લખનઉ: ભારત પર હુમલો કરનારની ખેર નહીં રહે. આત્મનિર્ભર ભારત (Aatmnirbhar Bhart) હવે શસ્ત્ર (Weapon) બનાવવામાં પણ નિર્ભર બની રહ્યો છે. ત્યારે ભારત એક મિસાઈલ બનાવવા જઈ રહ્યું છે. પહેલા ભારતે શસ્ત્ર બહાર દેશથી આયાત કરવા પડતા હતા પરંતુ હવે ભારતમાં જ મિસાઈલ ઉત્પાદન કરવામાં આવશે. રવિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન કરવા માંગે છે.
ભારત બ્રહ્મોસ મિસાઈલ (Brahmos missiles)નું ઉત્પાદન કરવા માગે છે, કોઈની ઉપર હુમલો કરવા નહીં પણ તેની ઉપર કોઈ ખરાબ નજર ન નાંખે તેની ખાતરી કરવા, એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું હતું. તેમણે અણુ રક્ષણ જાળવી રાખવાની જરૂર પર ભાર આપ્યો હતો. આ અવસર પર બોલતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે દેશનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈની ઉશ્કેરણી નહીં કરે પણ કોઈ તેને ઉશ્કેરશે તો તેને નહીં છોડે.
‘બ્રહ્મોસ મિસાઈલ અને અન્ય શસ્ત્રો જે અમે બનાવી રહ્યા છીએ કોઈ પણ દેશ પર હુમલો કરવા માટે નથી. ભારતનું ચરિત્ર ક્યારેય કોઈ અન્ય દેશ પર હુમલો કરવાનો અથવા કોઈ પણ દેશની 1 ઈંચ જમીન પણ પચાવી પાડવાનો નથી રહ્યો,’ એમ રાજનાથે અણુ શસ્ત્ર લઈ જવામાં સક્ષણ મિસાઈલના સંદર્ભમાં કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે ‘અમે ભારતની જમીન પર બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન કરવા માગીએ છીએ જેથી કોઈ પણ દેશ ભારત પર ખરાબ નજર નાંખવાની હિંમત ન કરે’.
તેમણે વર્ષ 2016 અને 2019માં ઉરી અને પુલવામા ત્રાસવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલા સીમા પાર આક્રમણના સંદર્ભમાં કહ્યું હતું, આપણો એક પાડોશી દેશ છે જે ભારત પ્રત્યે હંમેશાં ખરાબ ઈરાદા રાખે છે. તેણે ઉરી અને પુલવામામાં ત્રાસવાદી કૃત્યો કર્યા હતાં ત્યારે આપણા વડા પ્રધાને તે દેશની જમીન પર જઈ ત્રાસવાદી કેમ્પોને નષ્ટ કરવાનો નિર્ણય લીધો હતો અને જ્યારે હવાઈ હુમલો કરવાની જરૂર હતી આપણે તે પણ સફળતાપૂર્વક કર્યો હતો.