Sports

પાંચમી ટેસ્ટમાં બુમરાહની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવાના ઇરાદે મેદાને પડશે

બર્મિંઘમ : પહેલીવાર કેપ્ટનશિપની (Captain) જવાબદારી સંભાળી રહેલા જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Cricket Team) શુક્રવારથી અહીં શરૂ થઇ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં જ્યારે ઇંગ્લેન્ડ સામે મેદાને પડશે ત્યારે ઘણું બદલાયેલું હશે, ગત વર્ષની સરખામણીએ ઇંગ્લેન્ડની ટીમ ઘણી બદલાઇ ગઇ છે અને તેમનું પ્રદર્શન પણ ઘણું સુધરી ગયું છે, જેની સામે ભારતીય ટીમની તૈયારીઓ એટલી મજબૂત જણાતી નથી, જો કે તેમ છતાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડને આશ્ચર્યનો આંચકો આપવા માટે સક્ષમ છે.

પાંચ મેચની સીરિઝમાં ભારતીય ટીમ 2-1ની સરસાઇ ભોગવે છે અને જો આ ટેસ્ટ ડ્રો પણ થશે તો પણ ભારતીય ટીમ સીરિઝ જીતીને એક નવો ઇતિહાસ રચશે. ગતવર્ષે ટીમ ઇન્ડિયામાં કોરોના કેસ સામે આવ્યા પછી પાંચમી ટેસ્ટ મુલતવી રખાઇ હતી. તે પછી નવ મહિનાનો સમય વિતી ગયો છે અને તત્કાલિન કેપ્ટન વિરાટ કોહલીએ સુકાન છોડી દીધું છે અને તેના પછી સુકાની બનેલો રોહિત શર્મા કોરોનાના કારણે આ મેચ રમવાનો નથી. વળી રોહિતનો ડેપ્યુટી કેએલ રાહુલ પણ ટીમ સાથે નથી. આ સ્થિતિને જોતા ટીમ ઇન્ડિયા સામે પડકાર મોટો છે.

ઇંગ્લેન્ડે હાલમાં જ પોતાના નવા કોચ બ્રેન્ડન મેકુલમના માર્ગદર્શન હેઠળ આક્રમક પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીનસ્વીપ કર્યું છે અને તેના બેટરો ફોર્મમાં છે. અહીંની સપાટ જણાતી વિકેટ બેટ્સમેનોને મદદરૂપ સાબિત થઇ શકે છે અને તેના પર જસપ્રીત બુમરાહ, મહંમદ શમી અને મહંમદ સિરાજ પર ઇંગ્લેન્ડના બેટરોને અંકુશિત રાખવાની જવાબદારી હશે.

જસપ્રીત બુમરાહને પાંચમી ટેસ્ટમાં બનાવાયો કેપ્ટન : બીસીસીઆઇની સત્તાવાર જાહેરાત
બર્મિંઘમ : ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગે આજે સ્થિતિ સ્પષ્ટ કરતાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા કોરોનાના કારણે ઇંગ્લેન્ડ સામેની પહેલી જુલાઇથી શરૂ થઇ રહેલી પાંચમી ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે. રોહિતનો બીજો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને એ સ્થિતિમાં તેના સ્થાને જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળશે.

બીસીસીઆઇ સચિવ જય શાહે એક મીડિયા રિલિઝમાં કહ્યું હતું કે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા શુક્રવારથી ઇંગ્લેન્ડ સામે રિશેડ્યુલ થયેલી પાંચમી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. રોહિતનો ગુરૂવારે સવારે રેપિટ એન્ટીજન ટેસ્ટ કરાયો હતો, જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સતત બે રિપોર્ટ પોઝિટિવ આવતા તે પાંચમી ટેસ્ટ રમી શકશે નહીં. મીડિયા રિલિઝમાં વધુમાં રહેવાયું હતું કે પસંદગીકારોએ બુમરાહને આગામી ટેસ્ટ માટે સુકાની બનાવ્યો છે. જ્યારે આ ટેસ્ટમાં તેના ડેપ્યુટી તરીકેની જવાબદારી ઋષભ પંત સંભાળશે.

આ ટેસ્ટમાં સુકાન સંભાળતાની સાથે જ બુમરાહ દેશનો 36મો કેપ્ટન બનશે. બુમરાહ દક્ષિણ આફ્રિકા પ્રવાસની ત્રણ મેચની વન ડે સીરિઝમાં વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી ચૂક્યો છે. આ ઉપરાંત લિસેસ્ટરશર સામેની પ્રેક્ટિસ મેચમાં તે રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશિપ સંભાળતો જોવા મળ્યો હતો.

Most Popular

To Top