National

દિવ્યાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવવું ઈન્ડિગો એરલાઈન્સને મોંઘુ પડી ગયું

મધ્યપ્રદેશ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ખાનગી એરલાઈન ઈન્ડિગો (Indigo Arilines)પર 5 લાખ રૂપિયાનો દંડ(Fine) ફટકાર્યો છે. કંપની પર તેના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા રાંચી એરપોર્ટ (Airport) પર એક દિવ્યાંગ બાળકને (Handicapped child) હૈદરાબાદની ફ્લાઈટમાં ચઢતા અટકાવવાનો આરોપ છે. આ ઘટના બાદ બાળકના માતા-પિતાએ પણ ફ્લાઈટમાં ન ચઢવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના 7 મેના રોજ બની હતી. રાંચી એરપોર્ટ પર રાંચી-હૈદરાબાદ ફ્લાઇટમાં દિવ્યાંગ બાળકને સવાર થવાથી રોકવામાં આવ્યા પછી, ઇન્ડિગો દ્વારા કહેવામાં આવ્યું હતું કે બાળક “ગભરાયેલું” હતું.

આ મામલે ડીજીસીએ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડિગોનો ગ્રાઉન્ડ સ્ટાફ દિવ્યાંગ બાળકને હેન્ડલ કરી શક્યો ન હતો અને બાળકને ફ્લાઈટમાં બેસતા અટકાવીને પરિસ્થિતિને વધુ સંવેદનશીલ અને મુશ્કેલ બનાવી દીધી હતી.

સમગ્ર મામલો શું હતો?
એક દિવ્યાંગ બાળક તેના માતા-પિતા સાથે રાંચીથી હૈદરાબાદ જવા એરપોર્ટ પર આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેણે તેના માતાપિતા સાથે સુરક્ષા તપાસ કરાવી. તે ભૂખ્યો અને તરસ્યો, મૂંઝાયેલો અને નર્વસ પણ દેખાતો હતો. આ બધું જોઈને ઈન્ડિગોના ત્રણ કર્મચારી આવ્યા અને તેઓએ કહ્યું કે જો તે બાળક નોર્મલ નહીં થાય તો તેને ફ્લાઈટમાં બેસવા દેવામાં આવશે નહીં. આ પછી માતાએ કિશોરને જ્યુસ પીવડાવ્યું, દવા આપી, ત્યારબાદ તે નોર્મલ થઈ ગયો. ફ્લાઈટનો સમય થયો ત્યાં સુધીમાં આ કિશોરે ખાવાનું પણ ખાઈ લીધું હતું. પરંતુ તે પછી ઈન્ડિગોના સ્ટાફે કહ્યું કે તેઓ બાળકને ફ્લાઈટમાં ચઢવા દેશે નહી કારણ કે તે અન્ય મુસાફરો માટે જોખમી હોઇ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અન્ય મુસાફરો પણ ભેગા થઈ ગયા અને તેઓએ કહ્યું કે તેમને કિશોરથી કોઈ સમસ્યા નથી. આરોપ છે કે ઈન્ડિગોનો મેનેજર સતત બૂમો પાડી રહ્યો હતો કે આ બાળક બેકાબૂ છે અને તે ઘભરાયેલો છે.

ગ્રાઉન્ડ સ્ટાફ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો: ડીજીસીએ
ડીજીસીએ તેના એક નિવેદનમાં જણાવ્યુ હતું કે જો ગ્રાઉન્ડ સ્ટાફનો દયાળુ વર્તન કર્યુ હોત તો ત્યારે જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હોત અને બાળકને શાંત કરીને, તેને બોર્ડિંગનો ઇનકાર કરવાની સ્થિતિ જ ન આવી હોત. તેમણે વધુમાં જણાવ્યુ કે વિશેષ સંજોગોમાં અસાધારણ પ્રતિસાદની જરૂર પડે છે પરંતુ એરલાઇન કર્મચારી આ મામલે તેની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો જે નિયમોને પાલન કરવામાં ભૂલ છે. આ સાથે એરલાઇન પર 5 લાખ રૂપિયાનો દંડ લાદવાનો નિર્ણય લીધો છે.

એરલાઈનને કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી હતી
જો કે 8 મેના રોજ મીડિયામાં આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યએ પોતે જ તેની નોંધ લીધી હતી અને પોતે જ આ મામલાની તપાસ કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેમણે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી હતી. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઈન્ડિગોના કર્મચારીઓ પ્રાથમિક રીતે નિયમોનું ઉલ્લંઘન કરતા જણાયા પછી એરલાઈનને કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top