બર્મિંગહામ: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં (CWG) ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women’s Hockey Team) શાનદાર પ્રદર્શન કરી રહી હતી. સારા પ્રદર્શનના કારણે તે સેમિફાઈનલમાં (Semi final) પહોંચી ગઈ હતી. પરંતુ સેમિફાઈનલમાં ભારતીય ટીમે બેઈમાનીનો ભોગ બનવું પડ્યું હતું. જેથી કહી શકાય કે તેનો ફટકો તેને સેમિફાઇનલમાં હાર સાથે ચુકવવો પડ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચેની મેચ ડ્રો (Match Draw ) રહી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં 3-0થી મેચ જીતી લીધી હતી. આ પેનલ્ટીમાં જ ભારતીય ટીમ સાથે બેઈમાની થઈ, જેના કારણે સમગ્ર ટીમનું મનોબળ તૂટી ગયું હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ ટીવ્ટર પર વીડિયો શેર કરી તેની ટીકા કરી છે.
પેનલ્ટી શૂટઆઉટમાં આ ફાઉલ છે
કોમનવેલ્થમાં શુક્રવારે (5 ઓગસ્ટ) ભારતીય મહિલા હોકી ટીમની ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ મેચ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ ક્વાર્ટર સુધી 1-0થી પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ ચોથા ક્વાર્ટરમાં ભારતે ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. એટલે કે મેચ ડ્રો થઈ હતી. આ એકમાત્ર ગોલ વંદના કટારિયાએ 49મી મિનિટે કર્યો હતો. આ પછી પૂર્ણ સમય પૂરો થયા બાદ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જેના કારણે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય કેપ્ટન અને ગોલકીપર સવિતા પુનિયાએ ચપળતા બતાવીને ગોલ બચાવ્યો હતો. પરંતુ અહીં રેફરીએ કહ્યું કે ટાઈમર ચાલુ નથી. આ જ કારણ હતું કે ઓસ્ટ્રેલિયાને ફરીથી એ જ પેનલ્ટી લેવી પડી હતી.
ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી પર 3-0થી મેચ જીતી હતી
હવે અહીં ટીમ ઈન્ડિયાનો કોઈ વાંક નહોતો, પરંતુ રેફરીની ભૂલની સજા તેમને ભોગવવી પડી હતી. જ્યારે ફરીથી પેનલ્ટી આપવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ કોઈ ભૂલ કરી ન હતી અને ગોલ કર્યો હતો. અહીંથી ભારતીય ખેલાડીઓનું મનોબળ ઘટી ગયું હતું. આ જ કારણ હતું કે ઓસ્ટ્રેલિયાએ 3-0થી મેચ જીતી હતી. રમતગમતના દિગ્ગજ સહિત ચાહકો પણ આ સમગ્ર ઘટનાથી નિરાશા થયા હતા. તમને જણાવી દઈએ કે મેચમાં આ પહેલા પણ ભારતીય ટીમને મેચમાં વધારે સમય આપી મેચ રમાડવામાં આવી હતી.
આમાં ભારતીય ટીમનો શું વાંક?
વીડિયોમાં તમે સાંભળી શકો છો કે કોમેન્ટેટર્સ પણ એવું જ કહી રહ્યા છે કે આમાં ભારતીય ટીમનો શું વાંક છે. આ અંગે વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- ઓસ્ટ્રેલિયા તરફથી પેનલ્ટી ચૂકી ગઈ અને અમ્પાયરે કહ્યું, માફ કરજો ઘડિયાળ શરૂ નથી થઈ. આવો પક્ષપાત ક્રિકેટમાં પણ થતો હતો, જ્યાં સુધી અમે સુપરપાવર બન્યા નહીં. હોકીમાં પણ જલ્દી બનીશું. ત્યારે બધી ઘડિયાળો સમયસર શરૂ થશે. ભારતીય ટીમની છોકરીઓ (ખેલાડીઓ) પર ગર્વ છે.