Charchapatra

ટકાઉ વિકાસની બાબતમાં ભારતે હજી ઘણુ કરવાનું બાકી છે

ટકાઉ વિકાસ એ આજે વિશ્વભરમાં ચર્ચિત શબ્દ છે. વિકાસના અગાઉ વપરાતા ખયાલમાં આ નવો ખયાલ ઉમેરાયો છે. કોઇ પણ દેશનો વિકાસ થાય પરંતુ સાથે જ પ્રદુષણ, અરાજકતા જેવી સમસ્યાઓ પણ વધે તો તે પ્રજાકીય સુખાકારી માટે લાંબા ગાળા માટે નુકસાનકારી નિવડી શકે અને તેથી તેને તત્પુરતો વિકાસ તો કહી શકાય, પણ ટકાઉ વિકાસ કહી શકાય નહીં. કોઇ પણ દેશે વિકાસ કરવો હોય તો તે સાથે તેણે પ્રજાકીય સુખાકારી ખરેખર વધે છે કે નહીં અને તે સુખાકારી ટકી રહે તેમ છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું પડે.

ટકાઉ વિકાસ કે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનો આ ખયાલ વ્યાપક બન્યો તે પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ આ અંગે એક વાર્ષિક અહેવાલ બનાવવાનુ઼ં શરૂ કરવામાં આવ્યું અને એક ઇન્ડેક્સ દ્વારા વિવિધ દેશોનું ટકાઉ વિકાસ બાબતે સ્થાન નક્કી કરવાનું શરૂ કરવામાં આવ્યું. આ વર્ષે આવો દસમો અહેવાલ બહાર પડ્યો છે. ભારત દેશ અત્યાર સુધી આ ઇન્ડેક્સમાં ટોચના એક સો દેશોમાં પ્રવેશી શક્યો ન હતો. હવે ટકાઉ વિકાસના લક્ષ્ય(SDG)ના રેન્કિંગમાં ભારત પ્રથમ વખત ટોચના ૧૦૦ દેશોમાં પ્રવેશ્યું છે, જેમાં ૧૬૭ દેશોને રેન્ક આપવામાં આવ્યા હતા એ મુજબ હાલમાં પ્રકાશિત થયેલ અહેવાલ  પરથી જાણવા મળે છે. 

યુએન સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કના દસમા અને નવીનતમ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ(SDR) મુજબ 2025 SDG ઇન્ડેક્સમાં ૬૭ના સ્કોર સાથે ભારતનો ક્રમ ૯૯મો  આવ્યો છે, જ્યારે ૭૪.૪ના સ્કોર સાથે ચીનનો ક્રમ ૪૯મો અને ૭પ.૨ પોઇન્ટ્સ સાથે અમેરિકાનો ક્રમ ૪૪મો આવ્યો છે. ભારત ૨૦૨૪માં ૧૦૯મા, ૨૦૨૩માં ૧૧૨મા, ૨૦૨૨માં ૧૨૧મા,  ૨૦૨૧માં ૧૨૦મા, ૨૦૨૦માં ૧૧૭મા, ૨૦૧૯માં ૧૧૫મા, ૨૦૧૮માં ૧૧૨મા અને ૨૦૧૭માં ૧૧૬મા ક્રમે હતું. ભારતના પડોશી દેશોમાં, ભૂતાન ૭૦.૫ પોઈન્ટ સાથે ૭૪મા ક્રમે, નેપાળ ૬૮.૬  પોઈન્ટ સાથે ૮૫મા ક્રમે, બાંગ્લાદેશ ૬૩.૯ પોઈન્ટ સાથે ૧૧૪મા ક્રમે અને પાકિસ્તાન ૫૭ પોઈન્ટ સાથે ૧૪૦મા ક્રમે છે.

ભારતના દરિયાઈ પડોશીઓ, માલદીવ અને શ્રીલંકા, અનુક્રમે ૫૩મા  અને ૯૩મા ક્રમે છે. ટકાઉ વિકાસની બાબતમાં પાકિસ્તાન ભારત કરતા ઘણુ જ પાછળ છે જ્યારે ચીન ભારત કરતા ઘણુ જ આગળ છે એમ આ સૂચકઆંક પરથી કહી શકાય. ભારતના નાનકડા દરિયાઇ પાડોશીઓ પણ ટકાઉ વિકાસની બાબતમાં ભારત કરતા ઘણા આગળ છે. 2015માં SGD અપનાવવામાં આવ્યા હતા. સ્કોર 0 થી 100  ના સ્કેલ પર પ્રગતિને માપે છે જ્યાં 100 સૂચવે છે કે દેશે બધા 17 લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે અને 0 નો અર્થ એ છે કે કોઈ પ્રગતિ થઈ નથી. અહેવાલના લેખકોએ નોંધ્યું હતું કે વૈશ્વિક સ્તરે SDG  પ્રગતિ અટકી ગઈ છે, 2030 સુધીમાં 17 લક્ષ્યોમાંથી માત્ર 17 ટકા પ્રાપ્ત થવાનો અંદાજ છે.  યુરોપિયન દેશો, ખાસ કરીને નોર્ડિક રાષ્ટ્રો, SDG સૂચકાંકમાં ટોચ પર ચાલુ રહ્યા  છે, જેમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે, સ્વીડન બીજા  ક્રમે છે અને ડેનમાર્ક ત્રીજા ક્રમે છે. 

આમ છતાં આ દેશો પણ ઓછામાં ઓછા બે લક્ષ્યો પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર પડકારોનો સામનો કરે છે, જેમાં  આબોહવા અને જૈવવિવિધતા સંબંધિત લક્ષ્યોનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે બિનટકાઉ વપરાશને કારણે છે એમ લેખકોએ જણાવ્યું હતું. આમાં ૨૦૧૫થી સૌથી ઝડપી પ્રગતિ નેપાળ, કંબોડિયા,  ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ અને મોંગોલિયાએ કરી છે. જો કે કુલ લક્ષ્યોના માત્ર ૧૭ ટકા લક્ષ્યો જ ૨૦૩૦ સુધી હાંસલ કરી શકાય એમ છે છતાં વિશ્વના ઘણા દેશોએ પાયાની સેવાઓના વિકાસ  અને માળખાગત વિકાસમાં મજબૂત પ્રગતિ કરી છે. તો બીજી બાજુ પ્રેસ સ્વાતંત્ર્ય, ટકાઉ નાઇટ્રોજન વ્યવસ્થાપન, ભ્રષ્ટાચાર ઇન્ડેક્સ વગેરેમાં વૈશ્વિક સ્તરે પીછેહટ પણ થઇ છે.

ટકાઉ વિકાસની બાબતમાં વિશ્વના દેશોમાં કેવી સ્થિતિ પ્રવર્તે છે તે આ અહેવાલ પરથી સમજી શકાય છે. અહેવાલમાં યોગ્ય રીતે જ જણાવ્યું છે કે જે દેશો ટોચના સ્થાનોએ છે તે દેશો પણ આબોહવા અને જૈવવૈવિધ્યતાના લષ્યો હાંસલ કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. હવામાનની બાબતમાં વિશ્વમાં કેવી કરૂણ સ્થિતિ છે તે આ સૂચવે છે. અને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતે તો હજી ટકાઉ વિકાસના ઘણા પાસાઓની બાબતમાં હજી ઘણુુ બધુ કરવાનું બાકી છે તે સ્પષ્ટ સમજી શકાય છે.

Most Popular

To Top