નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ(India Women Cricketer)ની કરોડરજ્જુ કહેવાતી મિતાલી રાજે(Mithali Raj) આંતરરાષ્ટ્રીય(International) ક્રિકેટ(Cricket)માંથી સંન્યાસ(Retire) લઈ લીધો છે. મિતાલી રાજ છેલ્લા 23 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી હતી. બુધવારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. મિતાલી રાજે બે દાયકાથી વધુ સમય ચાલેલી તેની ક્રિકેટ કારકિર્દીમાં સંપૂર્ણ રીતે રાજ કર્યું જેથી તે ભારતમાં મહિલા ક્રિકેટની ઓળખ છે. ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ જીતમાં પણ તેનું નામ છે. આવી સ્થિતિમાં મિતાલી રાજનું સંન્યાસ લેવું એ મહિલા ક્રિકેટ જગતમાં એક મોટી ઘટના છે.
નિવૃત્તિ લેતી વખતે મિતાલી રાજ ભાવુક થઈ
મિતાલી રાજે 8 જૂને ટ્વિટર પર એક લાંબો સંદેશ જારી કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. મિતાલીએ પોતાના મેસેજમાં લખ્યું છે કે જ્યારે મેં બ્લુ જર્સી પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે હું નાની બાળકી હતી. આ સફર તમામ પ્રકારની ક્ષણો જોવા માટે પૂરતી લાંબી હતી છેલ્લા 23 વર્ષ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક હતી. દરેક અન્ય સફરની જેમ આ સફરનો પણ અંત આવી રહ્યો છે અને આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.
મિતાલી રાજે પોતાના સંદેશમાં લખ્યું કે જ્યારે પણ હું મેદાન પર ઉતરી ત્યારે મેં હંમેશા મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો અને ટીમને જીત અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મને લાગે છે કે મારી કારકિર્દીને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે જ્યાં ભારતનું ભવિષ્ય યુવા ખેલાડીઓના હાથમાં છે. હું BCCI સેક્રેટરી જય શાહ અને અન્ય તમામ અધિકારીઓનો આભાર માનું છું. મિતાલી રાજે વધુમાં કહ્યું કે ઘણા વર્ષો સુધી ટીમનું સુકાન સંભાળવું મારા માટે ગર્વની વાત હતી આ વખતે મને એક વ્યક્તિ તરીકે વધુ સારી બનાવી સાથે જ મહિલા ક્રિકેટને આગળ લઈ ગઈ. ભલે આ સફર અહીં પૂરી થઈ રહી છે પરંતુ હું કોઈને કોઈ સ્વરૂપે ક્રિકેટ સાથે જોડાયેલી રહીશ.
આ રેકોર્ડનું બીજું નામ છે મિતાલી રાજ
મિતાલી રાજ અત્યારે માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાંની એક રહી છે. ODIમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેની પાસે છે સાથે જ લાંબા સમય સુધી ભારત માટે કેપ્ટનશિપનો રેકોર્ડ પણ મિતાલી રાજના નામે છે. જો મિતાલી રાજના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે 232 ODI મેચમાં 7805 રન બનાવ્યા છે જે દરમિયાન મિતાલીની એવરેજ 50.68 રહી છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર છે. મિતાલી રાજના નામે 7 સદી અને 64 અર્ધસદી છે. મિતાલીએ તેની 23 વર્ષની કારકિર્દીમાં માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા છે જેમાં બેવડી સદી (214 રન) છે.
બીજી તરફ ઈન્ટરનેશનલ ટી20ની વાત કરીએ તો તેણે 89 મેચમાં 2364 રન બનાવ્યા છે મિતાલીએ ટી20 ઈન્ટરનેશનલમાં પણ 17 ફિફ્ટી ફટકારી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ જીતનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. તેણે 155 વનડેમાં કેપ્ટનશિપ કરી જેમાં 89 જીત્યા અને 63માં હારનો સામનો કરવો પડ્યો. મિતાલી રાજ વિશ્વની એકમાત્ર એવી કેપ્ટન છે જેણે 150 થી વધુ ODI મેચોમાં કેપ્ટનશિપ કરી છે.