National

ઈન્દોરમાં ભારે વરસાદ: તોડ્યો 61 વર્ષનો રેકોર્ડ, શહેર જળમગ્ન બન્યું, બચાવ ટીમ એલર્ટ પર

ઈન્દોરમાં (Indore) ભારે વરસાદના (Rain) કારણે હાહાકાર મચી ગયો છે. એક જ દિવસમાં સાત ઈંચ વરસાદ પડી ગયો છે. નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે અને રસ્તાઓ (Roads) સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ઈન્દોરમાં ભારે વરસાદે 61 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1962માં 20 સપ્ટેમ્બરે 6.65 ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે શુક્રવારથી શનિવાર સવાર સુધીમાં 6.73 ઈંચ વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ વરસાદનો આ રેકોર્ડ છે. 1962 પહેલા ઈન્દોરમાં 1896માં એક દિવસમાં છ ઈંચ વરસાદ પડયો હતો.

  • ઇન્દોરમાં વરસાદે તોડ્યો 61 વર્ષનો રેકોર્ડ, 24 કલાકમાં 7 ઇંચ વરસાદ
  • ઠેર ઠેર પાણી ભરાયા, વધુ બે દિવસ ભારે વરસાદની આગાહી

પાતાલપાણી, ચોરલ નદીઓ બધે વહેતી થઈ છે. સવારે જ યશવંત સાગરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે શહેરના તમામ તળાવો તેમની પૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયા છે. ખંડવા રોડ પર આવેલ નર્મદાનો મોરતક્કા પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. ઈન્દોરમાં આ સિઝનનો સૌથી ભારે વરસાદ છે. 24 કલાકમાં સાત ઇંચ વરસાદ સાથે શહેરનો સિઝનનો વરસાદનો ક્વોટા પૂરો થયો હતો. અત્યાર સુધીમાં કુલ 39 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. આ સામાન્ય કરતાં 2 ઇંચ વધુ છે. બીજી તરફ દેપાલપુરમાં એક દિવસમાં રેકોર્ડ 10 ઈંચ વરસાદ નોંધાયો છે.

શુક્રવારે સાંજે 4 વાગ્યાથી પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક દિવસમાં છ ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરવાસીઓએ સપ્ટેમ્બર મહિનામાં આટલો વરસાદ અગાઉ ક્યારેય જોયો નથી. બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશર અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે ઈન્દોરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. બીજી તરફ એક મીની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. આ અકસ્માત સવારે સુપર કોરિડોર પર થયો હતો. તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. બસમાં 15 લોકો સવાર હતા. એલર્ટને ધ્યાનમાં રાખીને કલેકટર ડો.ઇલૈયારાજા ટીએ શનિવારે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી હતી. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તમામ બચાવ ટુકડીઓ એલર્ટ પર છે.

Most Popular

To Top