નવી દિલ્હી: માલવાહક ટ્રાફિકમાં નવો રેકોર્ડ કરનારી આપણી ભારતીય રેલવેએ (Indian Railways) હવે વેગનની નવી ડિઝાઇન બનાવવાનું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું (Infrastructure) સમારકામ પણ શરૂ કરી દીધું છે. રેલવેના આ નિર્ણયને કારણે ઓટોમેકર્સના ટ્રાન્સપોર્ટેશનનો (Transportation) ખર્ચ લગભગ અડધો થઈ જશે તો બીજી તરફ રેલવે પણ બે ગણી કારનું વાહન કરીને વ્યવસાયને નવી રફ્તાર મળશે . તો ખાસ કરીને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સ (એસયુવી) કરોને પણ હવે લઇ જવાશે.
વેગન કોચની ડિઝાઇનમાં કર્યા ધરખમ ફેરફાર
રેલવે દ્વારા વેગનના કોચની ડિઝાઇનમાં ધરખમ ફેરફાર કરવાથી આ શક્ય થયું છે.વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રેલવેના નવા વેગન પહેલા કરતા કદમાં લાંબા હશે. જેના કારણે એક જ માલવાહક ટ્રેનમાં વધુ કાર અને ખાસ કરીને એસયુવીનું પરિવહન કરવામાં આવશે. હાલના ડબલ ડેકર વેગનનું કદ નાનું છે, જેથી બંને ડેકમાં કારનું પરિવહન થઈ શકતું નથી. ડિઝાઇન કરવામાં આવી રહેલી નવી વેગનની ઊંચાઈ વધુ હશે. આમાં, એસયુવીને અપર અને લોઅર બંને ડેકમાં પરિવહન કરવામાં આવશે. નવી વેગન હાલની સરખામણીએ બમણી એસયુવી લઇ જઇ શકશે.
રેલવે ડબલ ડેકર વેગનનો પણ ઉપયોગ કરે છે
વાહન ઉત્પાદકો દ્વારા વેગનની ડિઝાઇનમાં ફેરફારને લઇને લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. કારણ કે તેનાથી એસયુવીના પરિવહનનો ખર્ચ અડધો થઈ જશે. હાલમાં રેલવે નવી મોડિફાઇડ ગુડ્સ વેગનનો ઉપયોગ કરે છે. તેની ડિઝાઇન નિયમિત પેસેન્જર ટ્રેનો જેવી જ છે. તે વાહનની લંબાઈના આધારે એક વેગનમાં 3-4 વાહનોને લઈ જઈ શકે છે. રેલવે ડબલ ડેકર વેગનનો પણ ઉપયોગ કરે છે.
2027 સુધીમાં 300 મિલિયન ટન પરિવહનનો લક્ષ્યાંક
આ નિર્ણય અંગે ભારતીય રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નવી વેગન નમૂના તરીકે તૈયાર કરવામાં આવી રહી છે અને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બીજી ડિઝાઇનને હજી આખરી ઓપ આપવાનો બાકી છે, ત્યારબાદ ઉપયોગ અનુસાર વેગનનું ઉત્પાદન અને પરીક્ષણ કરવામાં આવશે. નવી ડિઝાઇન દ્વારા રેલવેએ 2027 સુધીમાં 300 મિલિયન ટન પરિવહનનો લક્ષ્યાંક રાખ્યો છે. જે 2021-22ની સરખામણીએ 1,418 ટનની સરખામણીએ બમણી છે. તેના ઉપયોગથી રોડ માર્ગે ટ્રાન્સપોર્ટેશનનો મોટો હિસ્સો રેલવેના ખાતામાં જશે. હાલમાં કુલ પીવી ટ્રાફિકમાં રેલવેનો હિસ્સો 16 ટકા છે.