Sports

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે રચ્યો ઈતિહાસ, હાઈજમ્પમાં પ્રવિણ કુમારે ગોલ્ડ જીત્યો

નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. આજે તા. 6 સપ્ટેમ્બર ને શુક્રવારે ભારતીય એથ્લેટ પ્રવીણ કુમાર (T44) એ પુરુષોની ઊંચી કૂદ/T64 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે. ભારતે પહેલી વખત પેરાલિમ્પિક ગેમ્સમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ અગાઉ ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ભારત અત્યારે મેડલ ટેલીમાં 14માં નંબર પર છે. આજે 21 વર્ષના પ્રવીણે 2.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં યુએસએના ડેરેક લોકડેન્ટે સિલ્વર મેડલ અને ઉઝબેકિસ્તાનના ટેમુરબેક ગિયાઝોવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડેરેકનું સર્વશ્રેષ્ઠ 2.06 મીટર હતું. તેમુરબેકે બ્રોન્ઝ જીતવા માટે 2.03 મીટરની શ્રેષ્ઠ છલાંગ લગાવી હતી. નાના પગ સાથે જન્મેલો પ્રવીણ નોઈડાનો રહેવાસી છે. એથ્લેટ્સ કે જેઓ એક પગના નીચેના ભાગમાં હળવાથી મધ્યમ હિલચાલ ધરાવે છે અથવા ઘૂંટણની નીચે એક અથવા બંને પગ ખૂટે છે તેઓ T64 માં ભાગ લે છે.

પ્રવીણ કુમારના ગોલ્ડ મેડલ સાથે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા હવે 26 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત 26 મેડલ સાથે મેડલ ટેલીમાં 14માં નંબર પર આવી ગયું છે. વર્તમાન પેરાલિમ્પિક ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતનો આ 14મો મેડલ હતો.

ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. કુલ 19 મેડલ સાથે, આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પેરા એથ્લેટ મુરલીકાંત પેટકરે 1972માં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ જીતાડ્યો હતો. મુરલીકાંત પેટકર એ જ ખેલાડી છે જેમના જીવન પર બનેલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ પણ તાજેતરમાં રિલીઝ થઈ હતી.

Most Popular

To Top