સિલ્હટ : ભારતે (India) સોમવારે અહીં મહિલા એશિયા કપની (Women’s Asia Cup) અંતિમ ગ્રૂપ મેચમાં થાઈલેન્ડનો માત્ર 37 રનમાં વિંટો વાળ્યા પછી છ ઓવરમાં એક વિકેટે લક્ષ્યાંક કબજે કરીને નવ વિકેટે જીત મેળવવાની સાથે સાત ટીમના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. છ મેચોમાં ભારતની આ પાંચમી જીત છે. ટીમનો એકમાત્ર પરાજય કટ્ટર હરીફ પાકિસ્તાન સામે લો સ્કોરિંગ મેચમાં થયો હતો.
- ભારતે 6 ઓવરમાં 1 વિકેટે લક્ષ્યાંક કબજે કરીને 9 વિકેટે જીત મેળવવાની સાથે 7 ટીમના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું
- ભારતની સ્પિન ત્રિપુટીએ થાઈલેન્ડના બેટરોને કોઈ તક ન આપી
- છ મેચોમાં ભારતની આ પાંચમી જીત
- મહિલા એશિયા કપમાં ભારતના છ મેચમાં 10 પોઈન્ટ
ભારતની સ્ટેન્ડ-ઇન કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી જે પછી થાઇલેન્ડના બિનઅનુભવી બેટ્સમેનોએ યોગ્ય બોલિંગ પીચ પર રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. બંને ટીમો વચ્ચેનો તફાવત એટલો હતો કે થાઈલેન્ડની ટીમ 16મી ઓવરમાં આઉટ થતા પહેલા માત્ર 37 રન જ બનાવી શકી હતી. થાઈલેન્ડ માટે માત્ર નાનપટ કોનચારોએન્કેઈ જ બે આંકડા સુધી પહોંચી શકી હતી. ભારતની સ્પિન ત્રિપુટીએ થાઈલેન્ડના બેટરોને કોઈ તક આપી ન હતી. ઓફ-સ્પીનર સ્નેહ રાણાએ 9 રનમાં 3 વિકેટ અને દીપ્તિ શર્માએ 10 રનમાં 2 વિકેટ તેમજ રાજેશ્વરી ગાયકવાડે 8 રનમાં 2 વિકેટ ઉપાડી હતી.
ભારત, પાકિસ્તાન, શ્રીલંકાની સાથે બાંગ્લાદેશ અથવા થાઇલેન્ડમાંથી કોઇ એક સેમીમાં રમશે
મહિલા એશિયા કપમાં ભારતના છ મેચમાં 10 પોઈન્ટ છે અને તેની સાથે પાકિસ્તાન, શ્રીલંકાની સાથે જ થાઈલેન્ડ અથવા બાંગ્લાદેશમાંથી કોઇ એક ટીમ સેમિફાઈનલમાં પહોંચવાની અપેક્ષા છે. બાંગ્લાદેશની એક મેચ બાકી છે અને તેને અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે માત્ર તેને જીતવી પડશે કારણ કે તેની નેટ રનરેટ થાઈલેન્ડ કરતા સારી છે.