Comments

ભારત વિશ્વગુરુ બનેલું જ છે પણ વિદ્યા નહીં, જુગાડના ક્ષેત્રમાં

બિહારમાં રામલખનસિંહ યાદવ નામના એક નેતા હતા જે શિક્ષામાફિયા તરીકે ઓળખાતા હતા. તેઓ શિક્ષામાફિયા તરીકે એટલા માટે ઓળખાતા હતા કે તેમણે બિહારમાં ઠેકઠેકાણે શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. અહીં જ ખુલાસો કરી દેવો જોઈએ કે તેમને માટે વાપરવામાં આવતું ‘માફિયા’ લેબલ તેમને અન્યાય કરનારું હતું, પરંતુ આજના આપણા વિષય સાથે તેમની તરકીબને સંબંધ છે.

તેમની તરકીબ એવી હતી કે તેઓ ગામડાંઓમાં ખાનગી કે ટ્રસ્ટની માલિકીની શાળા-કૉલેજો શરૂ કરે અને પછી સરકારને સોંપી દે. સરકાર શાળા-કૉલેજો શરૂ કરવામાં વરસો લગાડે, પણ શરૂ થયેલી સંસ્થા સંભાળી લેવાનો પ્રસ્તાવ આવે ત્યારે સરકાર ના પાડી શકતી નહોતી. વળી રામલખનસિંહ યાદવ પોતે પહેલી પંક્તિના સિનિયર નેતા હતા. મુખ્ય પ્રધાનપદ માટે તેમનું નામ બોલાતું હતું એટલે સરકાર તેમના પ્રસ્તાવને ઠુકરાવી શકતી નહોતી.

તેઓ આવું શા માટે કરતા હતા? જો ગ્રામીણ પ્રજાને શિક્ષિત અને સજ્જ કરવાની આટલી બધી ખેવના હતી તો તેમણે કેળવણીનું આંદોલન શરૂ કરવું જોઈતું હતું જેવું આંદોલન ગુજરાતમાં નાનાભાઈ ભટ્ટે અને જુગતરામ દવેએ, મહારાષ્ટ્રમાં મહર્ષિ કર્વેએ અને ભાઉરાવ પાટીલે અને અન્ય પ્રાંતોમાં બીજા અનેક લોકોએ કર્યું હતું. પણ રામલખનસિંહ યાદવે એવો ભેખ ધરવાની જગ્યાએ ઉપર કહી તેવી તરકીબ અજમાવી હતી. 

શા માટે? કારણ કે ઉપર જેમનો ઉલ્લેખ કર્યો એ મહાનુભાવોની પ્રેરણા તેમ જ નિષ્ઠા લોકસેવાની હતી અને તેઓ આઝાદીના આંદોલનના સંતાન હતાં. બીજું તેઓ આઝાદી પછી સત્તાના રાજકારણમાં નહોતા ગયા. તેમનાથી ઉલટું રામલખનસિંહ યાદવની પ્રેરણા સત્તાલક્ષી રાજકારણ હતું. ધીરે ધીરે જાગૃત થઈ રહેલા લોકોની એષણા અને અપેક્ષાઓ વધતી જતી હતી જે સરકાર સંતોષી શકે એમ નહોતી.

રામલખનસિંહ યાદવ સામાજિક રીતે પછાત જાતિના નેતા હતા એટલે તેઓ સત્તામાં હોય કે સત્તાની બહાર, ગ્રામીણ બિહારના પછાત વર્ગની શિક્ષણ મેળવવાની એષણાઓનો તેઓ અસ્વીકાર કરી શકે એ હતા કે નહોતા સાકાર કરી શકે એમ. આ સ્થિતિમાં તેમણે શિક્ષણસંસ્થા સ્થાપીને સરકારને સોંપવાની તરકીબ અજમાવી હતી જે પ્રજાને રાજી રાખવા માટેનો એક જુગાડ હતો.

ભારત જુગાડ માટે આખા જગતમાં ખ્યાતિ ધરાવે છે અને રામલખનસિંહ યાદવનો આ જુગાર હતો. ભારત અન્ય કોઈ ક્ષેત્રમાં વિશ્વગુરુ હોય કે ન હોય, જુગાડમાં ભારત વિશ્વગુરુ છે. કોઈ ભારતની બરાબરી ન કરી શકે. રામલખનસિંહ યાદવને શિક્ષામાફિયા તરીકે ઓળખાવવાની જગ્યાએ શીક્ષા-જુગાડુ તરીકે ઓળખાવવા જોઈએ. ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે એક દિવસ રામલખનસિંહ યાદવનો જુગાર રાષ્ટ્રીય માન્યતા મેળવશે.

ગણતરી બહુ સાદી હતી. શાળાઓમાં અને કસબાઓમાંની કૉલેજોમાં શિક્ષણ મળે કે ન મળે, શાળામાં શિક્ષકો હોય કે ન હોય, જેને શાળા કહી શકાય એવું શાળાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ન હોય; જે વિદ્યાર્થી ભણવા આવે તેને ડીગ્રી મળી જશે. ગરીબ પછાત લોકોને એમ લાગવું જોઈએ કે બ્રાહ્મણના દીકરાની જેમ મારા દીકરાને પણ તક મળી છે અને મારો દીકરો પણ સજ્જ છે. પણ પછી? રોજગારીનું શું? એ તમારો પ્રશ્ન છે, રાજ્ય અને શાસકો મુક્ત.

એ સમયે અરવિંદ નારાયણ દાસ નામના તેજસ્વી બિહારી સમાજશાસ્ત્રીએ એક નાનકડું પણ મનનીય પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક જ બોલકું હતું; ‘ધ રિપબ્લિક ઑફ બિહાર.’ (બાય ધ વે અરવિંદ દાસ સુરતમાં સેટર ફોર સોશ્યલ સ્ટડીઝના ફૅલો હતા અને દિગ્ગજ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈના વિદ્યાર્થી હતા.

દુર્ભાગ્યે બહુ નાની વયે તેઓ અવસાન પામ્યા.) ‘ધ રિપબ્લિક ઑફ બિહાર’માં અરવિંદ નારાયણ દાસ લખે છે કે બિહારમાં જેને ‘ભૂરાબાલ’ તરીકે ઓળખાવવામાં આવે છે એ ભૂમિહાર, રાજપૂત, બ્રાહ્મણ અને લાલા (કાયસ્થ) નામની સવર્ણ કોમ રામલખનસિંહ યાદવના જુગાડમાં મદદ કરતી હતી.

તેમનાં સંતાનો શ્રેષ્ઠ શાળા-કોલેજોમાં ભણતા હતા, ક્લાસ વન અને ક્લાસ ટુ વર્ગની સરકારી નોકરીઓ ઉપર કબજો ધરાવતા હતા, વહીવટીતંત્ર તેમના હાથમાં હતું, કેટલાક બિહારની બહાર ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા હતા, લગભગ દરેક ક્ષેત્રમાં સિન્હા, શ્રીવાસ્તવ, જ્હા અગ્રેસર હતા.

તેમને રામલખનસિંહ યાદવનો જુગાડ માફક આવતો હતો. ભણાવ્યા વિનાનું ભણતર અને પાણી વિનાનું ડીગ્રી નામનું નારિયેળ પકડાવી દેવાથી પ્રજા જો રાજી રહેતી હોય અને હતી ત્યાંને ત્યાં જ રહેવાની હોય તો ખોટું શું છે! આમ રામલખનસિંહ યાદવ શાળા-કૉલેજો શરૂ કરે અને થોડા સમય પછી સરકાર તેને હસ્તગત કરી લે. સવર્ણ અમલદાર પોતે જ હોંશેહોંશે પ્રસ્તાવ વ્યવહારુ હોવાનો રીમાર્ક લખી આપે. તેમને ખબર હતી કે નવો ડીગ્રીધારી તેમની સામે ટકી શકે એમ નથી.

હમણાં મેં કહ્યું કે રામલખનસિંહ યાદવનો બિહારી જુગાડ હવે રાષ્ટ્રીય બની રહ્યો છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જો કોઈ વિદ્યાર્થી ગણિત અને પદાર્થવિજ્ઞાન ન ભણ્યો હોય તો પણ ચિંતા નહીં, તે એન્જિનિયર થઈ શકશે. એન્જીનિયરીંગ સાથે જે વિષયને કોઈ લેવાદેવા નથી એ જીવવિજ્ઞાન કોઈ ભણ્યો હોય તો પણ એન્જિનિયર થઈ શકશે.

ફરક શું પડે છે? બજારમાં ક્યાં નોકરી છે કે કોઈ મશીનને, ઈમારતને કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કોઈ પ્રકલ્પને નુકસાન પહોંચાડશે? કોઈ રડીખડી નોકરી નીકળશે તો નોકરી આપનારાઓ ઉમેદવારને પૂછી લેશે કે ગણિત અને પદાર્થવિજ્ઞાન ભણેલો એન્જીનિયર છે કે વિનાનો. તો કહેવાનું તાત્પર્ય એ કે આ એ જ જુગાડ છે જે બિહારમાં એક સમયે જોવા મળતો હતો. પણ એક ફરક છે અને એ બહુ મોટો ફરક છે.

એ સમયે પછાત વર્ગની પ્રજા જાગૃત થતી જતી હતી, સપનાં જોતી થઈ હતી, માગતા શીખી હતી, રાજકારણીઓ ઉપર દબાવ પેદા કરતી થઈ હતી વગેરે. ટૂંકમાં તેમનું મોઢું ઉપરની તરફ ઊર્ધ્વગામી હતું. નિસરણીનાં ઉપરનાં પગથિયાં તરફ તેમની નજર હતી અને તેનું શાસકો દબાણ અનુભવતા હતા.

શાસકો પાસે આપવા માટેનાં સાધનો ઓછાં હતાં એટલે યાદવી-જુગાડ બિહારમાં શરૂ થયો હતો. એ યાદવી-જુગાડ પાણી અને મલાઈ વિનાના નાળિયેર જેવો હતો એટલે સ્થાપિત હિતોને કોઈ ફરક નહોતો પડતો. અત્યારે કોઈને પણ સહેજે ડીગ્રી મળી જાય એ રીતે શિક્ષણને સાવ હળવું ફૂલ કરવામાં આવી રહ્યું છે એ પણ એક પ્રકારનો જુગાડ જ છે, પણ ફરક એ છે કે તે જાગેલાઓને સુવડાવવા માટેનો છે.

એક સમયે પછાત જાતિઓ સદીઓની ઉપેક્ષાની નીંદ પછી જાગી હતી, જાગીને સપનાં જોતી થઈ હતી અને માગતી થઈ હતી. અત્યારે જાગેલાઓ સૂઈ જઇને સપનાં જોવા માગે છે. બિહારમાં એક સમયે જે સવર્ણો બહુજન સમાજ માટે ભણતરનો આભાસ પેદા કરીને અને એ રીતે પોતાની સ્થિતિ જાળવી રાખીને હરખાતા હતા. તેઓ પોતે ભણતરના આભાસ દ્વારા હરખાઇ રહ્યા છે. હોંશેહોંશે તેઓ પાણી અને મલાઈ વગરના નાળિયેર માટે હાથ આગળ કરી રહ્યા છે.

આ નવો જુગાડ છે. તમારો દીકરો જે ભણી શકે એ ભણે, જેટલું ભણી શકે એમ હોય એટલું ભલે ભણે અને જે ડીગ્રી જોઈએ એ લઈ જાય. તમારો દીકરો કસોટીના માપદંડમાં ઊણો ઉતરતો હોય તો પણ ચિંતા નહીં, કસોટીના માપદંડ નીચે ઊતારી દઈએ. આખરે ડીગ્રી જ જોઈએ છે ને લઈ જાઓ અને રાજી થાઓ.

આ પછી પણ ખરખ ઓછો પડતો હોય તો રાષ્ટ્રધ્વજ હજુ બે મીટર લાંબો કરી નાખીએ જેને આકાશમાં લહેરાતો જોઇને છાતી ગદગદ ફૂલશે. તમને ખબર છે, નીતા અંબાણીઓ હવે તમારા દીકરાને ભણાવવાના છે? આનાથી મોટી સિદ્ધિઓ બીજી કઈ હોઈ શકે? ટૂંકમાં આ દેશમાં બ્રાહ્મણોનું અને અન્ય સવર્ણોનું પછાતીકરણ કરવામાં આવી રહ્યું છે. ભારતે વિશ્વગુરુ બનવાનું છે એમ કહેવામાં આવે છે. ભારત આ પહેલાં જ વિશ્વગુરુ બનેલું છે, પણ એ વિદ્યાના ક્ષેત્રમાં નહીં, જુગાડમાં. રાજી રો’ને મારા ભાઈ!

લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top