પૂણે: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ (Tesla) ભારતમાં (India) એન્ટ્રી મારી છે. વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી જૂન મહિનામાં અમેરિકાના (America) પ્રવાસે તે દરમિયાન તેઓ ટેસ્લાના CEO એલોન મસ્કને મળ્યા હતા. આ મુલાકાત પછી એલોન મસ્કે પીએમ મોદીના વખાણ કર્યા હતા. ત્યારે એવી અટકળો હતી કે ટૂંક સમયમાં ભારતમાં ટેસ્લા કંપની એન્ટ્રી મારશે. ત્યારે હવે ટેસ્લા કંપનીએ ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પહેલું પગલું ભર્યું છે.
ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પંચશીલ બિઝનેસ પાર્ક પુણેમાં એક ઓફિસ ભાડે લીધી છે. હાલમાં ટેસ્લા કંપનીના તમામ અધિકારીઓ આ ઓફિસમાં કામ કરશે અને ધીમે ધીમે બિઝનેસ શરૂ કરશે. ઓફિસ 60 મહિના માટે લીઝ પર લેવામાં આવી છે. આ ઓફિસ 10,77,181 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. ટેસ્લાની પેટાકંપનીએ પંચશીલ બિઝનેસ પાર્કમાં બી વિંગના પહેલા માળે 5,580 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે.
આ ડીલ ટેબલસ્પેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવી છે. તેનું ભાડું 1 ઓક્ટોબર, 2023થી શરૂ થશે અને બંને કંપનીઓ દર વર્ષે 5 ટકાના વધારા સાથે 60 મહિનાના લૉક-ઇન પિરિયડ પર સંમત થઈ છે. કરારના ભાગરૂપે સંકુલમાં પાંચ કાર પાર્ક અને 10 બાઇક પાર્કનો પણ સમાવેશ થાય છે. ટેસ્લાની આ ઓફિસ પૂણે ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલી છે.
અમેરિકામાં પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે કહ્યું કે તેઓ ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેમને લાગે છે કે ભારત વિશ્વના સૌથી મોટા દેશોમાંથી એક છે. જ્યાં બિઝનેસ ગ્રોથની વધુ શક્યતાઓ છે. આ પહેલા પણ મસ્ક કહી ચૂક્યા છે કે તે પોતાની ઈલેક્ટ્રિક કાર ટેસ્લાને ભારતીય બજારમાં લઈ જવા માટે તેઓ ઉત્સાહિત છે. ભારતીય બજારમાં ટેસ્લાની પ્રથમ કારની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.