National

ચીન માટે જાસૂસીના આરોપમાં ભારતીય-અમેરિકન સંરક્ષણ નિષ્ણાત એશ્લે ટેલિસની ધરપકડ

ભારતીય મૂળના અમેરિકન સંરક્ષણ નિષ્ણાત એશ્લે જે. ટેલિસને ચીન માટે જાસૂસીના આરોપસર એફબીઆઈ (FBI)એ ધરપકડ કરી છે. તેમના પર વર્ગીકૃત (classified) દસ્તાવેજો ગેરકાયદેસર રીતે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક કરવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. એફબીઆઈએ વર્જિનિયામાં આવેલા તેમના ઘરેથી 1,000થી વધુ ગુપ્ત દસ્તાવેજો જપ્ત કર્યા છે.

યુએસ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર 64 વર્ષીય ટેલિસ પર અમેરિકન કાયદાની કલમ 18 USC 793(e) હેઠળ કેસ નોંધાયો છે. જે રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત માહિતીના અનધિકૃત કબજાને પ્રતિબંધિત કરે છે. વર્જિનિયાના વિયેનામાં આવેલા તેમના નિવાસસ્થાનમાંથી અનેક ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં સંરક્ષણ અને વિદેશ નીતિ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી હોવાની શંકા છે.

ચીની અધિકારીઓ સાથે બેઠકનો આરોપ
એફબીઆઈના અહેવાલ મુજબ ટેલિસે સપ્ટેમ્બર 2022થી સપ્ટેમ્બર 2025 વચ્ચે ચીની અધિકારીઓ સાથે વારંવાર ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકોમાં તેમણે ચીનના એક અધિકારીને લાલ રંગની બેગ ભેટ આપેલી હોવાનું પણ એજન્સીએ દાવો કર્યો છે. તપાસકર્તાઓનો શંકા છે કે આ બેઠક દરમિયાન સંવેદનશીલ માહિતીની આપ-લે થઈ હતી.

યુએસ એટર્ની લિન્ડસે હેલિગે નિવેદનમાં કહ્યું કે “આ પ્રકારનું વર્તન આપણા દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.” અધિકારીઓ હાલ તપાસી રહ્યા છે કે ટેલિસે સુરક્ષિત સરકારી સ્થળોએથી ગુપ્ત દસ્તાવેજો કેવી રીતે બહાર લાવ્યા અને તે ચીન સુધી કેવી રીતે પહોંચ્યા.

એશ્લે ટેલિસ કોણ છે?
એશ્લે ટેલિસ ભારતીય મૂળના વરિષ્ઠ નીતિ વિશ્લેષક અને વ્યૂહરચનાકાર છે. તેમણે 2001માં યુએસ સરકારમાં જોડાયા હતા અને ત્યારથી અમેરિકા-ભારત-ચીન નીતિ સંબંધિત વિવિધ પેનલોમાં સભ્ય તરીકે કાર્ય કર્યું છે. ટેલિસ યુએસ-ભારત સંબંધોના અગ્રણી નિષ્ણાતોમાંના એક તરીકે ઓળખાય છે અને તેમની નીતિ સંબંધિત લખાણો વોશિંગ્ટનથી લઈ નવી દિલ્હી સુધી ધ્યાનપૂર્વક વાંચવામાં આવે છે.

કાનૂની કાર્યવાહી ચાલુ
કોર્ટના આદેશ મુજબ, ટેલિસને ફેડરલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને જો દોષિત સાબિત થાય તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને $250,000 સુધીનો દંડ થઈ શકે છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તબક્કે આરોપ માત્ર એક ફરિયાદ (complaint) છે અને કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી ટેલિસને નિર્દોષ માનવામાં આવશે.

આ કેસે અમેરિકન સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે અને વોશિંગ્ટનમાં ભારત-અમેરિકા સંબંધોના નિષ્ણાત તરીકે જાણીતા ટેલિસની ધરપકડથી રાજનૈતિક વર્તુળોમાં ચકચાર ફેલાઈ છે.

Most Popular

To Top