National

ખરાબ હવામાનના કારણે ઇન્ડિગોનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું, સુરક્ષિત પરત આવ્યું

ઈસ્લામાબાદ: અમૃતસરથી અમદાવાદ (Ahmedabad) જતી ઇન્ડિગોની ફ્લાઇટ (Indigo Flight) ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી અને સુરક્ષિત રીતે ભારતીય એરસ્પેસમાં પાછા ફરતાં પહેલાં ગુજરાંવાલા ગઈ હતી. એમ એરલાઇને રવિવારે જણાવ્યું હતું. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઇટ 6ઈ-645એ શનિવારે ખરાબ હવામાનને કારણે અટારીથી પાકિસ્તાન એરસ્પેસમાં ઊતરવું પડ્યું હતું.

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E645 અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ પાકિસ્તાન એરસ્પેસ પર પહોંચી હતી. આ વિમાન પાકિસ્તાન પહોંચ્યું એટલું જ નહીં પરંતુ આ વિમાન ત્યાં પાકિસ્તાની એરસ્પેસમાં લગભગ 31 મિનિટ સુધી ફરતું રહ્યું અને પછી સુરક્ષિત રીતે ભારતીય એરસ્પેસ પહોંચી ગયું.

આ મામલે પાકિસ્તાન સાથે અમૃતસર એટીસી દ્વારા ટેલિફોનના માધ્યમથી સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. ક્રૂ આર/ટી પર પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતો અને વિચલન પછી ફ્લાઇટ સુરક્ષિત રીતે અમદાવાદમાં ઊતરી હતી. પાકિસ્તાનના ડોન અખબારે અહેવાલ આપ્યો હતો કે 454 નોટની ગ્રાઉન્ડ સ્પીડ સાથેનું ઇન્ડિગોનું વિમાન શનિવારે સાંજે લગભગ 7:30 વાગ્યે લાહોરની ઉત્તરે દાખલ થયું હતું અને રાત્રે 8:01 વાગ્યે ભારત પરત ફર્યું હતું. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ)ના વરિષ્ઠ અધિકારીને ટાંકીને અખબારે કહ્યું હતું કે, તે અસામાન્ય નથી. કારણ કે ખરાબ હવામાન પરિસ્થિતિઓમાં તેને આંતરરાષ્ટ્રીય રીતે મંજૂરી આપવામાં આવી હતી.

મે મહિનામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ)ની ફ્લાઇટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી અને પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લગભગ 10 મિનિટ સુધી ત્યાં રહી હતી. ફ્લાઇટ પીકે248, 4 મેના રોજ મસ્કતથી પરત ફરી રહી હતી અને લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે ભારે વરસાદને કારણે પાયલટ માટે બોઇંગ 777 એરક્રાફ્ટને લેન્ડ કરવું મુશ્કેલ બન્યું હતું. દરમિયાન એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીને કારણે પાકિસ્તાનમાં ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને વિલંબિત થઈ હતી.

Most Popular

To Top