Comments

ભારતમાં ઝડપભેર વિકસતું એઆઇ બજાર વિશ્વની મોટી ટેક કંપનીઓને આકર્ષી રહ્યું છે

ભારત AI ડેટા સેન્ટરો માટે એક મહત્વપૂર્ણ  સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દેશનો ઓછો ડેટા ખર્ચ અને ઝડપથી વધતા ઇન્ટરનેટ વપરાશકર્તા આધાર તેને ટેક જાયન્ટ્સ માટે ક્લાઉડ અને AI વિસ્તરણનું કેન્દ્ર બનાવ્યું છે. ભારત તેના વિશાળ,  કુશળ અને યુવા પ્રતિભા પૂલ, પશ્ચિમી દેશોની તુલનામાં ઓછા સંચાલન ખર્ચ અને વિકાસને પ્રોત્સાહન આપતી સહાયક સરકારી પહેલોને કારણે મોટી ટેક કંપનીઓને આકર્ષે છે. દેશ IT સેવાઓનું કેન્દ્ર છે, ઝડપથી વિકસતું ગ્રાહક બજાર છે,  અને તેનો સમય ઝોન લાભ 24/7 વૈશ્વિક કામગીરીને સક્ષમ બનાવે છે, જે તેને બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો માટે વ્યૂહાત્મક રીતે મૂલ્યવાન સ્થાન બનાવે છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટનો વપરાશ ખૂબ વધ્યો છે અને તેથી ભારત એક વિશાળ બજાર ટેક કંપનીઓ માટે બની  ગયું છે અને મોટા પ્રમાણમાં આઇટી ટેક જાયન્ટ કંપનીઓ ભારતમાં પોતાનો ધંધો વિસ્તારવા આવી રહી છે.

હાલમાં ગૂગલે ભારતમાં એક ઘણા જ મોટા રોકાણની જાહેરાત કરી છે. ભારતમાં તેના અત્યાર સુધીના સૌથી મોટા રોકાણમાં, ટેક જાયન્ટ ગૂગલે મંગળવારે જણાવ્યું હતું કે તે આંધ્રપ્રદેશમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવા માટે ૧૫ અબજ ડોલરનું રોકાણ કરશે, જેમાં અદાણી ગ્રુપ સાથે ભાગીદારીમાં એક  ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટરનો સમાવેશ થશે. આ ૧૫ અબજ ડોલરનું રોકાણ આગામી પાંચ વર્ષ (૨૦૨૬-૨૦૩૦) દરમિયાન કરવામાં આવશે. આ  અમેરિકાની બહાર દુનિયામાં અમે જેમાં રોકાણ કરીએ છીએ તેવું  સૌથી મોટું AI હબ હશે એ મુજબ  ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવા માટેના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

દેશમાં  ઝડપથી વધી રહેલા AIની તેજી વચ્ચે ભારતમાં રોકાણ વધારી રહેલા અમેરિકી ટેક જાયન્ટ્સની યાદીમાં ગૂગલ જોડાયું છે. આ પહેલા અનેક ટેક જાયન્ટ્સ કંપનીઓ ભારતમાં રોકાણની જાહેરાત કરી ચુકી છે.  Amazon.com Inc એ ૨૦૩૦ સુધીમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૨.૭ બિલિયન ડોલરનું રોકાણ કરવાની  યોજના જાહેર કરી છે, જ્યારે ChatGPTના નિર્માતા OpenAI આ ક્ષેત્રમાં ૧ ગીગાવોટનું ડેટા સેન્ટર સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટ ભારતમાં તેના ડેટા સેન્ટર ફૂટપ્રિન્ટનો વિસ્તાર પણ કરી રહ્યું છે, જે લગભગ એક  અબજ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સાથે એક મહત્વનું વિકસતું બજાર છે.

અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પણ દેશમાં ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે નોંધપાત્ર રોકાણોની જાહેરાત કરી છે. વિશ્લેષકો ૨૦૨૭ સુધીમાં ભારતનું  ડેટા સેન્ટર બજાર ૧૦૦ બિલિયન ડોલરને વટાવી જવાનો અંદાજ લગાવે છે. AI ની ઝડપી પ્રગતિ, જે વિશાળ કમ્પ્યુટિંગ શક્તિની માંગ કરે છે, તે ઉચ્ચ-પ્રદર્શન ડેટા સેન્ટર્સની જરૂરિયાતને વેગ આપી રહી છે જે હજારો ચિપ્સને શક્તિશાળી કમ્પ્યુટિંગ ક્લસ્ટરોમાં જોડે છે. ભારતમાં ડેટા સેન્ટરોની વધતી જરૂરિયાત ટેક કંપનીઓને ભારતમાં આકર્ષી રહી છે અને ટેક કંપનીઓના આગમનથી રોજગારી સર્જનને પણ સારી મદદ મળી રહી છે. આ ગૂગલના પ્રોજેક્ટની જ વાત કરીએ તો આ પ્રોજેક્ટથી આંધ્રપ્રદેશમાં ૫,૦૦૦-૬,૦૦૦ સીધી નોકરીઓ અને કુલ ૨૦,૦૦૦-૩૦,૦૦૦ રોજગારીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

ગૂગલના આ એઆઇ હબ અંગે પણ ઘણી જાણવા જેવી રસપ્રદ વાતો છે. વિશાખાપટ્ટનમ ખાતેનું AI હબ અમેરિકાની બહાર ગુગલનું સૌથી મોટું હબ હશે અને તેમાં સ્વચ્છ ઉર્જા અને ફાઇબર-ઓપ્ટિક નેટવર્ક દ્વારા સંચાલિત ડેટા સેન્ટરનો સમાવેશ થશે. અદાણી જૂથ ઉપરાંત  ભારતના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ ઓપરેટર ભારતી એરટેલની પણ તેમાં ભાગીદારી હશે. આ આયોજિત રોકાણ રૂ. ૧.૦૮ લાખ કરોડ( ૧૭ અબજ ડોલર) ના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કરતાં થોડુંક જ ઓછું છે, અને દેશના સૌથી નવા નવી મુંબઈ એરપોર્ટના ૨.૧ અબજ ડોલરના ખર્ચ કરતાં ઘણું વધારે છે.

તે વિપ્રોના  સ્થાપક અઝીમ પ્રેમજીની નેટવર્થ કરતાં પણ વધુ છે. ડેટા સેન્ટરની ક્ષમતા સામાન્ય રીતે તે કેટલી વીજળી વાપરે છે તેના દ્વારા માપવામાં આવે છે. વિશાખાપટ્ટનમમાં આયોજિત ડેટા સેન્ટર ૧ GW (પૂર્ણ ક્ષમતાના સંચાલન પર ૧૦૦૦  મેગાવોટ વીજળીનો વપરાશ) સુવિધા મુંબઈના વાર્ષિક વપરાશના લગભગ ૫૦ ટકા જેટલી વીજળીનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે. આ સુવિધા અદાણી દ્વારા પૂરી પાડવામાં આવતી નવીનીકરણીય ઊર્જા દ્વારા સંચાલિત થવાની સંભાવના છે.

ડેટા સેન્ટર્સ એ ભૌતિક સુવિધાઓ છે જે કમ્પ્યુટિંગ અને નેટવર્કિંગ સાધનો ધરાવે છે જેનો ઉપયોગ સંસ્થાઓ ડેટા એકત્રિત કરવા, પ્રક્રિયા કરવા, સંગ્રહ કરવા અને વિતરણ કરવા માટે કરે છે. તેમાં સર્વર્સ, સ્ટોરેજ સિસ્ટમ્સ અને નેટવર્ક સાધનો જેવા કે રાઉટર્સ અને ફાયરવોલ્સ, તેમજ તેમને ચલાવવા માટે જરૂરી પાવર અને કૂલિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. વૈશ્વિક વ્યાવસાયિક સેવા પેઢી JLL ના ઇન્ડિયા ડેટા સેન્ટર માર્કેટ ડાયનેમિક્સ 2024 ના અહેવાલ મુજબ, ભારતના ડેટા સેન્ટર ઉદ્યોગનો છેલ્લા પાંચ વર્ષમાં ઝડપથી વિકાસ થયો છે, 2024 માં 1GW ક્ષમતાનો આંકડો પાર કર્યો છે. આશા રાખીએ કે ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગનો વિકાસ દેશને અનેક રીતે લાભદાયી પુરવાર થાય.

Most Popular

To Top