તા. ૨૯ જાન્યુઆરીને મૌની અમાવસ્યાને પર્વે પ્રયાગરાજમાં સંગમ સ્નાન માટે ઉપસ્થિત કરોડો મનુષ્યો વચ્ચે કોઈ એક કારણે ધક્કામુક્કી થઈ જેમાં ૩૦ જેટલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યાં. આ દુ:ખદ સમાચાર આખા વિશ્વમાં ઘડીના છઠ્ઠા ભાગમાં ફેલાઈ ગયા. એટલું જ નહીં, જગતનાં અગ્રેસર મિડિયાવાળાઓ; સીએનએન, બીબીસી, અલ જઝીરા, વૉશિંગ્ટન પોસ્ટ, રોઈટર્સ ઇ.એ બઢી-ચડીને આ સમાચારો વિશે લખ્યું અને બતાવ્યું. ભારતનું કઇંક ખરાબ હોય તો તે વિશે તરત જ જગત કાજી તૂટી પડે છે. આ દુર્ઘટનાની રાતે અમેરિકાનાં પાટનગર વૉશિંગ્ટનમાં બે વિમાનો આકાશમાં અથડાયાં જેમાં ૬૦ ઉતારુઓ અને ૪ ક્રૂ મેમ્બર્સ હતાં.
જે હેલિકોપ્ટર અથડાયું તેમાં ૩ સૈનિકો હતાં. આપણાં મીડિયાવાળાં પણ 18 કલાકે આંકડો આવ્યો તેની દુહાઈ દેતાં હતાં. ત્યાં ટેકનોલજી આટલી આગળ છે છતાં કલાકો પશ્ચાત પણ આંકડો મળ્યો નથી. પણ વિમાન અને હેલિકોપ્ટર ધડાકાભેર અથડાયાં છે એટલે આંકડો ધારી શકે. પ્રયાગરાજમાં તો કરોડો ભક્તો હતાં જેમાનાં ઘણાં નિરક્ષર હશે. આ દેશની પ્રજા તો આપણે જાણીએ ને? અંધશ્રદ્ધાળુ. ધૈર્યનો બિલકૂલ અભાવ. શિસ્તને નામે મીંડું. અમૃત સ્નાનમાં કરોડો લોકો આવનાર હતાં જેમાંથી 30 જણ મરણને શરણ થયાં જે અલબત્ત નહીં જ થવું જોઈતું હતું. એક કીડી પણ મરવી જોઈતી ન હતી. અમેરિકામાં હવાઈ અકસ્માતમાં 64 માંથી 64 ઉતારુઓ મૃત્યુ પામ્યાં. ટકાવારી કેટલી? કહેવાનું તાત્પર્ય કેવળ એટલું જ છે, કે ભારતને લતાડવાની પ્રથમ વિશ્વનાં દેશોને આદત છે જે કઠે.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માનસિક રીતે એકવીસમી સદીમાં ક્યારે પ્રવેશ કરીશું?
આપણે એકવીસમી સદીના ૨૫માં વરસમાં પ્રવેશી ચુક્યા છે. પણ આભડછેટમાંથી બહાર આવ્યા નથી. જાતિપ્રથા, ઉંચ-નીચમાંથી બહાર આવ્યા? ક્યાંય દલિત મહિલાઓને કૂવામાંથી પીવાનું પાણી ભરવા દેવામાં આવતું નથી. ક્યાંય દલિત યુવાનને લગ્નપ્રસંગે ઘોડા પર બેસવા દેવાતા નથી. મારામારી હત્યા સુધી વાત પહોંચી જાય છે. આપણા બધા માટે શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એ પણ આપણા કાગળ પર સલામત ગણાતા ગુજરાતના દાહોદના સંજેલી ગામની ઘટના. એક આદીવાસી પરણિત મહિલા એના પ્રેમીને મળવા ગઇ હતી.
ગામવાલાઓને ખબર પડતાં મહિલાના ઘરમાંથી મહિલાને મારતા મારતા બહાર જાહેર રસ્તા પર લાવી અર્ધનગ્ન કરી ખૂબ જ બેઇજ્જતી કરી. હદ તો ત્યારે થઇ કે બાઈક પાછળ સાંકળથી બાંધીને ધસડવામાં આવી. ગામ લોકો જાણે કોઈ તમાશો ખેલ જોતા હોય એમ ચિચિયારી ઠઠ્ઠા મશ્કરી કરતી રહી. તમે વિચારો મહિલાને શારીરિક કરતા માનસિક યાતના કેટલી થઇ હશે? એના આત્મા પર કેટલા ઉઝરડા પડ્યા હશે? એ મહિલા કાલે ઘરના બહાર કેવી રીતે નિકળશે? ગાંધીબાપુ આજે જીવિત હોતે તો કદાચ આ ગામમાં ઉપવાસ પર બેસી ગયાં હોત. આ બાપુનું ગુજરાત કેવી શ્રધ્ધાંજલિ આપી રહ્યું છે? શરમથી ડૂબી મરવા જેવી વાત છે. માત્ર દિલ્હીમાં રાજઘાટ પર માત્ર ફોટા પડાવવા ટી. વી. પર ચમકવા બાપુની સમાધી પર પૂષ્પ ચડાવવાથી બાપુનો આત્મા કદી રાજી થવાનો નથી.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.