Columns

‘ભારતીય રંગભૂમિ’ ગ્રંથના બંને ખંડો વાંચો તો તેના શૈલી અને વૈવિધ્ય દંગ કરી દેશે

ભારતીય રંગભૂમિ વાસ્તવિક રીતે, વ્યાપક રીતે, વૈવિધ્યની રીતે જોવી – સમજવી હોય તો ભરત દવેના ‘બૃહદ નાટયકોશ : ભારતીય રંગભૂમિ’નું અધ્યયન કરો. વિશ્વના અનેક દેશોની રંગભૂમિથી વધુ સમૃધ્ધ તેનું સ્વરૂપ છે. ‘ભારતીય રંગભૂમિ’ એટલે કોઇ એક પ્રકારની રંગભૂમિ નહીં પણ ભારતના તમામ રાજયોમાં પ્રચલિત જુદાં જુદાં શૈલી – સ્વરૂપની રંગભૂમિનો સમૂહ.’ એવું ભરત દવે કહે છે. આ પ્રસ્તાવના – નિરીક્ષણમાં જ 2 ખંડમાં વિસ્તારીત આ ગ્રંથની સામગ્રી વ્યાખ્યાયિત થાય છે. તેમણે ભારતીય રંગભૂમિનો વિભાવ પૂર્ણતાથી સ્પષ્ટ કરવો છે.

એટલે સંસ્કૃત રંગભૂમિથી માંડણી કરે છે અને લોકનૃત્ય, લોકકલાઓ વિશે વિગતે આલેખન કર્યા પછી ‘ભારતીય શાસ્ત્રીય નૃત્ય’ના પરિચય તેના આધુનિક સમયના નૃત્યકારો વડે કરાવવા ઉપરાંત ‘નૃત્યનાટિકાઓના મહાન સર્જકોનો ય વિગતે પરિચય આપે છે. આ બંને ગ્રંથોની ડિઝાઇન જ તેમણે એવી કરી છે કે જેથી સંસ્કૃત નાટક અને તેની ભજવણીના સમય પછીના ગાળામાં જન્મતા રહેલા લોકનાટયો ફરી શાસ્ત્રીય નૃત્યમાં અને વર્તમાન નાટકમાં કઇ રીતે જોડાઇને ભારતીય રંગભૂમિનું રૂપ પ્રગટાવે છે. ભરત દવે પાસે આ સ્પષ્ટ વિઝન છે.

એટલે જ લોકનૃત્ય અને લોકકલાઓ વિશેની સામગ્રી માત્ર સઘન પરિચય બનીને રહી જતી નથી, તેનાથી આગળ જઇ ‘ભારતીય રંગભૂમિ’ના ઘડાતા, ઘડાયેલા રૂપમાં તેનું મહત્વ સ્થાપે છે. ગ્રંથના આ લેખક ભારતીય કઠપૂતળી કલા વિશે પણ મૂલગામી ચર્ચા કરે છે. આ કઠપૂતળી કલા પણ રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ સહિતના રાજયોમાં વિકસી એક વૈવિધ્યશાલીન પરંપરા બની છે.

આપણા સિતાંશુ યશચન્દ્ર જેવા આધુનિક સમયના નાટ્‌યલેખકે આખ્યાન કલાનું સંયોજન તેમના એક નાટકમાં કરેલું એ રીતે ‘મેના ગુજરી’માં ભવાઇ છે તો મનોજ શાહે જૂની રંગભૂમિનો શૈલી સંદર્ભ ‘માસ્તર ફૂલમણી’ની ભજવણીમાં કરેલો. આવા સંયોજન વર્તમાન રંગભૂમિને પરંપરા સમૃધ્ધ બનાવે છે.  ગિરીશ કાર્નાડના ‘હયવદન’, વિજય તેંડૂલકરના ‘ઘાસીરામ કોતવાલ’ સહિત ઘણા નાટકોનું સ્મરણ રાષ્ટ્રમાં થયેલી રંગભૂમિની પ્રવૃત્તિ સંદર્ભે જાગે. ભરત દવેએ એટલી રસાળતા અને બારીકી સાથે દેશના લોકનાટ્‌ય અને લોકકલાઓની શૈલી વિશે લખ્યું છે કે આપણે દંગ રહી જઇએ.

આ બધાની ભૂમિકા જો કે ‘સંસ્કૃત પ્રશિષ્ટ રંગભૂમિ લેખમાં જ તેમણે સંપડાવી આપી છે કે જે પછીની ગ્રંથસામગ્રીનો પરિપ્રેક્ષય આપે. જેમ કે તેઓ ‘સંસ્કૃત નાટકોની ભજવણી’ વિશે લખે છે કે, ‘એ જમાનામાં નાટક કવિતા અથવા પદ્યના જ ભાગ રૂપે ગણવામાં આવતું. કવિતા પણ વળી બે ભાગમાં વહેંચાયેલી : શ્રાવ્ય અને દૃશ્ય. કવિતા, વાર્તા, ઉપદેશકથા વગેરેને શ્રાવ્ય કાવ્યો ગણવામાં આવતા. જ્યારે નાટક, નાટિકા, એકપાત્રીય નાટક વગેરેને દૃશ્ય કાવ્યો ગણવામાં આવતા. તમે જોશો કે લોકનાટ્‌યમાં ભજવણીરૂપ ભારતીય લોકકલાઓમાં આ તત્વો જુદી જુદી રીતે ઊતરી આવ્યા છે.
બકુલ ટેલર

ભરત દવે અભ્યાસ – અધ્યયનથી લોકધર્મી રંગપરંપરાઓને જુએ છે અને તે કારણે આ જે લોકનાટ્‌યો છે, તેમાં જે સર્વસામાન્ય લક્ષણો છે તે પણ તારવી આપે છે અને પછી તેના વિશેષને પણ નોંધે છે. ભારતની સમાંતરે અન્ય કેટલાંક દેશોમાં લોકનાટ્‌યો અસ્તિત્વ ધરાવે છે, તેની માહિતી પણ અહીં રસપ્રદ અર્થઘટન તરફ દોરવે છે. ભારતમાં અનેક લોકનાટ્‌ય ખીલવાના કારણો અનેક જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અને સંસ્કૃતિ હોવાનું ય કહી શકાય.

દરેક રાજ્યને પોતાની સ્થાનિક ભાષામાં રચાયેલી પરંપરાગત લોકકથાઓ, પૌરાણિક કથાઓ, સ્થાનિક ઇતિહાસ અને લોકપરંપરા મુજબની વીરગાથાઓ છે અને તેને મનોરંજક રીતે વ્યકત કરવા માટેનું આગવું લોકનાટ્‌ય સ્વરૂપ વિકસ્યું છે’ એવું કહ્યા પછી ભરત દવે નોંધે છે કે, ‘જનસામાન્યની લોકપ્રિય અભિવ્યકિત તરીકે લોકકલાની સંકલ્પના ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં રચાયેલા મૈત્રેયી ઉપનિષદમાંથી ઉદ્‌ભવી હોવાનું મનાય છે!’ તેઓ આ રીતે મૂળ સુધી વિસ્તરી આખા અભ્યાસને વધારે પૂર્ણ બનાવે છે.

આ બે ખંડોના વિભાજીત ગ્રંથમાં બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તર ભારતીય, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા- દીવ – દમણ, તમિળનાડુ, આંધ્ર અને તેલંગાણા, કર્ણાટક, કેરળ, આંદામાન – લક્ષદ્વીપ, આસામ, મણિપુર, ઉત્તર પૂર્વના બીજા રાજયો, કાશ્મીર અને લેહ – લડાખની લોકકલાઓ, લોકનાટ્‌યોનો પરિચય સાંપડે છે અને તે એક કોશ શૈલીમાં લખાયો હોવાને કારણે ખૂબ વિગતપૂર્ણ છે. એ બધાને વિશેષો પણ તારવ્યા છે. જેમ કે બંગાળના ‘અકલ્પ’ લોકનાટ્‌ય વિશે કહે છે તે મૂળભૂત રીતે એક સંગીત નાટક અથવા કથાગીત છે, જેની ભજવણીમાં ગીત – સંગીતની સાથે સંવાદો અને નૃત્યો પણ સામેલ હોય છે.

તો ‘જાત્રા’ વિશે લખે કે ‘એ ધાર્મિક ઉત્સવો દરમિયાન ઇશ્વરની આરાધના રૂપે કે ધાર્મિક વિધિવિધાન રૂપે અથવા લોકમેળા કે પરંપરાગત વાર તહેવારે ભજવાતું આવતું બંગાળનું પારંપરિક સંગીતમય લોકનાટ્‌ય છે.’ કયા લોકનાટ્‌ય કેટલા જૂના તેની ય વિગતો મળશે અને તેની વેશભુષા, વાદ્યો, મુખવટા, નૃત્ય હોય તો તેની શૈલીની પણ માહિતી મળશે. દેશના આદિવાસીઓએ સાચવેલા લોકનૃત્યોને જાણી થશે કે ત્યાં હજુ પરંપરા નિભાવવાના સહજ પ્રયત્નો છે. કારણ કે તેમાં અન્ય માન્યતાઓ પણ સામેલ છે. ઘણા લોકનાટ્‌ય ‘રામાયણ’ કે ‘મહાભારત’ કેન્દ્રી હોય તો તેના નામ પણ તેવા પડયા છે. લોકનૃત્યને જાળવવાના ય જ્યાં પ્રયત્ન થાય છે તેની ય વિગતો મળશે. લોકનૃત્યના પ્રકાર, શૈલી તપાસવા સાથે અન્ય લોકનૃત્યો સાથે ઘણીવાર તુલના કરી તેમાં રહેલા ભેદ અને સામ્યને પણ લેખક સ્પષ્ટ કરે છે.

આ બંને ગ્રંથોમાં ફોટોગ્રાફસ પણ ઘણા છે અને તેમાં અનેક મહત્વના કળાકારોની ય છબી મળશે. આ બધુ જોતા સમજાશે કે ભરત દવેએ કેટલા શ્રમ અને અધ્યયનદૃષ્ટિથી ગ્રંથને સંપૂર્ણ બનાવવા પ્રયત્ન કર્યા છે. હજુ આ શ્રેણીમાં બીજા ગ્રંથ ઉમેરાશે. આમ છતાં ભરત દવે જ નોંધે છે તેમ વિધિવત્‌ ભારતીય ‘નાટયકોશ’ કે ‘વિશ્વના નાટ્‌યકોશ’ની જરૂરિયાત તો ત્યાંની ત્યાં વણ સંતોષાયેલી રહે જ છે! સાચી વાત, પણ તેવા કામ કરવા તો ભરત દવે જેવાને જ જરૂર રહે.

આપણે ત્યાં નાટક અને રંગભૂમિની કળા વિશેના અભ્યાસીઓ ઘટી ગયા છે અને રંગભૂમિની ઉત્તમતા પ્રગટી તેવી મનોહર ભજવણી જોનારા પણ ઓછા થતા હોય તો આવતી કાલ માટે બહુ આશા ન રાખી શકાય. વળી ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ જેવી પ્રકાશન સંસ્થાનું હોવું પણ મહત્વનું છે. વ્યવસાયી પ્રકાશકો આવા પુસ્તકો પ્રગટ ન જ કરે. આ બે ખંડોને પ્રકાશિત થતા જોઇને ડો. ધીરુભાઇ ઠાકરને ય થતું હશે કે તેમની વિદાયથી ટ્રસ્ટનું કાર્ય અટકયું નથી. આ માટે કુમારપાળ દેસાઇ જેવાને ય બિરદાવવા જોઇએ. ‘બૃહદ નાટ્‌ય કોશ : ભારતીય રંગભૂમિ’ ખંડ 1 અને 2, લેખક : ભરત દવે, પ્રથમ ખંડની પૃષ્ઠ સંખ્યા – 304 અને બીજા ખંડની પૃષ્ઠ સંખ્યા – 279. દરેક ખંડની કિંમત : “ 1500, પ્રકાશક : ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટી પાસે, ઉસ્માનપુરા, અમદાવાદ – 380013, ફોન – 27551703.

Most Popular

To Top