National

ભારતીય સેના પાસે પણ હશે પોતાનું સેટેલાઇટ, ઈસરો સાથે 3 હજાર કરોડની ડીલ કરી

નવી દિલ્હી: (New Delhi) ભારતીય સેનાની (Indian Army) તાકાત હજી વધશે. ભારતીય સેના હવે વધુ અત્યાધુનિક ટેકનોલોજીનો (Technology) ઉપયોગ કરીને આગળ વધી રહી છે. આ શ્રેણીમાં હવે ભારતના સંરક્ષણ મંત્રાલયે (Defense Ministry) એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મંત્રાલયે સૈન્ય માટે અદ્યતન કમ્યુનિકેશન સેટેલાઇટ સુવિધા પૂરી પાડવા માટે ઈસરો (ISRO) સાથે સોદો કર્યો છે. હવે ભરતીય સેનાની પોતાની સેટેલાઈટ (Satellite) હશે. આ માટે તેણે ઇસરો સાથે 3 હજાર કરોડની ડીલ કરી છે.

સંરક્ષણ મંત્રાલયે આ અદ્યતન સુવિધા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ની વ્યાપારી શાખા ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે 3000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે માર્ચ 2022માં સેટેલાઇટ માટે આર્મીની દરખાસ્તને મંજૂરી આપી હતી જેથી તેની ઓપરેશનલ ક્ષમતાઓ વધારવામાં આવે. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે સેટેલાઇટના વિકાસ માટે જરૂરી ઉપકરણો સ્વદેશી રીતે બનાવવામાં આવશે. આ માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સની મદદ લેવામાં આવશે.

ISRO ભારતીય સેના માટે અદ્યતન ઉપગ્રહ વિકસાવશે. હાલમાં એરફોર્સ અને નેવી બંને પાસે પોતપોતાની સેટેલાઇટ ફેસિલિટી છે. હવે ભારતીય સેનાને પણ આ સુવિધા મળવા જઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ જિયોસ્ટેશનરી સેટેલાઇટ 5 ટન કેટેગરીમાં તેના પ્રકારનો પહેલો સેટેલાઇટ છે. તેની મદદથી સૈનિકો અને માળખાગત સુવિધાઓ સાથે શસ્ત્રો અને હવાઈ પ્લેટફોર્મ માટે લાઈન ઓફ વિઝન સંચાર ઉપર કંટ્રોલ કરવા માટે આ આ સુવિધા વિકસાવવામાં આવી રહી છે.

આ જીઓસ્ટેશનરી સેટેલાઇટ અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે જે ભૂમિ સૈનિકોની વ્યૂહાત્મક સંચાર જરૂરિયાતોને પૂર્ણ કરશે. તે રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ, એર ડિફેન્સ વેપન્સ અને અન્ય મહત્વપૂર્ણ મિશન પ્લેટફોર્મને મજબૂત કરવામાં પણ મદદ કરશે. ભારતીય સેનાને વર્ષ 2026 સુધીમાં આ સેટેલાઇટ સુવિધા મળવાની સંભાવના છે. આ સેટેલાઇટ સિસ્ટમ આર્મીની નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવશે. વાયુ શક્તિ અધ્યાયન કેન્દ્રના મહાનિર્દેશક એર માર્શલ અનિલ ચોપરાએ જણાવ્યું કે અત્યાર સુધી સેના વાયુસેનાના જી-સેટ 7એ સેટેલાઇટ પર નિર્ભર હતી. ભારતીય સેનાએ રશિયા-યુક્રેન યુદ્ધમાં સાયબર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક યુદ્ધનો વિગતવાર અભ્યાસ કર્યો છે જેમાં એક વિશ્વસનીય સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂરિયાત સામે આવી છે. આ સાથે દૂરના વિસ્તારોમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડી શકાશે.

Most Popular

To Top