ભારતે (India) એક મોટી રાજદ્વારી સફળતા (Diplomatic Victory) હાંસલ કરી છે. ઈરાને પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા છે જેઓ ઈઝરાયેલના જહાજના ક્રૂ સભ્યોમાં સામેલ હતા જેને તેણે તાજેતરમાં જપ્ત કર્યું હતું. મુક્ત થયેલા આ પાંચ ભારતીય ખલાસીઓ આજે સાંજે ઈરાનથી રવાના થશે. ભારતીય વિદેશ મંત્રાલયે મુક્ત કરાયેલા ભારતીય ખલાસીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી અને ખલાસીઓની મુક્તિ બદલ ઈરાન સરકારનો પણ આભાર માન્યો હતો.
ઈરાને 13 એપ્રિલના રોજ ઈઝરાયેલનું એક માલવાહક જહાજ જપ્ત કર્યું હતું. તે જહાજના ક્રૂમાં 17 ભારતીય નાગરિકો સામેલ હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈઝરાયેલની માલિકીના જહાજ MSAC Aries ને જપ્ત કર્યું હતું. આ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દુબઈ તરફ જઈ રહ્યું હતું. ઈરાનનો આરોપ છે કે આ જહાજ પરવાનગી વગર તેમના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. જહાજ પર સવાર ભારતીય ક્રૂમાં કેરળની એક મહિલા નાવિક એન ટેસા જોસેફ પણ સામેલ હતી જેને ઈરાન સરકાર દ્વારા પહેલાથી જ મુક્ત કરવામાં આવી હતી અને તે 18 એપ્રિલે ભારત પહોંચી હતી. જ્યારે ઈરાને જહાજ કબજે કર્યું ત્યારે તેમાં 17 ભારતીય અને બે પાકિસ્તાની સહિત 25 ક્રૂ મેમ્બર હતા. આ જહાજ ઈઝરાયેલના એક બિઝનેસમેનનું હતું પરંતુ તેનું સંચાલન પોર્ટુગલ કરી રહ્યું હતું. ઈરાનમાં હજુ પણ 11 ભારતીય ખલાસીઓ છે.
તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો હતો
ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈરાન હમાસને સાથ આપી રહ્યું છે. આ જ કારણ છે કે ઈરાનના સમર્થનથી હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર સતત હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં જ ઈઝરાયેલ પર સીરિયામાં ઈરાનના દૂતાવાસને નિશાન બનાવવાનો આરોપ લાગ્યો હતો જેમાં ઈરાની સેનાના બે ટોચના કમાન્ડર માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું અને બદલો લેવાની ધમકી આપી હતી. જવાબી કાર્યવાહીમાં ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો પરંતુ આ હુમલામાં ઈઝરાયેલને કોઈ મોટું નુકસાન થયું ન હતું. જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર હતો ત્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઈઝરાયેલનું એક જહાજ જપ્ત કર્યું હતું.