સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી ત્યારથી, પાકિસ્તાન પાણીના દરેક ટીપા માટે તડપી રહ્યું છે. પાકિસ્તાનની હતાશા હવે ખુલ્લી રીતે બહાર આવી રહી છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પછી હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ પાણી અંગે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાનનો હક છે તે પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં.
ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ કહ્યું કે તેમનો દેશ ભારતને એક ટીપું પાણી પણ છીનવા દેશે નહીં. ભારતે નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું, આજે હું દુશ્મનને કહેવા માંગુ છું કે જો તેઓ પાણી રોકવાની ધમકી આપે તો યાદ રાખો કે પાકિસ્તાન પાસેથી પાણીનું એક ટીપું પણ છીનવી શકાશે નહીં. જો તમે તેમ કરવાનો પ્રયાસ કરશો તો યાદ રાખો કે તમને પાઠ ભણાવવામાં આવશે અને તમારે તમારા કાન પકડવા પડશે.’
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ગઈ તા. 23 એપ્રિલે ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ આ નિવેદન આવ્યું છે.
પાકિસ્તાન વારંવાર ચેતવણી આપી ચૂક્યું છે કે પાણીનો પ્રવાહ રોકવો એ યુદ્ધ સમાન હશે. ત્યારે મંગળવારે શાહબાઝે કહ્યું, જો ભારત આવું પગલું ભરશે, તો તેને એવો પાઠ ભણાવવામાં આવશે જેનો તેને પસ્તાવો થશે.”
બિલાવલ ભુટ્ટોનું કડક નિવેદન
શેહબાઝ શરીફ (Pak PM Shahbaz Sharif) ના નિવેદન પહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના નિર્ણયને સિંધુ ખીણની સભ્યતા પર હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો ભારત યુદ્ધ લાદશે તો પાકિસ્તાન પાછળ નહીં હટે.
આસીમ મુનીરે ફરી જૂનો રાગ ગાયો
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પણ ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું, “અમે ભારત ડેમ બનાવે તેની રાહ જોઈશું અને જ્યારે તે બંધ બનાવશે, ત્યારે અમે તેનો નાશ કરીશું.”
મુનીરે કહ્યું, “સિંધુ નદી ભારતની સંપત્તિ નથી. ભારતના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે આપણી પાસે સંસાધનોની કોઈ કમી નથી.”
સોમવારે ભારતના વિદેશ મંત્રાલયે મુનીરના નિવેદનને પરમાણુ ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રોના નિયંત્રણ પર પ્રશ્નો ઉભા કરે છે.
મંત્રાલયે કહ્યું કે ભારત તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે અને કોઈપણ પરમાણુ ખતરા સામે ઝૂકશે નહીં.