National

શું ચલણી નોટો પર ગાંધીજીના બદલે કલામનો ફોટો મુકાશે? RBI એ આપ્યો આ જવાબ

નવી દિલ્હી: (New Delhi) રવિવારે તા. 5મી જૂનના રોજ એવી ચર્ચા ઉઠી હતી કે ભારત (India) દેશમાં પ્રવર્તમાન ચલણી (Currency) નોટો પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો (Gandhiji) ફોટો હટાવી દેવામાં આવનાર છે. ગાંધીજીના સ્થાને ચલણી નોટો પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એપીજે અબ્દુલ કલામ (APJ Abdul Kalam) અને રવિન્દ્રનાથ ટાગોરની (Ravindranath Tagore) તસવીરો લગાવડામાં આવનાર છે. આ ચર્ચાએ ખૂબ જોર પકડતાં આજે સોમવારે તા. 6 જૂનના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) આ અંગે ખુલાસો કરવો પડ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચલણી નોટો પર ફોટો બદલવાની વાતને રદિયો આપ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા પ્રસારિત કરાયેલા ખુલાસામાં એવું જણાવવામાં આવ્યું છે કે હાલમાં ચલણી નોટોમાં કોઈ પણ પ્રકારના ફેરબદલનો કોઈ જ પ્રસ્તાવ નથી. રિઝર્વ બેન્કે સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો આપ્યો કે ચલણી નોટો પર રવિન્દ્ર નાથ ટાગોર કે એપીજે અબ્દુલ કલામની તસવીર લગાડવાની કોઈ યોજના નથી. રાબેતા મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જ તસવીર ચલણી નોટો પર ચાલુ રહેશે.
દરમિયાન પીઆઈબી દ્વારા પણ આ સમાચારને ખોટા જણાવવામાં આવ્યા છે. પીઆઈબીએ ફેક્ટ ચેકમાં કહ્યું કે ચલણી નોટો પર તસવીર બદલવાના કોઈ અહેવાલ નથી. આવી કોઈ યોજના નથી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ રવિવારે એવા રિપોર્ટ આવ્યા હતા કે ભારતના 11માં રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડો. એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરી તસવીર ચલણી નોટો પર લગાડવાનું આયોજન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે નાણામંત્રાલય અને રિઝર્વ બેન્ક અમુક બેન્ક નોટોની એક નવી સિરિઝ લાવવા વિચારી રહી છે, જેના પર ટાગોર અને કલામનો વોટરમાર્ક ફોટો હશે. જેના સેમ્પલ સિક્યોરિટી પ્રિન્ટીંગ એન્ડ મિન્ટીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આઈઆઈટી-દિલ્હીના એમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શહાનીને મોકલવામાં આવ્યા છે. ત્રણ વોટરમાર્ક સેમ્પલની ડિઝાઈનને સત્તાવાર મંજૂરી પણ મળી ગઈ હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો હતો.

Most Popular

To Top