World

ઇંડોનેશિયાનો રુઆંગ જ્વાળામુખી 24 કલાકમાં 5 વાર ફાટ્યો, ત્સુનામીનો ખતરો

જકાર્તાઃ ઈન્ડોનેશિયાના (Indonesia) ઉત્તર સુલાવેસી પ્રાંતમાં સ્થિત રુઆંગ જ્વાળામુખીમાં (Ruang Volcano) સતત 5 વિસ્ફોટ (Explosion) થયા હતા. જેના કારણે રાખ અને જ્વાળાઓ આકાશમાં ઉછળતી જોવા મળી હતી. ઘટનાને પગલે ઇન્ડોનેશિયાએ પ્રાંતીય એરપોર્ટ બંધ કર્યું હતું.

આ સાથે જ રુઆંગ જ્વાળામુખીની આસપાસના વિસ્તારમાંથી સેંકડો લોકોને સ્થાનાંતરીત કર્યા હતા. કારણ કે જ્વાળામુખી ઘણા દિવસો સુધી લાવા, ખડકો અને રાખના વિસ્ફોટક પ્લુમ્સ ફેલાવે તેવી સંભાવના છે. અધિકારીઓએ ગુરુવારે ઉચ્ચતમ ચેતવણી જાહેર કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે એપ્રિલ 17ના રોજ ઉત્તર સુલાવેસી પ્રાંતમાં સ્થિત દૂરસ્થ ટાપુ પર જ્વાળામુખીના ભયાવહ વિસ્ફોટ થયા હતા. જેના કારણે લાવા, અગ્નિથી પ્રકાશિત ખડકો અને રાખ આશરે ત્રણ કિલોમીટર (બે માઇલ) જેટલા આકાશમાં ઉછળ્યા હતા. આ વીસ્ફોટનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ખુબ જ ભયાનક દ્રશ્યો જોઇ શકાય છે. આ વિડીયોમાં વિસ્ફોટ થતા જ્વાળામુખીની ઉપર આકાશમાં વીજળીના જાંબલી ચમકારા દેખાય છે.

વોલ્કેનોલોજી એજન્સીએ એલર્ટ સ્ટેટસ વધાર્યા પછી સત્તાવાળાઓએ આ વિસ્તારમાંથી 800 થી વધુ લોકોને સ્થળાંતરિત કર્યા હતા. તેમજ ઇવેક્યુએશન ઝોનને પણ મોટો કર્યો હતો. બજેટ એરલાઇન એર એશિયાએ પૂર્વ મલેશિયા અને બ્રુનેઇના નવ એરપોર્ટ પરથી ફ્લાઇટો રદ્દ કરી હતી.

સત્તાવાળાઓએ જ્વાળામુખીની આસપાસના છ-કિલોમીટર (4-માઇલ) વિસ્તારને ઘેરી લીધો હતો અને શક્ય એટલા વધુ રહેવાસીઓને સ્થળાંતર કરી બીજી સુરક્ષિત જગ્યાએ મોકલી આપ્યા હતા, જેમાંથી કેટલાક લોકો ટાગુલેન્ડંગના પડોશી ટાપુના છે.

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્વાળામુખી ફાટવાને કારણે ત્સુનામીનો ખતરો પણ વધ્યો હતો, અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે જ્વાળામુખીનો કેટલોક ભાગ સમુદ્રમાં પડી શકે છે, જેના કારણે 1871ની જેમ મોટી ત્સુનામી આવી શકે છે.

ત્સુનામીના ભયને કારણે એલર્ટનું સ્તર ઉચ્ચ રાખવામાં આવ્યું છે. તેમજ અધિકારીઓએ પણ જો જ્વાળામુખીના કેટલાક ભાગો નીચે સમુદ્રમાં તૂટીને પડે તો ત્સુનામીનો ભય દર્શાવ્યો હતો. વર્ષ 1871માં જ્વાળામુખીના અગાઉના વિસ્ફોટથી સર્જાયેલી ત્સુનામીમાં લગભગ 400 લોકો માર્યા ગયા હતા.

તેમજ આ વખતે અધિકારીઓ કોઈ જોખમ લેવા માંગતા નથી અને એલર્ટનું લેવલ વધારી દીધું હતું. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ બીચ પર જવા અને દરિયામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સાથે જ સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

Most Popular

To Top