દેશની સાંપ્રત નેતાગીરીએ આઝાદીના ૧૦૦મા વર્ષ (૨૦૪૭) સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મહેચ્છા બતાવી છે અને કહેવાય છે કે નીતિ આયોગ તે માટેના રોડમેપ પર કામ કરી રહ્યું છે. આ સંદર્ભે આપણી FD ના એક ભૂ.પૂ. ગવર્નરશ્રીએ એક અંગ્રેજી છાપામાં મનનીય વિચારો રજૂ કર્યા છે જેનો સારગર્ભ આ મુજબ છે: (કોઈ પણ) રાષ્ટ્રે ધનવાન બનવું જરૂરી છે પરંતુ તેટલું પૂરતું નથી.
(એ) રાષ્ટ્રના લોકો સારી રીતે નિયમબધ્ધ સામાજિક માળખામાં સરસ મજાની ગુણવત્તાયુક્ત જિંદગી જીવતાં હોવાં જોઈએ, જેનો આધાર આ ત્રણ આધારભૂત બાબતો પર છે – કાયદાનું શાસન, મજબૂત રાજ્ય અને લોકતાંત્રિક જવાબદારી. (૧) કાયદાના શાસનનો મતલબ છે, જે કોઈ કાયદો તોડે, ચાહે તે ભલે ગમે તેટલો શક્તિશાળી કે વગદાર કેમ ન હોય, તેને પકડીને સજા કરવામાં આવશે. વધુમાં, એનો મતલબ એ પણ થાય છે કે પ્રજાને રાજ્યની જુલ્મગારીથી રક્ષણ મળે. (૨) મજબૂત રાજ્યનો મતલબ આપખુદ અને લોખંડી મુઠ્ઠી વડે શાસન કરતું રાજ્ય નહીં, પરંતુ સાર્વભૌમ સત્તા વડે કાયદાનું પાલન કરાવતું અને પ્રજાની સુખાકારી – નાગરિક સલામતી, શિક્ષણ, આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ, સર્વસમાવેશક અર્થનીતિ વિ. માટે કામ કરતું રાજ્ય.
(૩) લોકતાંત્રિક જવાબદારીનો અર્થ ફકત એટલો જ નથી કે લોકોને સમયાંતરે સ્વતંત્ર અને ન્યાયપૂર્ણ ચૂંટણીઓમાં પોતાનો મતાધિકાર વાપરવાનો મળે, પરંતુ તે વચાળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે કે જે થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બાબુશાહીને સુશાસન માટે જવાબદાર ઠેરવી શકાય. તેથી લોકતાંત્રિક જવાબદારી માટે સ્વતંત્ર સંચાર માધ્યમો અને નિષ્પક્ષ ન્યાયવ્યવસ્થા અગત્યનાં ઘટકો છે. તદુપરાંત લોકો પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભેગા મળવાનો તેમજ પોતાની પસંદગીના ધર્મપાલનનો અધિકાર હોવા જોઈએ.
રાજયના પક્ષે વ્યક્તિ સ્વાતંત્ર્ય તેમજ સામાજિક સુગ્રથિતતા અને લોકોના પક્ષે રાષ્ટ્રીય ઓળખ તેમજ સામુદાયિક હિત જળવાવાં જોઈએ અને છેલ્લી જે અગત્યની બાબત છે તે આર્થિક સમૃધ્ધિની વ્યાપક વહેંચણી. આ માટે અર્થનીતિ આયોજન એ રીતનું હોવું જોઈએ કે આર્થિક વિકાસના લાભો અપ્રમાણસર રીતે ઓછી આવક ધરાવતા તબકકાઓ તરફ વહે (હાલમાં ઉંધું છે). આ માટેનો એક ઉપાય શ્રમ બજારમાં દાખલ થતાં લાખો યુવાનો માટે સારી વળતરદાયી રોજગારી ઊભી કરવાનો છે. ગવર્નરશ્રીના ઉપરોક્ત વિચારો યથાર્થ છે પરંતુ તે માટે આપણી રાજકીય નેતાગીરી તેમજ આપણે કટિબધ્ધ છીએ ખરાં? સંશય છે.!
નવસારી – કમલેશ મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.