Sports

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડી બે વર્ષ બાદ ટીમમાં પરત ફર્યો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત રવિવારે તા. 8 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. 16 સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

ભારતીય ટીમની પસંદગીની સૌથી ખાસ વાત વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટીમમાં પરત ફર્યો છે. પંત 634 દિવસ બાદ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. રોડ અકસ્માત બાદ તે ટીમની બહાર હતો. આ સાથે જ કેએલ રાહુલ અને વિરાટ કોહલીની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. આ વર્ષે રાહુલ હૈદરાબાદ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યાર બાદ તેણે ઈંગ્લેન્ડ સામેની બાકીની ચાર મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું. વિરાટ કોહલી અંગત કારણોસર પાંચેય ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો.

યશ દયાલની પસંદગી
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દયાલને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. દયાલને સ્થાનિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. દયાલ દુલીપ ટ્રોફી 2024માં ભારત B ટીમનો ભાગ હતો, જ્યાં તેણે ભારત-A સામેની મેચમાં 4 વિકેટ લઈને પ્રભાવિત કર્યા હતા. દયાલ લેફ્ટ આર્મ બોલર છે, તેથી તે પેસ આક્રમણમાં વિવિધતા લાવી શકે છે. ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને અર્શદીપ સિંહ પણ પસંદગીના દાવેદાર હતા, પરંતુ તે બંનેને પાછળ છોડી દયાલનું સિલેક્શન થયું છે.

‘સ્વિંગ એક્સપ્રેસ’ આકાશ દીપની એન્ટ્રી
જમણા હાથના ઝડપી બોલર આકાશદીપને પણ પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આકાશદીપે દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા-બી સામે 9 વિકેટ લીધી હતી. ઈન્ડિયા-A માટે આકાશ દીપે પ્રથમ દાવમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.

27 વર્ષીય આકાશે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી. આકાશ દીપનો જન્મ બિહારના રોહતાસ જિલ્લામાં થયો હતો. જોકે આકાશ દીપ ઘરેલુ ક્રિકેટમાં બંગાળ માટે રમે છે. આકાશમાં નવા અને જૂના બંને બોલ સાથે સ્વિંગ કરવાની ક્ષમતા છે.

જુરેલ – સરફરાઝ પરનો વિશ્વાસ અકબંધ
ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન પણ ટીમમાં સામેલ છે. સરફરાઝ અને જુરેલે આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. ધ્રુવ જુરેલને બીજા વિકેટ કીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે સરફરાઝને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. રિષભ પંતની હાજરી પહેલા જુરેલ માટે ટેસ્ટમાં તક મળવી મુશ્કેલ છે, પરંતુ સરફરાઝ ચેન્નાઈ ટેસ્ટમાં નંબર-5 પર રમતા જોવા મળી શકે છે.

ટીમમાં ચાર સ્પિન બોલર છે
ચેન્નાઈની પિચ સ્પિન ફ્રેન્ડલી માનવામાં આવે છે. તેને જોતા ટીમમાં ચાર સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે આ ચારેય ખેલાડીઓ શાનદાર બેટ્સમેન પણ છે, તેથી તેમની હાજરીને કારણે ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર પણ ઘણો મજબૂત દેખાય છે.

આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ શ્રેણી ઘણી મહત્વની રહેશે. માર્ચ 2024 પછી ભારતીય ટીમની આ પ્રથમ રેડ-બોલ (ટેસ્ટ) શ્રેણી છે. છેલ્લી શ્રેણીમાં ઇંગ્લેન્ડનો 4-1થી પરાજય થયો હતો. બીજી તરફ, આ શ્રેણી નવા ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ પ્રથમ રેડ બોલ સિરીઝ હશે.

પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકેટર), ધ્રુવ જુરેલ (વિકેટકેટ), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

Most Popular

To Top