Vadodara

ભારતીય રેલવે દેશના વિકાસની આધારશિલા : પ્રધાનમંત્રી

       વડોદરા તા.૧૬

ગાંધીનગર-વારાણસી સુપરફાસ્ટ ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગરથી પ્રારંભ થયેલી આ ટ્રેનનું વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે પારંપારિક નૃત્ય, પોલીસ બેન્ડ અને ઉમંગ-ઉત્સાહ સાથે નર્મદા  વિકાસ રાજયમંત્રી યોગેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત-અભિવાદન કર્યું હતું. આ ટ્રેનમાં વડોદરા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ ગોધરા સુધી પ્રતીકાત્મક મુસાફરી કરી હતી.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે ભારતીય રેલવે દેશના વિકાસની આધારશિલા છે. દેશના વિકાસને નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે જૂના-પુરાણા અભિગમ છોડીને આધુનિક વિચાર અને ટેકનોલોજી સાથે ચાલી રહ્યા છીએ.રેલવેના નવા પ્રકલ્પોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થવાની સાથે રોજગારીના નવા અવસર પણ ઉપલબ્ધ થશે. રેલવે દ્વારા નવીન સુવિધાઓ વિકસાવવાની સાથે રેલવે સ્ટેશન પર સ્વચ્છતાની પ્રતીતિ થઈ રહી છે. રેલવેમાં સુરક્ષા સઘન થવાની સાથે રેલવેની સ્પીડ પણમાં વધારો થયો છે. આ બદલાવ દરેક સામાન્ય જન અનુભવી રહ્યો છે. ભારત જેવા વિશાળ દેશમાં દરેક વર્ગને રેલવેની સુવિધાઓ અને વ્યવસ્થાઓ મળવી જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યુ કે સાયન્સ સીટીના વિકાસથી બાળકોને નવું શીખવાની સાથે તેમની સર્જનાત્મક શક્તિનો પણ વિકાસ થશે.કોરોના મહામારીમાં લોકોનું જીવન ખૂબ પ્રભાવિત થયું છે.ત્યારે વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક વિકાસને વેગ આપ્યો છે. સાથે જ આપણે સતર્ક રહેવાની પણ એટલી જ જરૂર છે.આ મહામારીનો અત્યાર સુધી દ્રઢતાપૂર્વક મુકાબલો કર્યો છે. આ મહામારીમા લોકોને સુરક્ષિત રાખવા રસીકરણની ગતિને વધારે ઝડપી બનાવવાનું આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યું હતું.ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના મહામારી વચ્ચે ગુજરાતની આર્થિક ગતિવિધિ અને વિકાસ ગતિ અવિરતપણે ચાલુ રહી છે. ત્યારે રેલવે આ નવા પ્રકલ્પો ગુજરાતના વિકાસને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવામાં સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

રેલવે સેવા માટે ગુજરાતે વર્ષો સુધી અન્યાય સહન કર્યો છે.ત્યારે કેન્દ્ર સરકારના સહયોગથી રેલવે ક્ષેત્રે નવી કનેક્ટિવિટીની સાથે આધુનિક સુવિધાઓની ભેટ મળી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતે કોરોના વાયરસની બન્ને લહેરોનો દ્રઢતાપૂર્વક મુકાબલો કર્યો છે. સાથે જ વિકાસની ગતિને પણ રાજ્ય સરકારે અટકવા દીધી નથી. નર્મદા વિકાસ રાજયમંત્રી  યોગેશ પટેલે જણાવ્યું કે ગાંધીનગર-વારાણસી સુપરફાસ્ટ નવીન ટ્રેન પ્રારંભ થવાથી શહેર-જિલ્લા સહિત રાજ્યના ભક્તોને બાબા વિશ્વનાથના દર્શન માટે આ ટ્રેન ઉપયોગી બની રહેશે.

Most Popular

To Top