નવી દિલ્હીઃ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારત પરત મોકલવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ શુક્રવારે તા. 25 ઓક્ટોબરે કહ્યું કે આ પગલું ભારત સરકારના સહયોગથી લેવામાં આવ્યું છે.
સિનીયર ડીએચએસ અધિકારી ક્રિસ્ટી એ. કેનેગેલોએ કહ્યું, કાયદેસર આધાર વિના અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકોને પાછા મોકલવામાં આવી રહ્યાં છે. આ સાથે અધિકારીએ વિનંતી કરી છે કે ૉખોટી માહિતી આપતા દલાલોના શિકાર ન થાઓ.
આ ફ્લાઇટ 22 ઓક્ટોબરે ભારત મોકલવામાં આવી હતી. ડીએચએસએ એમ પણ કહ્યું હતું કે તેઓ યુએસ ઇમિગ્રેશન કાયદાનો કડક અમલ કરી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે આવેલા લોકોને કાનૂની માર્ગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
આ વર્ષે જૂનથી યુએસ-મેક્સિકો સરહદે ગેરકાયદેસર સ્થળાંતર 55% ઘટ્યું છે. નાણાકીય વર્ષ 2024 માં ડીએચએસએ 160,000 થી વધુ લોકોને તેમના દેશોમાં પરત મોકલ્યા છે. આ માટે 145 દેશોમાં 495 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત પણ સામેલ છે.
ડીએચએસ ગેરકાયદેસર રીતે રહેતા તેમના નાગરિકોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે અન્ય દેશો સાથે સંપર્કમાં છે. આ પગલું ગેરકાયદેસર સ્થળાંતર ઘટાડવા અને સલામત અને કાનૂની માર્ગોને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં ડીએચએસ એ કોલંબિયા, એક્વાડોર, પેરુ, ઇજિપ્ત, મોરિટાનિયા, સેનેગલ, ઉઝબેકિસ્તાન, ચીન અને ભારત સહિત ઘણા દેશોના નાગરિકોને સ્વદેશ મોકલ્યા છે.