World

કતારમાં જે ભારતીયોને ફાંસીની સજા થઈ હતી તે છૂટીને ભારત પરત આવ્યા

નવી દિલ્હી(NewDelhi) : ગયા વર્ષે કતારની (Qatar) અદાલતે કથિત જાસૂસીના આરોપમાં 8 ભૂતપૂર્વ ભારતીય મરીનના જવાનોને (FormerIndianMarines) મૃત્યુદંડની (Death penalty) સજા ફટકારી હતી. ભારત સરકારના (GovernmentOf India) હસ્તક્ષેપ બાદ આ કેદીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવામાં આવી હતી અને હવે તમામ કેદીને મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલાને દેશની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે.

આ કેસની વિગત એવી છે કે કતારની અદાલતે દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજી સાથે કામ કરતા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ સૈનિકો પર કામની આડમાં જાસૂસી કરવાનો આરોપ મૂક્યો હતો. આ કથિત આરોપમાં તે તમામને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે ભારત સરકારના હસ્તક્ષેપ બાદ ફાંસીની સજા માફ કરી તે આજીવન સજામાં ફેરવવામાં આવી હતી. જોકે, હવે મોટી રાહત આપતા દોહા કોર્ટે તમામને મુક્ત કર્યા છે. 7 અધિકારીઓ પણ દેશ પરત ફર્યા છે.

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કતારના અમીર સાથેની મુલાકાતના પરિણામે આ કેદીઓને છોડવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ COP28 સમિટની બાજુમાં અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં શું થયું તે અંગે કોઈપણ દેશ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ દરમિયાન કેદીઓને છોડવાના મામલે પણ ચર્ચા થઈ હશે.

વિદેશી જેલોમાં કેટલા ભારતીયો કેદ છે?
હજુ પણ હજારો ભારતીયો વિવિધ દેશોની જેલોમાં બંધ છે. 6 મહિના જૂના એક રેકોર્ડ મુજબ 90 દેશોમાં 8,330 ભારતીય કેદીઓ છે. જેમાં ગુનેગાર સાબિત થયેલા લોકોની સાથે એવા લોકો પણ છે જેમની ટ્રાયલ ચાલી રહી છે. જો કે, આ સંખ્યા વધારે હોઈ શકે છે કારણ કે એવા ઘણા દેશો છે જે ગોપનીયતાને ટાંકીને આ ડેટા શેર કરતા નથી.

Most Popular

To Top