National

કતારમાં 8 ભારતીય ભૂતપૂર્વ સૈનિકો સામે મૃત્યુ દંડનો કેસ, ભારતને મળ્યું કાઉન્સલર એક્સેસ

નવી દિલ્હી: કતારમાં (Qatar) 8 ભારતીય આપવામાં આવેલી ફાંસીની સજાના કેસમાં મોટી સફળતા મળી છે. આ મામલે ભારતીય રાજદૂતને કોન્સ્યુલર એક્સેસ (Diplomatic Access) મળી છે. આ એક સંવેદનશીલ મુદ્દો છે. ભારતીય રાજદ્વારી આ લોકોને મળ્યા છે અને તેમને આ મામલાની જાણકારી આપી છે. આ કેસની બે વખત સુનાવણી થઈ છે, આગામી સુનાવણી ટૂંક સમયમાં થશે.

એ વાત સામે આવી છે કે જ્યારે પીએમ મોદી (PM Modi) દુબઈ (Dubai) પહોંચ્યા ત્યારે યુએન ક્લાઈમેટ સમિટ સિવાય તેમણે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે સારી એવી વાતો થઈ હતી. આ જ મીટિંગ દરમિયાન 8 ભૂતપૂર્વ મરીનને સજા આપવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી, જે બાદ હવે કહેવામાં આવી રહ્યું છે કે તેમને રાજદ્વારી પ્રવેશ આપવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે આ મામલાની નજીકથી નજર રાખી રહ્યા છીએ. તમામ કાયદાકીય અને કાઉન્સલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ દરમિયાન અમારા રાજદૂત એ તમામ 8 લોકોને જેલમાં મળ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “કતારમાં આઠ ભૂતપૂર્વ મરીનને આપવામાં આવેલી મૃત્યુદંડના કેસમાં અમારી અપીલ પર બે સુનાવણી હાથ ધરવામાં આવી છે. અમે આ બાબત પર નજર રાખી રહ્યા છીએ અને તમામ કાયદાકીય સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમારા રાજદૂતને રવિવારે (3 ડિસેમ્બર) જેલમાં રહેલા આઠ લોકોને મળવા માટે કોન્સ્યુલર એક્સેસ મળ્યો. આ એક સંવેદનશીલ મામલો છે, પરંતુ અમે જે કરી શકીએ તે કરીશું.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા આઠ પૂર્વ ભારતીય નૌકાદળના જવાનોને કતારની અદાલતે 27 ઓક્ટોબર, 2023ના રોજ મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ગયા મહિને તે પ્રકાશમાં આવ્યું હતું કે કતાર કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની અપીલ સ્વીકારી લીધી છે અને કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ અપીલ ભારત સરકાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.

કતારની એક કોર્ટે 23 નવેમ્બરે અપીલના દસ્તાવેજો સ્વીકાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટ અપીલનો અભ્યાસ કરી રહી છે અને આગામી સુનાવણી ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની છેલ્લી સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારતે નિર્ણય સામે “પહેલેથી જ અપીલ દાખલ કરી છે”.

Most Popular

To Top