ગાંધીનગર,તા.15
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ઇન્ડિયાસ્કિલ્સ પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધા 2025-26નો ભવ્ય પ્રારંભ થયો છે.કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરી યુવાનોને કૌશલ્ય આધારિત ભવિષ્ય માટે તૈયાર થવા પ્રેરિત કર્યા હતા. આ ચાર દિવસીય સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને મધ્યપ્રદેશ સહિત પશ્ચિમ ભારતના પાંચ રાજ્યોના 200થી વધુ પ્રતિભાશાળી યુવાનો 63 વિવિધ કૌશલ્ય શ્રેણીઓમાં પોતાની કુશળતાનું પ્રદર્શન કરી રહ્યા છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા આયોજિત આ સ્પર્ધાનું અમલીકરણ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ કરી રહ્યો છે.
ઇન્ડિયાસ્કિલ્સ 2025-26 માટે દેશભરના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 3.65 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. પશ્ચિમ ક્ષેત્રીય તબક્કામાંથી ઉત્તમ પ્રદર્શન કરનાર સ્પર્ધકો રાષ્ટ્રીય સ્તરે પહોંચશે અને ત્યારબાદ વર્લ્ડસ્કિલ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવી શકશે. 63 કૌશલ્યોમાંથી 41નું સ્થળ પર જીવંત પ્રદર્શન થઈ રહ્યું છે, જ્યારે 22 કૌશલ્યોનું મૂલ્યાંકન ઓફસાઇટ પદ્ધતિથી કરવામાં આવશે.પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધા 18 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ પહેલ રાજ્ય સરકારો, તાલીમ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સહકાર મજબૂત બનાવી ભારતને વૈશ્વિક કૌશલ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.ઇન્ડિયાસ્કિલ્સની આ પહેલ યુવાનોમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધા કરવાની ક્ષમતા વિકસાવશે.
ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે ઇન્ડિયાસ્કિલ્સ માત્ર સ્પર્ધા નથી, પરંતુ ભારતના કુશળ કાર્યબળના નિર્માણ માટેનું મજબૂત પ્લેટફોર્મ છે. પશ્ચિમ ભારતના યુવાનોમાં ટેકનિકલ કુશળતા, શિસ્ત અને મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ દેખાઈ રહી છે, જે દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વ્યવહારુ અને કૌશલ્ય આધારિત શિક્ષણ દ્વારા યુવાનોને ભવિષ્ય માટે સજ્જ બનાવવાનો અભિગમ આ સ્પર્ધામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
પશ્ચિમ ક્ષેત્રને દેશના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાવતા મંત્રીએ જણાવ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો ઉત્પાદન, રસાયણ, નવીનીકરણીય ઊર્જા, ઓટોમોબાઈલ, કાપડ, રત્ન-ઝવેરાત અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં આગેવાની ધરાવે છે. ગુજરાતમાં આઈટીઆઈનું મજબૂત નેટવર્ક અને ઉદ્યોગો સાથેની ભાગીદારી કૌશલ્ય વિકાસને નવી દિશા આપી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ, કાર્ય કરવાની રીતમાં પરિવર્તન લાવી રહી છે. તેથી સરકાર રિસ્કિલિંગ અને સતત અપસ્કિલિંગ પર ભાર મૂકી રહી છે. “કૃત્રિમ બુદ્ધિ માટે કૌશલ્ય” જેવી પહેલો દ્વારા યુવાનોને આધુનિક ટેકનોલોજી માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવનારી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કરતાં તેમણે વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કાર્યબળ ઉભું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.