National

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેના (Indain Army) દ્વારા આતંકવાદીઓ (Terrorist) વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કેટલાક વિસ્તારોમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે આજે શોપિયાં (Shopian) જિલ્લાના ઝૈનાપોરાના ફરી ભારતીય સેના અને આતંકવાદીઓ સાથે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. એન્કાઉન્ટરમાં (Encounter) 3 આતંકીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશન 1RR, 178 CRPFના જવાનોએ સાથે મળીને પાર પાડ્યું હતું.

મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 1RR, 178 CRPF સહિત અન્ય દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા 3 સ્થાનિક આતંકવાદીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે.  ADGP કાશ્મીર પાસેથી મળતી માહિતી અનુસાર એક આતંકીની ઓળખ શોપિયાંના લતીફ લોન તરીકે થઈ છે. તે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો. બીજા આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે. તે અનંતનાગનો હતો અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આ સિવાય જવાનો પાસેથી 1 એકે 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે. . 

આતંકવાદીઓ સામે તાત્કાલિક કાર્યવાહી
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદીનું ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. આતંકવાદીઓના ઘરને બુલડોઝરથી ધ્વસ્ત કરીને સરકારે સંદેશો આપ્યો હતો કે આતંકવાદનો માર્ગ અપનાવનારાઓ સાથે કડક કાર્યવાહી કરવા સરકાર તૈયાર છે.

ભારત સરકારે જાહેર કરી હતી આતંકીઓની લીસ્ટ
આતંકવાદી આશિક નાંગરૂ જમ્મુ-કાશ્મીરમાં અનેક મોટા આતંકી હુમલાઓમાં સામેલ હતો. તેમના ઘરને બુલડોઝ કરવામાં આવ્યું હતું. આતંકવાદી આશિક નાંગરુ ભારત સરકારની આતંકી યાદીમાં સામેલ હતો. આ આતંકવાદીના ઘરને બુલડોઝર વડે તોડી પાડ્યું હતું. જેથી આતંકવાદીઓનો સાથ આપનારને સંદેશો આપી શકાય કે જે પણ આતંકવાદીઓને સાથ આપશે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

એન્કાઉન્ટરમાં ઘણા માર્યા ગયા, ઓક્ટોબર સુધી 176 આતંકવાદીઓ માર્યા ગયા
મળતી માહિતી અનુસાર આ વર્ષે ઓક્ટોબર સુધી 176 આતંકીઓ માર્યા ગયા છે. જેમાંથી 50 વિદેશી અને 126 સ્થાનિક આતંકવાદીઓ હતા. તેમજ જમ્મુ-કાશ્મીરમાં હાલમાં કુલ 134 સક્રિય આતંકીઓ હાજર છે. જેમાંથી 83 વિદેશી અને 51 સ્થાનિક આતંકવાદીઓ છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગના સપ્ટેમ્બરમાં જારી કરાયેલા આંકડા અનુસાર, 5 ઓગસ્ટ, 2019થી 15 સપ્ટેમ્બર, 2022 વચ્ચે આતંકવાદીઓ સાથેની અથડામણમાં 176 જવાનો શહીદ થયા હતા, જ્યારે કલમ 370 હટાવવા પહેલા 5 ઓગસ્ટ, 2016થી 5 ઓગસ્ટ, 2019. 290 સૈનિકો શહીદ થયા હતા.

Most Popular

To Top