેશોને કહી દીધું છે કે તેમણે ખનિજ તેલ ખરીદવું હોય તો રૂબલમાં જ ખરીદવું પડશે. જો તેમની પાસે રૂબલ ન હોય તો સોનામાં ખરીદવું પડશે. સાઉદી અરેબિયા પણ રૂબલમાં ખનિજ તેલ વેચવાના વિકલ્પની વિચારણા કરી રહ્યું છે. જો ખનિજ તેલ ખરીદવા ડોલરની જરૂર ન રહે તો ડોલરની ડિમાન્ડ ઘટી જાય અને તેની ખરીદશક્તિ પણ ખતમ થઈ જાય. જો અમેરિકાનો ડોલર દુનિયાના બજારમાંથી આવશ્યક ચીજો ખરીદી ન શકે તો અમેરિકાની હાલત ત્રીજા વિશ્વના ગરીબ દેશો કરતાં પણ બદતર બની જશે. દુનિયામાં મોટી ઉથલપાથલ થવાની છે.   
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top