ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે મીરાબાઇ ચાનુના સિલ્વર મેડલથી પોતાના અભિયાનની પ્રભાવક શરૂઆત કરી અને તે પછી મેડલના ઘણાં દાવેદારોનું અભિયાન મેડલ વગર પુરૂ થતું રહ્યું અને એ દરમિયાન વચ્ચે વચ્ચે કેટલાક બ્રોન્ઝ મેડલ દેશને મળ્યા પણ જેવી પ્રભાવક શરૂઆત થઇ હતી તેનાથી વિશિષ્ટ પ્રભાવક સમાપન નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ સાથે થયું હતું.
નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલો ગોલ્ડ મેડલ એથ્લેટિક્સમાં પહેલો અને ઓલિમ્પિક્સ ગેમ્સમાં ઓવરઓલ 13 વર્ષ પછી મળેલો પહેલો ગોલ્ડ મેડલ રહ્યો હતો. આ ઉપરાંત હોકીમાં 41 વર્ષે ભારતના મેડલના દુકાળનો અંત આવ્યો તો વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુએ ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો આ ઉપરાંત બોક્સિંગમાં 9 વર્ષ પછી ભારતને પહેલો ઓલિમ્પિક્સ મેડલ મળ્યો હતો. પીવી સિંધુએ ઉપરાછાપરી બે ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને બે વ્યક્તિગત મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી, આ સાથે જ ભારતે ટોક્યો ગેમ્સમાં સર્વાધિક સાત મેડલ સાથે સમાપન કર્યું હતું.
ઓલિમ્પિક ગેમ્સમાં સ્પર્ધાની શરૂઆતના પહેલા જ દિવસે મીરાબાઇ ચાનુએ દેશને મેડલ ટેલીમાં ખાતુ ખોલાવી આપ્યું હતું, અને ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલા દિવસે જ ભારતના ખાતામાં એક મેડલ નોંધાયો હોય તેવું પહેલા ક્યારેય બન્યું નહોતું. દેશને એવી જ શરૂઆતની જરૂર હતી, જો કે તે પછી જેમની પાસે મેડલની સૌથી વધુ આશા હતી તે શૂટર્સ ટીમ એકપણ મેડલ જીત્યા વગર પાછી બહાર નીકળી ગઇ, તે પછી સિંધુએ બ્રોન્ઝ જીત્યો અને ફરી એકવાર અભિયાન પાટે ચઢ્યું. હોકીની બંને ટીમે શરૂઆતના ફટકા પછી જોરદાર ટક્કર આપીને સેમી ફાઇનલ પ્રવેશ કર્યો. ત્યાર બાદ બોક્સિંગમાં લવલીના બોરગોહેને બ્રોન્ઝ જીત્યો, તેના બીજા દિવસે રવિ કુમાર દહિયાએ સિલ્વર જીત્યો અને થોડા કલાકો પછી હોકી પુરૂષ ટીમે બ્રોન્ઝ જીત્યો, પછી બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો અને અભિયાનની સમાપ્તિ નીરજ ચોપરાના ગોલ્ડ સાથે થઇ. ગોલ્ફર અદિતી અશોક અને મહિલા હોકી ટીમ પોડિયમ પર સ્થાન મેળવતા રહી ગયા.