નવી દિલ્હી: ભારતીય (Indian) રેસલિંગમાં (Wrestling) ચાલી રહેલો વિવાદ (Controversy) શમવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સાક્ષી મલિકે (Sakshi Malik) રેસલિંગ ફેડરેશનની ચૂંટણીના થોડા કલાકો બાદ જ સંન્યાસની જાહેરાત કરી હતી. સાક્ષી 2016 રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા પણ છે. બીજા દિવસે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ (Bajrang Punia) પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. હવે મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) પણ બે એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે.
- વિનેશે વડા પ્રધાન મોદીને પત્ર લખીને પુરસ્કાર પરત કરવા અંગે જણાવ્યું
- વિનેશે પત્રમાં પૂછયું જ્યારે અમે મેડલ જીત્યા અમને દેશનું ગૌરવ ગણાવવામાં આવી હતી આજે અમને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યું છે
વિનેશ ફોગાટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પત્ર લખીને ખેલ રત્ન સાથે અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. ફોગાટે આ પત્ર શેર પણ કર્યો હતો જેમાં કેપ્શનમાં લખ્યું હતું, ‘હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા માટે સર્વશક્તિમાનનો ખૂબ ખૂબ આભાર.’
વિનેશે પત્રમાં મોદીને પૂછ્યું, ‘મને 2016નું વર્ષ યાદ છે, જ્યારે સાક્ષી મલિકે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો, ત્યારે તમારી સરકારે તેને ‘બેટી બચાવો બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. આજે સાક્ષીએ કુસ્તી છોડવી પડી રહી છે. શું અમે મહિલા ખેલાડીઓ માત્ર સરકારી જાહેરાતોમાં દેખાડવા માટે જ બનાવવામાં આવી છે?’
વિનેશ ફોગાટને 2016માં અર્જુન એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2020માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો. ખેલ રત્ન એ ભારતમાં રમતવીરને આપવામાં આવતો સૌથી મોટો પુરસ્કાર છે. એવોર્ડ મેળવતી વખતે વિનેશને ઈજા થઈ હતી અને તે વ્હીલચેર પર એવોર્ડ લેવા આવી હતી.