અમદાવાદ : કુવૈત થી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાને પગલે ફ્લાઇટને અમદાવાદ વિમાની મથકે ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જેના પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ કુવૈત થી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધીને ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવા જાણ કરી હતી, ત્યારબાદ ફ્લાઇટને સુરક્ષિત લેન્ડિંગ માટે વિમાનના રન-વેથી દૂર આઇસોલેશન-બે માં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ફ્લાઈટના તમામ 180 પ્રવાસીઓને નીચે ઉતારી ચેકિંગ હાથ ધરી પૂછપરછ કરવામાં આવી હતી, તેમજ ફ્લાઇટમાં રહેલો સામાન બહાર કાઢી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ તેમજ ડોગ સ્કવોર્ડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓએ વિમાનમાં પણ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર સુરક્ષા એજન્સીઓનો કાફલો તેમજ એમ્બ્યુલન્સ ગોઠવી દેવામાં આવ્યા હતા. જ્યાં સુધી ફ્લાઇટનો સંપૂર્ણપણે ચેકિંગ હાથ ધરાયું ત્યાં સુધી સમગ્ર એરપોર્ટને સીલ કરી દેવામાં આવ્યું હતું. તમામ ચેકિંગ પૂરી થયા બાદ કોઈ જ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. આથી આ અફવા હોવાનું જણાયું હતું.